પટેલ બોર્ડીંગમાં રહેતા એક વિદ્યાર્થીના એમના ગુરુ ને અદ્ભુત વંદન – વાંચવા જેવો પ્રસંગ

આદરણીય ગુરુજી ડઢાણીયા સાહેબનાં ચરણોમાં વંદન…

ઇ.સ. ૧૯૯૦ની એ રવિવારની સવાર હતી. વેલજી વશરામ પટેલ બોર્ડીંગમાં ચહલપહલ હતી. આજ રજાનાં દિવસે વાલીઓને પોતાના પુત્રોને મળવાની છુટ હોય ઘણા બધા વડીલો પોતાના પુત્રોને મળવા બોર્ડીંગમાં આવ્યા હતા. દરેક રુમ વાલીઓ-વડીલોથી ભરેલ હતા.

રુમ નંબર – ૧૬માં મારા સહપાઠીનાં કાકા તથા તેમના બે મિત્રો મળવા આવ્યા. સાથે નાસ્તાનાં ડબ્બા લઈ આવ્યા હતા. તેમની વાતચીત તથા વાણી-વર્તનથી તે યુવાનો હતા અને બોર્ડીંગમાં ભણેલ હોય એવું લાગ્યુ. તે લોકો અમને બોર્ડીંગની બધી કાર્યપ્રણાલી દિનચર્યા પુછી રહ્યા…હસતા અને સલાહો દેતા રહ્યા. અમારા રુમના આઠેય વિઘ્યાર્થીઓને મજા પડી.

અચાનક એમણે એક પ્રશ્ન પુંછ્યો ” આયા કેટલા દિવસે ફિસ્ટ (મિષ્ટાન્ન) દયે સે”

“કાય નક્કી ના વોય, હજી હુધી દીધુ નથ” અમે લગભગ એકસૂરમાં બોલ્યા.

તે લોકોને આશ્ચર્ય થયું. “આંદોલન કરો, ના સુ દયે” એવુું સૂચન કર્યુ.

અમે તે વડીલોની વાત ગંભીરતાથી લીધી. સાંજ સુધીમાં રુમે-રુમે વાત પહોંચી. આંદોલન કરવું છે, કાલ બપોરે કોઈએ જમવા જ ન જવું એવો દ્રઢનિસ્ચય કર્યો. વગર લિડરનું આંદોલન હતુ. મને અત્યારે વિતારતા એવું પણ લાગે છે લિડર બનવા કોઈ તૈયાર નહોતુ. ડઢાણીયા સાહેબનાં ગુસ્સાથી સૌ કોઈ પરિચીત હતા.

સોમવારનાં સવારનાં સાડ દસ વાગ્યા, જમવાની સુચના આપતો બેલ વાગ્યો. જે લોબીમાં અમે જમવા જતા એ હજી સુમકાર હતી, ગૃહપતિશ્રીને નવાઈ લાગી. તેમણે પાછો બેલ વગડાવ્યો. કોઈ આવ્યુ નહી. બધા પોતપોતાના રુમમાં ભરાઈ રહ્યા. નજીકનાં રુમમાં જઈ ગૃહપતિશ્રી એ પૃચ્છા કરી તો માલુમ થયુ કે આતો ફિસ્ટ ન આપતા હોવાના લીધે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યુ હતુ. તેમને નવાઈ થઈ…હરેક દર્દ ના એક ઈલાજ સમા ડઢાણીયા સાહેબને સ્કૂલેથી બોલાવ્યા. સેન્ટરહોલમાં દરેક વિધ્યાર્થીઓને આવવાની સૂચના મળી.

થોડીવારમાં આખો સેન્ટરહોલ ભરાયો, ડઢાણીયા સાહેબ તેમની છટ્ટા પ્રમાણે બે હાથ પાછળ રાખી અમારી સન્મુખ થયા. એના ચહેરા પર આજ થોડીક વધુ ચમક હતી. એમના ડરથી અમે નીચીમુંડી જોઈ બેસી રહ્યા. કોઈને ઉંચુ જોવાની હિમ્મત નહોતી. થોડીક પળો બાદ એજ પહાડી અવાજ સાંભળવાની અમને આદત હતી એ સંભળાયો.

“તમારી એકતા જોઈ આજ હું ખૂબ ખુશ છું, મારી લાંબી કારકીર્દીમાં મે આવી યુનીટી જોઈ નથી. હું તમારા વતી ટ્રસ્ટીઓને કહીશ….ચાલો હવે જમી લો સ્કૂલે જવાનું મોડુ થાય છે”

એની આંખોમાં સચ્ચાઈ હતી, શબ્દોમાં દ્રઢતા. અમે બધાએ એની આજ્ઞાનુ પાલન કર્યુ. જમ્યા. સ્કૂલે ગયા. આ વાતની પછી કોઈ ચર્ચા જ ન થઈ. એક અઠવાડીયા પછી રવિવારની બપોરે મોહનથાળ બન્યો સાથે પૂરી અને બટાકાનું શાક હતુ. ડઢાણીયા સાહેબે પોતે અમારા માટે શું કર્યુ એવો અહંમ ન કર્યો, તેણે ટ્રસ્ટી પાસે કઈ રીતે અમારી માંગો મનાવી એનો કયારેય ઉલ્લેખ ન કર્યો. એમનામાં કયારેય હું પણુ નહોતુ. મેં કર્યું એવું કયારેય કહ્યુ નહી!

મારા આજ સુધીનાં અનુભવમાં કયારેય કોઈ આંદોલનકારીઓ સાથે પીડકોએ આ રીતે વાત નહી કરી હોય. ન આ રીતે પ્રશ્નોનું સમાધાન કર્યુ હશે. ન આ રીતે જસ ખાટ્યા વગર સ્થીતી રાબેતા મુજબ કરી હશે! આજ પચીસ વર્ષ પછી તમારા વિચારો એટલા જ આધુનિક લાગે છે. ધન્ય છો તમે ગુરુજી.

ઓશો પછી મને સૌથી વધુ કોઈની સ્પીચ પ્રભાવક લાગી હોય તો એ હતા મારા ડઢાણીયા સાહેબ. ભારેખમ અવાજ, શુધ્ધ સ્પષ્ટ વક્તા, વિષયવસ્તુનું જ્ઞાન, દર્શકોને મંત્રમુગ્ધ કરી શકવાની કાબેલિયત.

ગુરુ પૂર્ણિમાં એ તમને સાદર પ્રણામ અમને આશિર્વાદ આપો કે તમારા પર અમે એક બૂક લખી શકીયે

– જસ્મીન ભીમાણી (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!