મોદી સાહેબના આગમનની ખુશીમાં રંગીલું રાજકોટે સજ્યા સોળે શણગાર

દેશ-વિદેશના લાખો-કરોડો લોકોના હૃદયસમ્રાટ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રંગીલા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા અને વધાવવા સમગ્ર રાજકોટમા ઉત્સવ અને ઉત્સાહનો માહોલ સજાર્યો છે. રાજકોટમાં જાણે કે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ સમગ્ર શહેર લોકલાડીલા વડાપ્રધાનને આવકારવા થનગની રહ્યુ છે. સમગ્ર શહેરે એક નવોઢાની માફક શણગાર સર્જયો છે. વડાપ્રધાન બન્યા બાદ મોદી સૌ પહેલી વખત રાજકોટ આવી રહ્યા હોવાથી આતિથ્ય સત્કાર માટે જાણીતુ કાઠીયાવાડનું આ પાટનગર સંપુર્ણ સજ્જ છે. આજે વડાપ્રધાન મોદીના રાજકોટમાં કુલ ૩ કાર્યક્રમો છે. સૌ પહેલા તેઓ રેસકોર્ષ ખાતે દિવ્યાંગોના કાર્યક્રમમાં ભાગ લેશે ત્યારબાદ આજીડેમ ખાતે નર્મદા નીરના વધામણા તથા જાહેરસભાને સંબોધન કરશે. તે પછી સાંજે ૭ વાગ્યાથી ૯ કિ.મી.નો ગ્રાન્ડ રોડ-શો યોજાશે. જેમાં લાખો લોકો રસ્તા ઉપર ઉમટી પડશે અને પ્રિય વડાપ્રધાનને પાણીની સમસ્યામાંથી બહાર લાવવા બદલ થેન્કયુ કહી ઋણ અદા કરશે. વડાપ્રધાન મોદી આજે રાજકોટ આવી રહ્યા હોય સમગ્ર શહેર મોદીમય થઇ ગયુ છે અને સમગ્ર શહેરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટની વડાપ્રધાનની આ મુલાકાતને ઐતિહાસિક અને યાદગાર બનાવવા લોકોના સહયોગથી તંત્રએ અથાગ મહેનત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીમંડળના અનેક સભ્યો, ભાજપના આગેવાનો, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો વગેરે પણ રાજકોટ આવી રહ્યા છે. વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમોમાં વિવિધ રેકર્ડ પણ સર્જાવાના છે.

આજે રાજકોટના લોકો માટે રૂડો અવસર આવ્યો છે. સૌ પહેલી ચૂંટણી લડી રાજકોટથી વિજેતા બનેલા વડાપ્રધાનને હૃદયપુર્વક આવકારવા સમગ્ર શહેરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીને સત્કારવા રાજકોટની સુરત અને સિકલ બદલાઇ ગઇ છે. શહેરે નવોઢા જેવો શણગાર સજયો છે. ઠેર-ઠેર રોશની, લાઇટ શોનું આકર્ષણ ઉભુ કરવામાં આવ્યુ છે. આજીડેમની દિવાલો રોશનીથી ઝળહળી ઉઠી છે. આજીડેમ ચોકડીએ નયા ભારતના થીમનો ફલોટ તૈયાર કરાયો છે. અમુલ સર્કલમાં મેઇક ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા થીમનું મોડલ તૈયાર કરાયુ છે. ચુનારાવાડ ચોકમાં ઉજ્જવલા-આવાસ યોજનાના થીમના મોડલો ઉભા કરાયા છે. પટેલવાડી ચોકમાં વડાપ્રધાનનું ચાય પે ચર્ચાનું કટઆઉટ તૈયાર કરાયુ છે. કેસરી પુલને સમાંતર જુના રેલ્વે બ્રીજ ઉપર લેસર શો યોજાયો છે. ડિલકસ ચોકમાં પર્યાવરણની જાળવણી-સુરક્ષા માટે મોરનું મોડલ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આજીડેમ ચોકડીથી અમુલ સર્કલ વચ્ચે કેનવાસના કાપડ ઉપર ગ્રીનસીટી કલીન સીટી, પર્યાવરણ વગેરેના ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

રાજકોટ શહેરની સરકારી-ખાનગી ઇમારતો પર રોશની, કટઆઉટ, પડદા પોસ્ટરો અને લેસર શોની ઝગમગતી લાઇટ અને કર્ણપ્રિય સુરાવલીઓથી ગુંજતા લાઉડસ્પીકરથી એવો માહોલ સર્જાયો છે કે જાણે દિવાળી હોય. રાજકોટને પીવાના પાણીની તંગીમાંથી બહાર લાવવા બદલ રાજકોટની પ્રજા વડાપ્રધાનને થેન્કયુ કહેવા થનગની રહી છે. આજે પીએમ નર્મદા નીરના વધામણા કરી સૌરાષ્ટ્રની જનતાને વધુ એક સંદેશો અને ભરોસો આપવાના છે કે હવે સૌરાષ્ટ્ર માટે પાણીની સમસ્યા ભુતકાળ બનશે અને વિકાસના નવા દ્વાર ખુલશે.

આજે વડાપ્રધાનના આગમન બાદ સાંજે યોજાનાર રોડ શોમાં લાખો લોકો ઉમટી પડે તેવી દહેશત હોવાને પગલે તંત્ર ઉંધા માથે થઇ ગયુ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો વડાપ્રધાનને નિહાળવા અને તેમનો અભિવાદન કરવા રાજકોટમાં ઉમટી પડે તેવી શકયતા હોવાથી સમગ્ર શહેર સાંજે જાણે મોદીમય થઇ જશે તેવુ જણાય છે. સાંજે ઠેર-ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળે તેવી પણ શકયતા છે.

માહિતી સોર્સ: અકિલા

ફોટો સોર્સ: મેહુલભાઈ ધોળકિયા

Leave a Reply

error: Content is protected !!