લોલિયાણાનો મિનારો જેનો સાક્ષી છે એવા ભાઈ-બહેનના અમર પ્રેમની વાત

ભાવનગર જીલ્લો.વલ્લભીપુર પરગણું.ઝાંઝરી પે’રેલી કન્યા જેવી રૂપકડી રંઘોળી નદી.

નદીને કાંઠે પંખીના માળા જેવું પીપરાળી ગામ.

ગામમાં સૈયદનું હવેલી જેવું ઘર..

ઘરમાં ભાઈ-બહેન બે જ જણ.નામ ગોરામીયા અને ગોરાંબાનું..

માં-બાપ નાનપણમાં જ ગુજરી ગયેલા.ગામલોકોને પણ આ સૈયદ ભાઈ-બહેન પર બહુ ભાવ.

ભાઈ મોટો,બહેન નાની.બંને વચ્ચે અનોધાં હેત.ભાઈ તો બહેનને ફૂલની જેમ સાચવે છે…

વખત વીતે છે.ભાઈ જુવાન થયો.

માયાળુ મામા-મામીએ મોવડી થઈને સારા ઘરની દીકરી જોઇને ગોરામીયાની શાદી કરાવી.

અરમાનભરી સૈયદાણી હમીદા ઘરમાં આવી.પણ ગોરામીયાની દુનિયા તો બેનમાં જ સીમિત છે.

સવારના દાતણથી માંડીને બેન ઊંઘી જાય ત્યાં સુધી એની સરભરામાં જ મશગૂલ રહે છે.

બીબી સાથે વાતો પણ બેનની જ કર્યા કરે.”આજ બેને સવારમાં દૂધ ન પીધું”,”બપોરે બેને ઓછું ખાધું”,

“બેનને નીંદર તો આવતી હશે ને !”બસ…બેન..બેન ‘ને બેન.. !હમીદા કંટાળી ગઈ.

શાદીશુદા જિંદગીના એના સપના વેરણ છેરણ થઇ ગયા.

“રાતે નીંદમાં બેનની રજાઈ ખસી જાય તો બેનને ઠંડી લાગે”-

એમ કહીને પોતાનો ખાટલો ઓસરીમાં બેનની બાજુમાં રાખ્યો.હમીદા સમસમી ગઈ.

“હવે તો હદ થાય છે.આ કાંટો કાઢવો જ પડશે,પણ ખાવિંદ નારાજ ના થાય એ રીતે. !”…

એક વાર મોકો જોઇને હમીદાએ વાત મૂકી, “મિયા,હવે કૈક સમજો !ગોરાં હવે જુવાન થઇ છે.

ગમે તેટલી વહાલી હોય,પણ બેન-દીકરીને સાસરે તો વળાવવી જ પડે.

બહેનથી જૂદા થવાની વાત જ ભાઈને વસમી લાગી…પણ શું થાય !હમીદાની વાત સાચી હતી.

મન મારીને ભાઈએ સારા વર અને ઘરની તપાસ શરુ કરી.ક્યાંય મન ઠરતું નથી.

બેનને રોજ મળી શકાય એટલું નજીક કોઈ ઠેકાણું મળી જાય તો જ ભાઈ જીવી શકે એવું વળગણ …

અને નસીબજોગે બાજુના જ લોલિયાણા ગામના સધ્ધર સૈયદ કુટુંબમાં બેનની સગાઇ કરી.

લગન લેવાણા.બેનને સાસરે વળાવી.ભાઈ તો સૂનમૂન થઇ ગયો.એની તો દુનિયા લૂંટાઈ ગઈ.

જીવ વગરના ખોળિયા જેવા ભાઈએ રાત તો માંડ વિતાવી.

સવાર પડતા જ ઘોડો લઈને બેનને ગામ પહોંચ્યો.

જુગ જુગના વિખૂટા પડ્યા હોય એમ ભાઈ બહેન ભેટી પડ્યા.

ભાઈને દુનિયાદારીની કોઈ ગતાગમ નથી.

એક,બે ત્રણ….કરતા આઠ આઠ દિવસથી ભાઈ બેનના ઘેર રોકાયો છે.

આખરે બેનની નણંદે મહેણું માર્યું “મારા અસ્લમભાઇને મોહીને ભાઈ બહેન બંને પરણીને આવ્યા છે.”

બેનને બહુ દુખ થયું.ભાઈએ જતાં જતાં બનેવીને કહ્યું, “જીજાજી,તમે લોલિયાણામાં એક ઊંચો મિનારો બંધાવો.

હું પીપરાળીમાં એક મિનારો બનાવું.

સાંજ પડે એટલે સામ સામા દીવા પ્રગટાવીને અમે ભાઈ-બહેન દીવા જોઇને મળવાનો સંતોષ માનશું.

બનેવી સમજદાર હતો.બંને ગામમાં મિનારા ચણાઈ ગયા.

સાંજના ઓળા ઊતરે ત્યારે ભાઈ-બહેન મિનારા પર ચડીને દીવા ના દીદાર કરીને રાજી થાય.

આ રોજનો ક્રમ થઇ ગયો.મહિનાઓ વીત્યા.એક વાર ગોરામીયાને ભાવનગર જવાનું થયું.

બીવી હમીદાને કહ્યું,”સાંજ સુધીમાં તો આવી જઈશ પણ વહેલા-મોડું થાય તો મિનારે ચડીને દીવો બતાવજે.

મારી બેન રાહ જોશે.”પણ….પાછા વળતાં ભાઈ અંધારામાં અટવાયો.મોડું થયું.

આ બાજુ લોલિયાણાના મિનારે દીવો લઈને બેન ચડી છે.ભાઈનો દીવો દેખાયો નહિ.

ઘણી રાહ જોઈ.’આવું ન બને.નક્કી મારા ભાઈને કંઈક અમંગળ થયું છે….

એવું વિચારી મિનારાની ટોચ પરથી બેને પડતું મૂક્યું.ભાઈ…ભાઈ…કરતા બેનનું પ્રાણ-પંખેરું ઊડી ગયું.

મોડો મોડો ગોરામીયા ઘેર પહોંચ્યો.સીધો જ હમીદાને સવાલ કર્યો,”દીવો લઈને મિનારે ગઈ’તી ને ?

“ખંધી હમીદાએ લુચ્ચું નાટક કર્યું,”હાય હાય…હું તો ભૂલી જ ગઈ !

” …’યા ખુદા…!’ભાઇનો આતમ કકળી ઊઠ્યો..”ભારે કરી…મારી બેન રાહ જોતી હશે…”

દીવો લઈને જલ્દી જલ્દી ભાઈ મિનારે ચડ્યો…પણ…લોલિયાણાની દશ્યે ઘનઘોર અંધારું જોયું…

“દીવો નથી તો મારી બેન આ દુનિયામાં ન હોય…!”

અને બેન…મારી બેન…પોકારતા ભાઈએ દેહને મિનારા પરથી પડતો મૂક્યો.

ભાઈ-બહેનના હેતના સંભારણા રૂપે આજે પણ એ લોલિયાણાનો મિનારો એ કરુણ કથાની સાક્ષી પૂરે છે

સંકલન: પરીક્ષિત ભટ્ટ

Leave a Reply

error: Content is protected !!