સારુ થયું! – બધા જ સદગુણો સુવર્ણના આશ્રયે રહેલાં છે પુરવાર કરતી ટૂંકી વાર્તા

અમ્બરીશ જે જોઈ રહ્યો હતો એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. ક્યારેય કલ્પના નહોતી કરી કે ‘જનરેશન ગેપ’ એક બાપ અને દીકરા વચ્ચે આટલી મોટી ખાઈ બનવી દેશે! ગરીબોના ઘર મોટા હોય છે પણ મકાન તો નાના જ હોય છે. બેડરુમમાથી લંબાવેલા પગ છેક રસોડામા પહોંચી જાય! અમ્બરીશ કોલેજ પૂરું કરીને હવે સી.એ. માટેની તૈયારી કરી રહ્યો હતો. પહેલેથી જ સાયન્સમા ભણવા માટે જરુરી નાણા હતા જ નહી એટલે જે હાજર હતું એને હથિયાર બનાવ્યું.

અમ્બરીશ એક રુમ અને રસોડાના મકાનમા ઝઘડી રહેલા બાપ-િદકરાને જોઈ રહ્યો હતો. અમ્બરીશના મોટાભાઈ મેહુલે બી.એ અને પછી બી.એડ કર્યું હતું. શિક્ષક બનવાની ઝંખના હતી. પણ રોજગારી મેળવવા માટેની હોડમા એક જગ્યા માટે બસ્સો ઉમેદવાર હોય અને એમાના સો પાસે લાગવગ હોય ત્યાં મેહુલના પ્રમાણપત્રોની કોઈ ખાસ કિંમત નહોતી. નવીનભાઈએ બન્ને દીકરાને પેટે પાટા બાંધીને ભણાવેલાં. મોટા અધિકરીઑ બને એવી તો કોઈ ઈચ્છા હતી જ નહી, બસ રોજનુ કમાય રોજનુ ખાવું પડતું એ પરિસ્થતિમા સુધારો કરવાની ઈચ્છા હતી. ભલેને એક મજુરના જીવનમા કોઈ રવિવાર ના આવે, પણ દિકરા નોકરીએ લાગી જાય તો કદાચ રવિવારે કામે ગયા વિના પણ રવિવારે ખાવાનું મળે.

ઘણા ઉધામ કર્યા પછી મેહુલને કોઈએ લાલચ આપી કે બે લાખ રુપિયાની વ્યવસ્થા કરી શકે તો શિક્ષક બની શકાય એમ છે. સરકારી નોકરીના અભાવે મેહુલ સુંનંદાને ગુમાવી રહ્યો હતો. પ્રેમ તો નહોતો, પણ ઈચ્છા હતી કે નોકરી મળી જાય તો પપ્પા નવીનભાઈને કહેશે કે સુનંદાના પિતા પાસે એનો હાથ માંગે. આમ પણ જો ગરીબ પ્રેમ કરે તો કામ કોણ કરશે? પણ આજે જ સવારે સુનંદાના માં ગોદાવરીકાકી “વાટકી ખાંડ” લેવા આવેલ ત્યારે કહેતા ગયેલ કે “આજે સુનંદાને જોવા ઈડરથી મે’માન આવે છે. મુરતિયો સરકારી નોકર છે. હિમ્મતનગરના પાણી પુરવઠા વિભાગમા લખવા-ભૂંસવાનુ કામ કરે છે ને બાર હજાર રપિયાનો પગાર છે.”

જ્યારે મેહુલે બે લાખ રુપિયાની વાત સાંભળી ત્યારે એણે એ વાત પર ધ્યાન આપ્યુ જ નહોતું. ધ્યાન આપીને કરે પણ શું? બે લાખ તો દૂરની વાત, બાાપડાએ એકસાથે વીસ હજાર રુપિયા પણ ન્હોતા જોયા. ક્યારેક તો નવીનભાઈ મનોમન ભગવાન નો આભાર માનતા કે સારુ થયુ એને દીકરી નથી નહીતર કરીયાવર શાનો કરત? ગોદાવરીકાકીની વાત સાંભળ્યા પછી મેહુલે નક્કી કરી લીધુ કે ગમે એમ કરીને સરકારી નોકરી મળી જાય તો સુનંદા ઈડર પહોંચે એ પહેલા ગમે તે હિસાબે એમના સંબંધની વાત ચલાવશે. ઈડરવાળાને તો દહેજમા મા કઈક આપવું પડશે પણ આપણે “દહેજ માફ” રાખીશું.

