ચોકીદારનો દીકરો આજે છે ભારતનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી!

એક મધ્યમવર્ગીય રાજપૂત પરિવારમાં જન્મેલા રવીન્દ્ર જાડેજાએ બાળપણમાં ઘણી જરૂરી વસ્તુઓનો આનંદ નથી માણ્યો. તેમના પિતા ચોકીદારની નોકરી કરતા. જ્યારે તેઓ માત્ર 17 વર્ષના હતાં ત્યારે તેમની માતાનું નિધન થઇ ગયું અને તેમની બહેને પરિવારની સમગ્ર જવાબદારી પોતાના શિરે લઇ લીધી. જાડેજાની બહેનને તેમની માતાની જગ્યાએ નર્સની નોકરી મળી ગઈ. આજે પણ જાડેજા તેમની બહેનની ખૂબ નજીક છે અને પોતાના જીવનની તમામ બાબતોની ચર્ચા તેમની સાથે કરે છે!

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો જન્મ, 6 ડીસેમ્બર, 1988ના રોજ ગુજરાતના નવાગામ ઘેડ ખાતે થયો હતો. તેમનો પરિવાર એક રૂમના ફ્લેટમાં રહેતો હતો. જાડેજાના માતા નર્સ તરીકે કામ કરતા, અને એ સમયે સમાજમાં તે ઘણી મોટી બાબત ગણાતી કે એક સ્ત્રી કામ કરવા જાય છે. પરિવારનો ખર્ચો કાઢવા તેમના પિતા અનિરુદ્ધ જાડેજા પણ ઘણી મુશ્કેલીઓ વેઠીને કામ કરતા રહેતા. પરિવારમાં પૈસાની તંગી રહેતી પરંતુ જાડેજાએ ક્યારેય સ્કૂલ જવાનું બંધ ન કર્યું. 10 વર્ષની ઉંમરથી જ તેમને ખેલ-રમત પ્રત્યે વધુ લગાવ હતો પરંતુ અવારનવાર તેમને તેમનાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ દ્વારા હેરાન કરવામાં આવતા અને જાડેજાને ક્યારેય બેટિંગ કરવાનો મોકો ન મળતો. જાડેજા ખૂબ દુઃખી રહેતા અને દર રોજ રાત્રે સૂતા પહેલા રડતા.

એ દિવસોમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા અને ક્યારેક ક્રિકેટર રહી ચૂકેલા મહેન્દ્રસિંહ ચૌહાણ, ક્રિકેટ બંગલો નામની જગ્યા પર યુવા ક્રિકેટરોને તાલીમ આપતા. તેમની પાસે સ્પિનર્સને તાલીમ આપવાની એક ખાસ ટેક્નિક હતી. ચૌહાણે જાડેજાના ક્રિકેટ જીવનને જડમૂળથી બદલી નાખ્યું.

જાડેજાને ક્રિકેટ બંગલો કે પછી આર્મી સ્કૂલ વચ્ચે પસંદગી કરવાનું કહેવાયું. તાલીમની શરૂઆત થયા બાદ, જાડેજાએ એક ઝડપી બોલર તરીકે શરૂઆત કરી અને ત્યારબાદ ચૌહાણના નિર્દેશો પ્રમાણે એક સ્પિનર તરીકે તૈયાર થવા લાગ્યા. જાડેજાને ઊંઘમાં ચાલવાની આદત હતી અને અવારનવાર ચૌહાણના હાથે થપ્પડ ખાઈ શિસ્તબદ્ધ રહેતા. એક વાર એવું પણ થયું કે જાડેજા એક મેચ દરમિયાન ઘણાં મોંઘા સાબિત થયા. એ સમયે ચૌહાણે સૌની સામે, પિચ પર જ જાડેજાને થપ્પડ મારી અને ત્યારબાદ તે ગેમમાં જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી.

‘ક્રિકેટ મંથલી’ના એક રિપોર્ટ પ્રમાણે, ચૌહાણે જણાવ્યું,

“હું છોકરાઓને મારી દેતો હતો. જો કોઈ છોકરાને ક્યાંય બહાર જોઈ લેતો તો તેમને ચોક્કસ માર પડતો. મને હતું કે છોકરાઓ માત્ર ક્રિકેટ બંગલો, ઘર અને ભણતાં જ દેખાવા જોઈએ.”

પશ્ચિમ ઝોન માટે રમતાં રવીન્દ્ર જાડેજાએ વર્ષ 2006-2007માં પ્રથમ શ્રેણી ક્રિકેટની શરૂઆત કરી. તેઓ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમથી રમ્યા. વર્ષ 2012માં 23 વર્ષની ઉંમરમાં ઘરેલુ ક્રિકેટમાં ત્રણ વખત, ત્રણ શતક બનાવી ક્રિકેટ ઈતિહાસમાં આઠમા અને સૌ પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં.

2008-09ની રણજી સિઝનમાં 739 રન અને 42 વિકેટ લઇ તેમણે શાનદાર પ્રદર્શન કર્યું. અને ત્યારબાદ જાડેજાની આંતરરાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવામાં આવી. જેમ જેમ વર્ષો વિતતા રહ્યાં તેમ તેમ જાડેજાની સિદ્ધિઓ પણ વધતી રહી. ઓગસ્ટ, 2013 સુધીમાં જાડેજા એક દિવસીય ક્રિકેટની દુનિયામાં પ્રથમ નંબરના બોલર બની ચૂક્યા હતાં. 1996માં અનિલ કુંબલે બાદ આ સિદ્ધિને હાંસલ કરનારા જાડેજા એકમાત્ર ભારતીય ખેલાડી છે.

રવીન્દ્રને વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમ દ્વારા પસંદ કરવામાં આવ્યા. 2013માં, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એક ટેસ્ટ સીરીઝ દરમિયાન, જાડેજાએ અસાધારણ પ્રદર્શન કર્યું અને સોશિયલ મીડિયા પર તેમની તુલના રજનીકાંત સાથે કરતા જોક્સ વાયરલ થવા લાગ્યા. ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના તેમજ રવીચંદ્રન અશ્વિન જેવા ટીમના અન્ય ખેલાડીઓએ પણ રમૂજી ટ્વીટસ કરી જેને જાડેજાએ પણ ખૂબ સ્ફૂર્તિ અને હળવાશથી લીધી. રેડીફ સાથે વાત કરતી વખતે તેમની બહેન નૈનાએ જણાવ્યું,

અનુશાસન માટે પોતાના કૉચની થપ્પડ ખાવાથી લઇ, ક્રિકેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવા સુધીની લાંબી સફર જાડેજાએ ખેડી છે. અને આપણે સૌ પણ આશા કરીએ કે આવનારા વર્ષોમાં તેમના ઘણાં સારા કારનામા આપણે નિહાળી શકીશું.

– યોરસ્ટોરી.કોમ (ગુજરાતી)

Leave a Reply

error: Content is protected !!