સમજાવ્યા વગરની સમજ – સત્ય ઘટના

આશકા અને અર્ણવ મીશીગનના એનઆર્બરમાં અમારી બાજુના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમના એપાર્ટમેન્ટમાં નીચે સિસિલ એકલી રહેતી હતી. લગભગ એંસી વરસની સિસિલ સાવ એકલી જ હતી. શારીરિક રીતે તેને કોઇ ખાસ પ્રોબ્લેમ નહોતા. એકદમ આનંદી અને ઉત્સાહી સ્વભાવની સિસિલ ખૂબ વાતોડી હતી. પણ વાતો કરે કોની સાથે ? બે દીકરા હતા..પણ સામાન્ય અમેરિકન કલ્ચરની માફક બંને દીકરાઓ અલગ રહેતા હતા. હા..મધર્સ ડેને દિવસે કાર્ડ કે ગીફટ જરૂર આવતા…પણ સિસિલની એકલતા તેનાથી કેમ દૂર થઇ શકે ? તેના ખાલીપાને કેમ ભરી શકે ? સિસિલ આખો દિવસ ઘરની બહાર લોબીમાં ખુરશી નાખી બેસી રહેતી. આવતા જતા બધા લોકોને ત્યાંથા અચૂક પસાર થવું પડે તેમ હતું. સિસિલ ત્યાં બેસીને આવતા જતા બધાને હાય હેલ્લો કરતી રહેતી. હસીને તેમના ખબર અંતર પૂછતી ર્રહેતી.

આશકા નીચે ઉતરે ત્યારે તેને અચૂક તેના કલ્ચર વિશે…તેના ઘર વિશે પૂછયા કરે આજે શું બનાવ્યું…શું કર્યું ? કોણ આવ્યું ? કોણ ગયું ? તેના ફેમીલી વિશે કે પછી કોઇ પણ વાત જાણવા માટે..તે હમેશા આતુર રહેતી. આશકાને સવારે ઓફિસે જવાની ઉતાવળ હોય તેમાં સિસિલના પ્રશ્નો તેને બહું અકળાવતા. સિસિલની પૂછપરછમાંથી કેમ છટકવું તે તેને સમજાતું નહોતું. તે કંટાળતી..કે ખૂબ જબરી છે આ ડોસી… આખો દિવસ બધાની પંચાત જ કર્યા કરે છે. મોટેભાગે તો તે આઇ એમ ગેટીંગ લેઇટ..સોરી..એમ કહી..એકાદ બે શબ્દમાં જવાબ આપી ત્યાંથી છટકી જતી. તે અહીં નવી રહેવા આવી હતી. ખાસ કોઇનો પરિચય તેને હતો નહીં.. એવો ફાલતુ સમય પણ તેની પાસે કયાં હતો ? તેને આશ્ર્વર્ય થતું..બીજા ઘણાં સાથે સિસિલ કેટલીયે વાતો કર્યા કરતી. અને બધા જાણે નવરા…કંટાળ્યા સિવાય તેના જવાબ આપ્યા કરે.. જોકે આશકાની નારાજગી સિસિલ કદાચ પામી ગઇ હતી. કેમકે હવે તેણે આશકાને પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું હતું. ફકત હસીને વીશ કરી લેતી. આશકાને થોડી શાંતિ થઇ. હાશ બાઇ સમજી તો ખરી…રોજ પાંચ મિનિટ બગાડવી કેમ પોસાય ? અને તે પણ આવી નકામી વાતોમાં ? તે કંઇ કોઇને જવાબ આપવા થોડી બંધાયેલી છે / આ કચકચથી છૂટી..એમ માની તે હરખાતી રહી. એક દિવસ સવારે તે હમેશની માફક જ ઉતાવળમાં હતી. દાદર ઉતરતા અચાનક તેનો પગ લપસ્યો. અને છેક નીચે તે ગબડી.. પગમાં ફ્રેકચર થયું હોય તેવું લાગ્યું. કોઇ રીતે ઉભુ થવાતું નહોતું. આસપાસમાં કોઇ નહોતું. કોની મદદ માગે ?

ત્યાં સિસિલનું ધ્યાન તેની પર ગયું. તે તુરત દોડી..આશકાને ઉભા થવામાં મદદ કરી પોતાની ગાડીમાં ધીમે ધીમે બેસાડી હોસ્પીટલે લઇ ગઇ. અર્ણવ આવ્યો ત્યાં સુધી તે આશકા પાસેથી ખસી નહીં.

પૂરા સાત દિવસ આશકાને હોસ્પીટલમાં રહેવું પડયું. અર્ણવને ઓફિસમાંથી રજા મળે તેમ નહોતી..અને આ પારકા પ્રદેશમાં કોઇ પોતાનું નહોતું. પણ ના…હવે તેમની પાસે સિસિલ હતી..જે એક માની જેમ આશકાની સંભાળ રાખતી હતી. આશકા મનોમન શરમાતી રહેતી. પણ સિસિલને તો કોઇ ફરક જ કયાં હતો ? આશકાને હવે સમજાયું..બધા શા માટે સિસિલથી કંટાળ્યા સિવાય પૂરા આદર સાથે તેની સાથે વાતો કરતા રહે છે..સિસિલ હમેશા એક કે બીજી રીતે બધાને કામમાં આવી હતી.. સાત દિવસ પછી આશકા જયારે ઘેર આવી ત્યારે તે સિસિલની વહાલી દીકરી બની ચૂકી હતી….હવે તે સિસિલથી કયારેય બોર નહોતી થતી…આજે પણ સિસિલ ખુરશી નાખીને બેસે છે. અને બધાને બોર કરતી રહે છે.

This Article is Protected with Copyright © 2017. All rights reserved with writer Nilam Doshi.

Leave a Reply

error: Content is protected !!