મિસઅન્ડરસ્ટેન્ડીંગ – નાની ગેરસમજથી મોટો સંબંધ બગડી શકે છે

“આજે તારે સવારે ૧૦:૩૦ વાગે મારી ઓફિસે હાજર થઇ જવાનું છે. અને આખા દિવસની રજા મુકી દે જે.” વૃદ્ધ અને અનુભવી એવા એડવોકેટ અગ્રાવત સાહેબએ સવારના પહોરમાં જ સુનિલને ફોન કરી દીધો.
અને આજ પ્રમાણે વકીલ સાહેબએ શિતલને પણ ફોન કરી દીધો હતો.
એટલે સુનિલ સવારમાં વહેલો જાગીને સીધો તૈયાર થઇ ગયો હતો.
તૈયાર થઇને ન્યૂઝપેપર વાંચતા વાંચતા પોતાના ભૂતકાળમાં સરી પડ્યો…

૩૦ વર્ષના સુનિલ દીક્ષિતએ અત્યાર સુધીમાં ૨૭ છોકરીઓ જોઈ નાખી હતી. પરંતુ દરેક છોકરીઓમાં એમને ક્યાંક દેખાવ ના પસંદ પડે, ક્યાંક ભણતર ઓછું પડે, ક્યાંક છોકરીમાં આત્મવિશ્વાસની કમી લાગે. મતલબ દરેક છોકરીમાં કઇક ને કઇક કમી દેખાઈ. સુનિલ  એમબીએ ભણેલો અને પ્રાઇવેટ બેન્કમાં મેનેજરની પોસ્ટ પર લગભગ સારું એવી સેલેરી પાડતો હતો. પોતાની જ્ઞાતિમાંથી ઘણા બધા પ્રસ્તાવ આવતા. પણ સુનિલને દરેક છોકરીઓમાં કઇકને કંઈક ખૂટતું.

અંતે ઉમંર અને સમય જોતા એક છોકરી થોડી ગમી અને હા પાડી દીધી. શિતલ ૨૭ વર્ષની હતી અને પોતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. અને સુનિલ એમને પણ પસંદ પડી ગયો હતો. બંનેના જલ્દીથી સગાઇ અને ટૂંક જ સમયમાં ખુબ ધામધૂમથી લગ્ન લેવાયા. ત્યારબાદ બંને સ્વિત્ઝર્લેન્ડ હનીમૂન માટે ગયા. પછી બન્નેએ પોતાની અપેક્ષાઓ સાથે સમયનું સમાધાન કરીને હા પાડેલી અને મોટાભાગનો સમય બન્ને નોકરી પર વિતાવતા. છતાં રાત્રે બન્ને એકબીજા સાથે બને એટલો સમય વિતાવતા અને એ સબંધમાં પ્રેમ ઉમેરવાનો પ્રયત્ન કરતા. અને થોડા સમયમાં જ એક રોમેન્ટિક કપલ થઇ
ગયા.

એટલે લગ્ન પછી ૧-૨ મહિના પછી એક રવિવારે શિતલને ફિલ્મ જોવા જવાની ઈચ્છા થઇ.
“સુનિલ, આજે સાંજે એક બહુ જ મસ્ત રોમેન્ટિક ફિલ્મ આવી છે તો જોવા જઈશું?” ફિલ્મ જોવાનો બન્નેને શોખ હતો એટલે શિતલએ પ્રસ્તાવ મુક્યો.
“નહિ હો આજે હું અઠવાડિયાનો થાક ઉતારવા  માટે સુઈ જ રહેવા માંગુ છું.” સુનિલએ નકારમાં ઉતર આપ્યો.
“અરે, આખો દિવસ સુઈ રહેજે આપણે સાંજ ના શોમાં જઈશું અને રાત્રે બહાર ડીનર કરતા આવીશું.” શિતલે પોતાના હકથી કહ્યું.

અંતે પરાણે પણ સુનિલે હા પાડી. રાત્રે પાછા આવીને બન્ને ફિલ્મ ખરાબ હોવાથી અને સુનિલ પોતાની ઊંઘ પુરી ના થવાને કારણે ઝઘડો થયો. અને પછી આવા નાના મોટા ઝઘડાઓ થતા જ રહ્યા.. અને એક દિવસ સુનિલએ ગુસ્સામાં અને ગુસ્સામાં શિતલને એક તમાચો માર્યો. અને શિતલ પોતાના પિયર જતી રહી.

૧ મહિનાના સમયગાળા દરમ્યાન બન્ને પોતાના વટને કારણે એકબીજાને એકપણ વાર સમાધાન કરવા મળ્યા પણ નહિ. અંતે ૧ મહિના પછી શિતલે એડવોકેટ અગ્રાવત દ્વારા છૂટાછેડા માટે ની અરજી સુનિલને મોકલી આપી. બેમાંથી કોઈ પણ છુટા છેડા ઇચ્છતા નહોતા પણ વાત ઈગો પર આવીને અટકી હતી.

