બીજાના સુખમાં સુખી થઈને જુવો – અલગ જ આનંદ મળશે

“જીવન જીવવાની કળા” વિષય પર એક સેમિનાર ચાલી રહ્યો હતો. સેમિનાર દરમ્યાન ભાગ લેનારા તમામને એક નાનું કામ સોંપવામાં આવ્યુ. બધાને એક ફુગ્ગો આપ્યો અને એક પેન આપી ત્યાર બાદ સુચના આપવામાં આવી કે તમામ લોકોએ એમને આપેલા ફુગ્ગા પર પેનથી પોતાનું નામ લખવાનું છે.

બધાએ સુચનાનો અમલ કર્યો અને ફુગ્ગા પર પેનથી પોતાનું નામ લખ્યું. નામ લખેલા આ તમામ ફુગ્ગાઓ એકઠા કરીને એક રૂમમાં મુકી દેવામાં આવ્યા અને પછી તમામને કહ્યુ કે હવે એ રૂમમાં જઇને તમારા નામનો ફુગ્ગો માત્ર 5 મિનિટના સમયમાં શોધી લો.

સુચના મળતા જ બધા એ રૂમમાં ગયા ત્યાં તો ઘણા ફુગ્ગાઓ હતા. પોતાનું નામ લખેલો ફુગ્ગો ક્યાં છે એ કોઇને ખબર નહોતી આથી બધા પોતાના નામનો ફુગ્ગો શોધવા દોડાદોડી કરવા લાગ્યા. ફુગ્ગો તો હાથમાં ના આવ્યો ઉલટાના ભાગદોડમાં કેટલાય ફુગ્ગાઓ ફુટી ગયા. આમ તેમ દોડી રહેલા બધાને ઉભા રહી જવાની સુચના મળી. કોઇ પોતાના નામનો ફુગ્ગો શોધી શક્યુ નહોતું એકાદને મળ્યો તો પણ ફુટેલો હતો.

બધાને ફરીથી ફુગ્ગાઓ આપીને એમનું નામ લખવાની સુચના આપી અને નામ લખેલા ફુગ્ગાઓ એક રૂમમાં ભેગા કર્યા આ વખતે પણ પોતાના નામનો ફુગ્ગો શોધવાનો હતો પણ રીત જરા બદલવામાં આવી. દરેક વ્યક્તિના હાથમાં જે ફુગ્ગો આવે તે લઇ લેવાનો પછી જેના નામનો હોઇ એને આપી દેવાનો અને બીજા પાસેથી પોતાનું નામ લખેલો ફુગ્ગો લઇ લેવાનો. આ રીત અપનાવી અને માત્ર એક જ મિનિટમાં જ દરેકના હાથમાં પોતાના નામના ફુગ્ગાઓ હતા અને એ પણ સહીસલામત ફુટ્યા તુટ્યા વગરના.

મિત્રો , આપણા જીવનમાં પણ આવુ જ બની રહ્યુ છે. દરેક વ્યક્તિ પોતાનું સુખ શોધવા માટે સતત દોડાદોડી કરી રહ્યો છે. બીજાના સુખમાં જ આપણું સુખ છે એ ભુલી જઇએ છીએ. એક પ્રયોગ કરી જુવો તમારી પાસે રહેલું બીજાનું સુખ એમને આપી દો એમની પાસે રહેલું તમારુ સુખ તમને મળી જ જશે.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!