ત્રણ વિઘા સુકી જમીન એટલે ચોમાસામા પોતાના ખેતરમા ને બાકીના દીવસો બીજાના ખેતરમા મજુરી કરી નવીનભાઈએ દીકરાઓના ભણતર પુરા કરાવ્યા હતાં. સુનંદા માટે નોકરીની લાલચમા મેહુલે હિંમત કરીને જમીન વેચી દેવાનો પ્રસ્તાવ નવીનભાઈ સામે મુક્યો. કોઈપણ જવાબ આપ્યા પહેલા નવીનભાઈએ મેહુલને એક તમાચો લગાવી દીધો.  ઘરના ઉંબરામા ચોપડી લઈને બેઠેલ અમ્બરીશ આ “ચટાક..” અવાજથી ડરી ગયો. એટલી ગરીબીમા પણ નવીનભાઈએ બેમાથી એકપણ દિકરા પર કોઈ જીદ્દ માટે ક્યારેય હાથ ન્હોતો ઊપાડયો. થપ્પડનો અવાજ સાંભળી ચૂલામા ફૂંક મારતા નવીનભાઈના પત્ની મધુબેને પાછુ ફરીને જોયું. એક હાથમા ફૂંકણી હતીને બીજા હાથમા લોટ ચાળવાનો હવાલો.

“નાલાયક, આ સાંભળવા મે તને ભણાવ્યો હતો? ભલેને એ જમીને આપણી ગરીબી દુર નથી કરી પણ આજે ત્રણ ટેમ ખાવા મળે છે ને ઈ આ જમીન ના જ પરતાપ છે. જમીનમા તમને ક્યારેય કામ નથી કરવા દીધું એટલે એને વેચી નાખવાની એમ? જમીન નથી એ, પરસેવો છે મારો. પૂછ તારા માને કે એ જમીન લેવા કેટલી મહેનત કરેલ તારા આ બાપે. મારી મહેનતની વાત તો જવા દે, તારી માનું મોતિયાનું ઓપરેશન ન્હોતુ કરાવ્યુ એ જમીન લેવા માટે એટલે તારી મા આજે એક આંખે જોઈ નથી શકતી. તારા માની એક આંખ છે એ જમીન ને તારે એ વેચી દેવી છે?”

મેહુલને કલ્પના પણ નહોતી કે આટલી મોટી વાત નવીનભાઈએ એમને ક્યારેય કરી જ નહોતી. મેહુલના બધા આવેગો ઓસરી ગયા. એ છૂપ હતો. નવીનભાઈ બીજું વાક્ય શરુ કરે ત્યાં ગોદાવરીકાકી એક રાકાબીમા બે પેંડા લઈને આવ્યા: “લ્યો, મધુબેન. છોકરાવાળાએ તો ફોટો જોઈને જ નક્કી કરી નાખેલ, પેંડા પણ લેતા આવેલ.”

અમ્બરીશ ફરીથી ચોપડીમા માથું નાખી વાંચવા લાગ્યો. મેહુલ દિશાશૂન્ય. અરધો પેંડો નવીનભાઈએ લીધો અને ગોદાવરીબેન રકાબી મધુબેન ને આપી આવ્યા ને કહેતા ગયા કે, “અમ્બરીશ અને મેહુલને આપજો.”

હવે જમીન વેચવાની જરુર નહોતી

લેખક: વિપુલ હડિયા

This Article is Protected with Copyright © 2017. All rights reserved with Author.

Leave a Reply

error: Content is protected !!