ત્યાંજ ૧૦ વાગે ઘડિયાળ ના ડંકા વાગતા જ ભૂતકાળમાંથી સુનિલ બહાર આવ્યો અગ્રાવત
સાહેબે આપેલો સમય યાદ આવ્યો અને તરત ઉભો થઇ પોતાના માતા-પિતાને પગે લાગી અને ભગવાનને પ્રાર્થના કરી ગાડી લઇ વકીલ સાહેબની ઓફીસ તરફ ભગાવી. બીજી તરફ શિતલ ૧૦:૩૦ ને બદલે ૧૦ વાગે જ ત્યાં પહોંચી ગયેલી. વકીલ સાહેબે બંનેને ૧૦:૩૦ સમયે બોલાવેલા પણ વકીલ સાહેબ જાણીજોઈને ૧૫ મિનિટ મોડા આવ્યા. પણ એ ૧૫ મિનિટમાં બંને એક બીજા સાથે બોલવાની તો દૂરની વાત એકબીજા સામે જોયું પણ નહિ. જાણીજોઈને એકબીજાને ઇગ્નોર કરતા રહ્યા. વકીલ સાહેબ આવતાની સાથે જ કુતૂહલવશ બન્ને સાહેબની કેબીનમાં સાથે જ આવી ગયા અને બન્ને એટલી જ ઉત્સુક્તાવશ થઇને એકબીજા સામે જોઈ અને સાહેબના એ ૧૫ મિનિટના મૌનને માંડ સહન કરી શકયા. ૧૫ મિનિટ પછી વકીલ સાહેબે બંને સામે એક મોલ કમ મલ્ટીપ્લેક્સની બે ટિકિટ સાથે આપી.
“આજે આખો દિવસ રજા રાખવાનું કહેલું છે એટલે કોઈ કામનું બહાનુ આપ્યા વગર આ ફિલ્મ જોઈ અને સાંજે પાછા મળી જશો.” વકીલસાહેબે ટિકિટ સુનિલ ના હાથમાં આપતા કહ્યું.

બન્ને સુનિલની કારમાં બેઠીને મલ્ટીપ્લેક્સ તરફ જતા હતા. રસ્તામાં શિતલને ફેવરિટ જગ્યાએ શેરડીનો રસ પીવા કાર ઉભી રાખી બન્નેએ શેરડીનો રસ પીધો. એકબીજા સાથે એક પણ શબ્દો બોલ્યા વગર બન્ને ફિલ્મના સમયે મલ્ટીપ્લેક્સમાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો ટિકિટ એકદમ કોર્નર સીટ કે જે બન્ને આવતા ત્યારે મોટેભાગે બુક કરાવતા એજ સીટ હતી. અને પહેલીવાર બંનેએ સામે જોઈને એકબીજા સામે સ્માઈલ કરી. ફિલ્મમાં મોટાભાગના સીન સ્વિત્ઝર્લેન્ડમાં ઉતરેલા અને બન્ને દરેક સીન જોઈને એકબીજા સામે જોઈને હસતા પણ હજી એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. ઈન્ટરવલ સુધીમાં બન્નેનો જૂનો ગુસ્સો ક્યાં ખોવાઈ ગયો ખબર જ ના પડી. સુનિલ શિતલ માટે એને ભાવતા પોપકોર્ન અને કોલ્ડડ્રિંક્સ લાવ્યો. અને પોતે પણ એમાંથી જ ખાવા લાગ્યો. ઘડીક શિતલે સુનિલ સામે જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. પણ સુનિલ એકદમ સહજ વર્તન કરતો રહ્યો. ઇન્ટરવલ સુધીમાં સુનિલના મનમાંથી ઈગો ગાયબ થઇ ગયેલો અને છૂટાછેડાનો વિચાર ભૂલી ગયેલો. ઈન્ટરવલ પછીના સ્વિત્ઝર્લેન્ડના બધા જ સીનમાં બન્નેએ પોતાની જુની હનીમૂનની વાતોને વાગોળતા રહ્યા. ફિલ્મ પુરી થયા બાદ બન્ને મોલમાં ખરીદી કરવા લાગ્યા શિતલની બધી ખરીદી સુનિલ માટેની જ હતી અને સુનીલની બધી ખરીદી શિતલ માટેની. ત્યાંથી બન્ને ડિનર કરવા સુનિલ ની ફેવરિટ રેસ્ટોરન્ટમાં ગયા.

ત્યારે છેક યાદ આવ્યું કે વકીલ સાહેબની ઓફીસે મળવા જવાનું હતું. તરત જ સુનિલે મોબાઈલ પર વકીલ સાહેબ ના નંબર ઘુમાવવા લાગ્યો. રિંગ વાગતી હતી અને અહીં સુનિલના હૃદયના ધબકારા વધતા હતા. સામે છેડે અગ્રાવત સાહેબે કોલ રિસીવ કર્યો..

“થેન્ક યુ, અગ્રાવત અંકલ.” સુનિલથી ફોનમાં આટલુંજ બોલી શકાયું અને લાગણીવશ થઇ ગયો. સુનિલ અને શિતલ બન્નેની આખોમાં હરખના આંસુ હતા. એક સબંધ, એક પરિવાર, એક કપલ તૂટતાં બચી ગયા
સામેછેડે એડવોકેટ સાહેબ પણ સમજી ગયા હતા કે અહીં ફક્ત misunderstanding જ હતી…
ડીનર પતાવીને સુનિલ શિતલને એના પિયરથી
લઇ આવ્યો. અને બન્ને ખુબ જ ખુશ હતા…

લેખક: ધવલ ખાતસુરિયા

Leave a Reply

error: Content is protected !!