જો હું પાકિસ્તાનમાં હોત તો ’71નું યુદ્ધ પાકિસ્તાન જીત્યુ હોત’ – સામ માણેકશૉ વિષે જાણો છો?

સામ માણેકશૉ : મર્દાના મિજાજ, મસ્તાના અંદાજ

એ માણસે ઈન્દિરા ગાંધીને ‘મેડમ’ કહેવાનો ઈનકાર કરી દીધેલો. તે માનતો કે એ સંબોધન એક ખાસ વર્ગ માટે થાય છે. એણે તેમને માત્ર પ્રાઈમ મિનિસ્ટર કહેવાનું સ્વીકારેલુ. જોકે, પછીથી તો એમણે ઈન્દિરા ગાંધી માટે બીજુ પણ એક સંબોધન વાપર્યુ – ‘સ્વિટી’

જ્યારે ઈન્દિરાજી વડાપ્રધાન તરીકે તખ્તનશિન હતા, જ્યારે તેમનો સિતારો બુલંદી પર હતો, ઠાઠ, ઠસ્સો, ઠાવકાઈ અને કરડાકી આસમાને હતી ત્યારે એ પારસી બાવો પોતાના મિજાજ મુજબ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયાને ‘સ્વિટી’ કહી શકતો. 1971ના યુદ્ધ પહેલા એ મરદના ફાડીયાએ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને વચન આપેલુ કે તે પાકિસ્તાનના બે ફાડીયા કરીને મુકી દેશે.

ઈન્દિરા ગાંધીએ જ્યારે પાકિસ્તાન પર હુમલો કરવાનું કહ્યું ત્યારે તેમણે ચોખ્ખી ના પાડી દીધેલી. એ સમયમાં ઈન્દિરા ગાંધીને મોઢામોઢ ખરેખરી સંભળાવી દેવાની નૈતિક હિંમત અને કરાફાડ કલેજુ ભગવાને બહુ ઓછા લોકોને બક્ષેલુ. તેમણે ઈન્દિરાજીને સમજાવ્યું કે વોર સ્ટ્રેટેજી મુજબ અત્યારે યુદ્ધના સંજોગો ભારતને અનુકુળ નથી. પણ પોતે કહે એ સમયે જો યુદ્ધ કરવામાં આવે તો ધાર્યા પરિણામની ગેરંટી. યુદ્ધ એમની મરજી અને એમના સમય મુજબ જ થયુ. અને એ જ થયુ જેનું વચન તેમણે ઈન્દિરા ગાંધીને આપેલુ. પાકિસ્તાન નામના દેશના બે કટકા થઈ ગયા. બાંગ્લાદેશ નામના બચોળિયા રાષ્ટ્રનો પ્રસુતીકાળ મુકરર કરનાર એ મૂળ ગુજરાતી યોદ્ધો એટલે જનરલ સામ માણેકશા. પૂરા નામ : સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા.

એ વોરિયરનું કેરેક્ટર જોઈ મને કાયમ લાગ્યા કરે છે કે એમના જીવન પર હજુ સુધી કોઈ મેઈનસ્ટ્રિમ, ફૂલફ્લેજ્ડ મુવી બન્યાનું કેમ ધ્યાનમાં નથી! બાંગ્લાદેશમાં ઘુસવા જઈ રહેલી ભારતીય લશ્કરી ટુકડીઓને તેમણે ખાસ સૂચના આપેલી કે આપણે સામાન્ય વિજેતા લશ્કરોની જેમ વિજયના ઉન્માદમાં છાકટા થવાનું નથી. તેમનો મતલબ સ્પષ્ટ હતો કે કોઈએ લૂંટફાટ કે બળાત્કારો કરવાના નથી. જે કોઈ પણ એમ કરતા પકડાશે તેમનુ કોર્ટમાર્શલ કરવામાં આવશે. સૈનિકો માટે મહિલાઓથી દૂર રહેવાની સૂચના સાથે એક લશ્કરી મેસેજ બ્રોડકાસ્ટ થયેલો કે – ‘વ્હેન યુ સી અ બેગમ, કિપ યોર હેન્ડ ઈન યોર પોકેટ્સ, એન્ડ થિન્ક ઓફ સેમ.’ (સેલ્યુટ સામ બહાદુર) જેના પરિણામે ભારતીય આર્મી લૂંટ અને બળાત્કારોના આરોપોથી મૂક્ત રહી અને માત્ર એ ધરતી જ નહીં પણ પશ્વિમ પાકિસ્તાનીઓની ક્રૂરતાથી કચડાયેલા પૂર્વ પાકિસ્તાનીઓના દિલ પણ જીતી આવી.

