પ્રિન્સીપાલથી પ્યૂન સુધીનો તમામ સ્ટાફ મહિલાઓ – જાણો ભાવનગરની આ અદ્ભુત કોલેજ વિષે

સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામના ગ્રુપ ઓફ કોલેજીસમાં પ્રિન્સીપાલથી પ્યૂન સુધીનો તમામ સ્ટાફ મહિલાઓનો છે. ડો. સુરેશ સવાણી સ્થાપિત આ કોલેજનાં પ્રિન્સીપાલ છે ડો. હેતલ મહેતા. તેમના નેજા હેઠળ ૬૦ બહેનોનો સ્ટાફ અહીં વિવિધ દસ અભ્યાસક્રમોમાં ભણતા ૨૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમનું નહીં, જીવનલક્ષી પણ શિક્ષણ આપી રહ્યો છે.

આ કોલેજમાં બીકોમ, બીબીએ, બીસીએ, એમકોમ, એમએચઆરબી, એમએસડબલ્યુ, એમએસસી અને એમફીલ સુધીનું શિક્ષણ અપાય છે. આચાર્યા હેતલબહેન કહે છે કે માત્ર બહેનોનો સ્ટાફ હોય તો કાર્યક્ષમતામાં શો ફરક પડે છે તેનો અમે અભ્યાસ કરાવ્યો તો જાણવા મળ્યું કે માત્ર મહિલાઓના સ્ટાફને કારણે કાર્યક્ષમતામાં વધારો થયો છે. તેઓ કહે છે કે મહિલાઓ વધારે નિષ્ઠા, ચીવટ અને ચોકસાઈથી કામ કરે છે. એટલું જ નહીં તેમને ઘરની જવાબદારી પણ હોવાથી તેઓ કોલેજમાં પૂરતા સમયમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરે છે અને કોઈ પણ પ્રકારના પોલિટિક્સમાં પડતી નથી.

ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી અને યુનિવર્સિટીના પરિસરમાં જ આવેલી આ કોલેજ જોવા અને જાણવા જેવી છે. તેનું સ્થાપત્ય, તેના ખંડો, તેના જુદા જુદા વિભાગો, કોલેજના અભિગમને સ્ફૂટ કરતાં ઠેર ઠેર લખાયેલાં સુંદર અવતરણો, તેની બાંધણી, તેની સજાવટ વગેરેમાં તમને ચોક્કસ દૃષ્ટિ અને સૂઝ દેખાય. ચાર માળની આ કોલેજમાં છોકરીઓ અને છોકરાઓ માટે જુદી જુદી સિડીની જોગવાઈ છે. ત્રણ કોમ્પ્યૂટર લેબ અતિ આધુનિક છે. ત્રીસ હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી ધબકતી છે. રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક ક્ષેત્રે કોેલેજના વિદ્યાર્થીઓ માત્ર યુનિવર્સિટી કક્ષાએ જ નહીં, પરંતુ રાજ્ય કક્ષાએ પણ નિયમિત ચમકતા-દમકતા રહે છે.

માત્ર બહેનો સ્ટાફમાં છે એટલે બધું ઢીલું ઢીલું ચાલે કે પછી કોઈ દાદાગીરી કરે તો બહેનો દબાઈ જાય એવું રખે માનતા. બલકે કોલેજનાં પ્રિન્સીપાલ હેતલબહેનને તો ઝાંસીની રાણીનું ઉપનામ મળેલું છે. એક વખત કોઈ વિદ્યાર્થીને બદલે એક સરદારજી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા આવ્યા હતા. વળી, તેમની પાસે રિવોલ્વર પણ હતી. દાદાગીરી કરીને પોતે પરીક્ષામાં લખવા બેઠા. પકડાઈ ગયા તો ધમકી આપવા માંડ્યા. હેતલબહેને જઈને સીધો કાંઠલો જ પકડ્યો. પેલા ભાઈ તો ભાગ્યા. તેની પાછળ સ્ટાફની બહેનો તેને પકડવા દોડી. કોલેજના સ્થાપક સુરેશભાઈનું સુંદર સંયોજન અને વહીવટ, કોલેજનાં મેનેજિંગ ટ્રસ્ટી સરયુબહેનની સ્પષ્ટ અને મક્કમ વિચારધારા અને હેતલબહેનનું સુંદર સંચાલન…આ ત્રિવેણી સંગમને કારણે આ કોલેજ ઘણી પ્રતિષ્ઠિત થઈ છે.

કોલેજમાં માત્ર મહિલાઓનો સ્ટાફ રાખવાનો અભિગમ કેવી રીતે અમલમાં મૂકાયો ? તેની રસપ્રદ કથા છે. ડા. સુરેશ સવાણી ભાવનગર યુનિવર્સિટીના વાણિજ્ય વિભાગમાં પ્રોફેસર. એ જે કોલેજમાં હતા ત્યાં પ્રિન્સીપાલની જગ્યા ખાલી પડી. સુરેશભાઈ બધી જ રીતે લાયક હતા, પણ તેમને તક ન મળી. આ ‘પટેલ ભાયડો’ જીદે ભરાયો. તેણે પોતાની જ કોલેજ સ્થાપી દીધી. એક વખત અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં યોજાયેલા સેમિનારમાં ભારતમાંથી આવેલા ૨૫ પ્રોફેસરોમાં ડા. સુરેશભાઈ સવાણી પણ આવેલા. કરસનભાઈ પટેલની મદદથી તેઓ ત્યાં કાર્યક્રમમાં આવેલા નરેન્દ્રભાઈને મળ્યા. નરેન્દ્રભાઈએ તેમને કહ્યું કે તમે ગુજરાતની પહેલી મહિલા યુનિવર્સિટી સ્થાપો. વાયબ્રન્ટ ગુજરાત વખતે તમે સરકાર સાથે એમઓયુ કરો. એ વખતે મને મળજો. તમારે પરિચય આપવાની જરૂર નહીં પડે, હું તમને ઓળખી જઈશ.
નરેન્દ્રભાઈની સૂચના અને ઈચ્છાને ધ્યાનમાં રાખીને સુરેશભાઈએ મહિલા યુનિવર્સિટી સ્થાપવાની દિશામાં પ્રયાસ કર્યો પરંતુ છેક સુધી ન પહોંચી શક્યા. હા, પોતાની કોલેજમાં તમામ સ્ટાફ મહિલાઓનો રાખ્યો. તેઓ અને સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી સરયુબહેન કહે છે કે અમારો આ પ્રયોગ ઘણો સફળ થયો છે.

આ કોલેજની સ્થાપના અને તેના વિકાસની વળી, આખી રસપ્રદ કહાની છે. અહીં એટલું જ કહેવાનું કે શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓ માતબર, નોંધપાત્ર અને પરિણામલક્ષી સુંદર કાર્યવાહી કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરની આ સ્વામી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ છે.
(એ પણ કેવી રસપ્રદ વાત છે કે જે સંપ્રદાયના સ્વામીઓ મહિલાઓને જોતા પણ નથી એ સંપ્રદાયના ભગવાનના નામ વાળી આ કોલેજમાં માત્ર મહિલાઓ જ સુંદર કામ કરીને ઈતિહાસ રચી રહી છે. ).

– રમેશભાઈ તન્ના
This Article is Protected with Copyright © 2017 with Rameshbhai Tanna. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!