અમદાવાદ – હેરિટેજ સિટી ગર્વની સાથે જવાબદારી ભર્યા સમાચાર

અમદાવાદ, હેરિટેજ સિટી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ગાૈરવ અને આપણી જવાબદારી…

આપણે જે શહેરમાં રહેતા હોઈએ તે શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તો આપણોય દરજ્જો વધી ગયો હોય તેવું ફીલ થાય. આખા દેશમાં એક માત્ર અમદાવાદ શહેરને આ માન મળ્યું છે તેના પગલે જો અમદાવાદીઓની છાતી 2-4 ઈંચ ફૂલાઈ જાય અને તેઓ એકાદ ઈંચ હવામાં ચાલવા માંડે તો પણ ક્ષમ્ય ગણાવું જોઈએ.

આ વૈશ્વિક ગાૈરવ રાતોરાત નથી મળ્યું. આપણા 604 વર્ષના આ ઐતિહાસિક શહેર પાસે ભવ્ય વિરાસતનો વારસો તો હતો જ, પણ એ વારસો વૈશ્વિક સ્તરનો છે એ સાબિત પણ કરવું પડતું હોય છે. અનેક કાઠા નિયમો છેદીને અનેક કોઠા ભેદીને આ ખિતાબ સુધી પહોંચાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષો સુધી આ માટે ખૂબ પરિશ્રમ કર્યો, ગુજરાત સરકારે પૂરો સહયોગ આપ્યો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાંથી પ્રકાશિત થતા ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તો તેને ઝૂંબેશનું સ્વરૃપ આપ્યું. અમદાવાદને હેરિટેજ સિટીનું ગાૈરવ અપાવવામાં તેનું મોટું પ્રદાન છે. તેણે બે કોફીટેબલ બુકનું પણ પ્રકાશન કર્યું.


એક અખબાર ધારે તો કેવું રચનાત્મક કાર્ય કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્યની, તેમના સારા-નસરા અવસરો વખતે આ અખબાર દ્વારા ઉપેક્ષા થાય ત્યારે આપણને સાચી રીતે જ ચચરે અને પીડા થાય, પણ તેના દ્વારા આજે જે કામ થયું છે તે લાંબો સમય યાદ રહેશે.
શહેરના 60 લાખ રહીશોએ આજે સંકલ્પ કરવા જેવો છે. આપણે જે શહેરમાં વસીએ છીએ તે શહેરને વૈશ્વિક ગાૈરવ મળ્યું છે ત્યારે એ વિરાસતને આપણે સગી આંખે જોઈએ અને હૃદયથી માણીએ, દશ્યોમાં નહીં, રૃબરૃ જઈને આ ગાૈરવવંતા વારસાને સમજીએ અને ધન્યતા અનુભવીએ.


સંતાનોને મોલમાં લઈ જઈએ પણ સાથે સાથે આપણા આ અણમોલ વારસાથી પણ તેને વંચિત ના રાખીએ. બાળકોને સિનેમા હોલમાં લઈ જ જઈએ પણ તેને આપણી ઐતિહાસિક ઈમારતોનું દર્શન પણ કરાવીએ.

મુંબઈ કે સુરતના રહીશમાં પોતાના નગર માટે જે પાકી ભાવના છે, પ્રેમ છે એ અમદાવાદીઓમાં ખૂટે છે.
એક મોકો આવ્યો છે અમદાવાદના રહીશોના હૃદયમાં પોતાના શહેર માટે ગાૈરવ ભરવાનો.

અમદાવાદના તમામ રહીશોને હેરિટેજ સિટીની 11 દરિયા ભરીને વધામણી.

– રમેશભાઈ તન્ના

Leave a Reply

error: Content is protected !!