રણમેદાનની રેતીને રક્તથી રક્તિમ કરી મુકનારા એ નરસિંહના ગોરા વાન પર તંદુરસ્તીનો સંકેત આપતી ગુલાબી કુમાશ ફરફરતી રહેતી. એ મહારથિ દુશ્મન દેશ પર વિજયના વાવટાની સાથે ચહેરા પર હોલિવૂડના હીરોને શરમાવે તેવું મોહક સ્મિત પણ ફરકાવી શકતો. સરહદે દુશ્મનોના ઢાળિયા કરતા એ શૂરવીરની પર્સનાલિટી પર કંઈક સુંદરીઓ પાળિયા થઈ જવા તૈયાર હતી.

મૂળ વલસાડના પારસી લાલા હોવાથી એ ખાણી-પીણી અને ઉજાણીના શોખિન. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામેના બર્મા મોરચાથી માંડી 1971 સુધીના અનેક યુદ્ધો લડ્યા. અનેક વાર ઘાયલ પણ થયા. તેઓ પાકિસ્તાન ગયા ત્યારે આઝાદી પહેલા તેમના જુનિયર રહી ચુકેલા પાકિસ્તાની લશ્કરના એક ઉચ્ચ અધિકારીએ પ્રોટોકોલમાં ન આવતી હોવા છતાં આદરવશ એમને સલામ ઠોકેલી. આલા દરજ્જાની સેન્સ ઓફ હ્યુમર ધરાવતા સેમ બહાદુરને એક વાર કોઈએ પૂછ્યું કે, ‘તમે પાકિસ્તાનમાં હોત તો?’ હાથમાંનો પ્યાલો સ્હેજ હલાવી ચહેરા પર એટલી જ માત્રામાં સ્માઈલ લાવી સામ બહાદુરે જવાબ વાળ્યો કે, ‘તો ’71નું યુદ્ધ પાકિસ્તાન જીત્યુ હોત.’

2008માં બરાબર આજના દિવસે જ એટલે કે 27 જૂનના રોજ એમણે પૃથ્વી પરથી એક્ઝિટ કરી સ્વર્ગમાં એન્ટ્રી લીધી હશે ત્યારે ત્યાં ફરિશ્તાઓએ પણ ઉભા થઈને આ રણજોદ્ધાને બાઅદબ કડક સલામ ઠોકી હશે. નેતાઓના ભાષણો-નિવેદનો થકી નહીં પણ આવા અનેક નરવીરોના શૌર્ય અને બલિદાનોના પ્રતાપે જ આપણે સૌ જીવીએ છીએ. જય હિન્દ. જય હિન્દ કી સેના…

ફ્રી હિટ :

>જો કોઈ માણસ એમ કહેતો હોય કે તે મોતથી નથી ડરતો તો કાં તો એ જુઠ્ઠુ બોલે છે કાં એ ગુરખો છે.

-સામ માણેકશા (ગોરખા રેજિમેન્ટની કમાન સંભાળનારા તેઓ પહેલા ભારતીય અધિકારી હતા. તેમને સામ બહાદુર તરીકે સંબોધવાનું ગુરખાઓએ જ શરૂ કરેલુ.)

લેખક: તુષાર દવે

 

Leave a Reply

error: Content is protected !!