વિદ્યા વિનયથી શોભે છે – સમજવા જેવી વાત

આજે ગંગા નદી પાર કરવા માટે ઘણાં લોકો એક નાવમાં બેઠા. બધાં યાત્રીઓ સાથે નાવ સામેના કિનારા તરફ ધીરે-ધીરે આગળ વધી રહી હતી. નાવમાં એક બુદ્ધિશાળી પંડિતજી પણ બેઠા હતાં.

પંડિતજી એ નાવિકને પ્રશ્ન કર્યો, “શું તુ ભૂગોળ વિશે ભણ્યો છો ?”
ભોળા જેવો લાગતો નાવિક બોલ્યો, ના, હું ભૂગોળ  વિશે નથી જાણતો.
પંડિતજીએ પોતાનાં જ્ઞાનનું પ્રદર્શન કરતાં કહ્યુ, વ્હાલા તારી 25 ટકા જીંદગી પાણીમાં ગઈ.

પંડિતજીએ બીજો પ્રશ્ન કર્યો, “ઈતિહાસ જાણો છો ? રાણી લક્ષ્મીબાઈ કોણ હતાં ? ક્યાં થઈ ગયા ?”

નાવિકે કહ્યું, “ના, નથી જાણતો.”

પંડિતજીએ પોતાની મોટાઈનો પરચો આપતાં કહ્યું, એ પણ ખબર નથી ! તો ભાઈ તારી તો અડધી જીંદગી પાણીમાં ગઈ.

પંડિતજીએ પોતાની વિદ્યાનાં ઘમંડમાં ત્રીજો સવાલ પૂછયો. “મહાભારત અને રામાયણ વિશે જાણે છે ? શ્રી રામ અને શબરીની મુલાકાત વિશે જાણે છે ?”

અભણ નાવિક શું બોલે ! નાવિકે ઈશારામાં જ ના પાડી દીધી.
પંડિતજીએ હસતાં-હસતાં કીધું, અરે ! વ્હાલા તારી તો પોણી જીંદગી પાણીમાં ગઈ.

અચાનક નાવ ડોલવા લાગી, નાવિકે તોફાનની ચેતવણી આપી. ભયાનક ઉછાળા મારતાં મોજાં જોઈને નાવિકે એક જ સવાલ કર્યો કે તમને તરતાં આવડે છે? પંડિતજીએ ફફડતા જીવે જવાબ આપ્યો કે, મને તરતા નથી આવડતું. ત્યારે નાવિકે જવાબ આપ્યો કે મારી તો પોણા ભાગની જીંદગી પાણીમાં ગઈ પરંતુ તમારી તો આખી જિંદગી પાણીમાં જવાની. નાવિક નાવમાંથી કૂદીને તરતો-તરતો કિનારે પહોંચી ગયો….થોડીવારમાં નાવ પાણીમાં ઉંધી વળી ગઈ. પંડિતજી પાણીમાં તણાઈ ગયા.

દોસ્તો, વિદ્યા-જ્ઞાન એ વાદ-વિવાદ માટે નથી. વિદ્યાનો ઉપયોગ કોઈનું અપમાન કરવા કે કોઈને નીચુ દેખાડવા માટે કરવો નહીં. જીવનમાં ક્યારે કેવા પ્રકારની મુશ્કેલી અને તક આવે તે કંઇ જ નક્કી નથી હોતું. બુદ્ધિ અને જ્ઞાનનો હંમેશા સદુપયોગ કરવો.
સંસ્કૃતમાં કહેવાય છે કે “विद्या विनयेन शोभते।”
અર્થાત : વિદ્યા વિનયથી શોભે છે.

સંકલન: ઇલ્યાસભાઈ

ગુજરાતી બોધકથાઓ મોબાઈલ/ટેબ્લેટ માં વાંચવા માટેની ગુજરાતી એપ્લીકેશન એટલે “વાર્તા રે વાર્તા” – ફ્રી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!