તું ફક્ત નિર્ભર તર્ક પર ને જ્ઞાન પર… થોડીક શ્રદ્ધા જોઈએ ભગવાન પર

કચ્છના રાપર શહેરનો લોહાણા પરિવાર. ચાર ભાઈઓનું સુખી કુટુંબ. ચારે જુવાન વયના. પરણેલા પણ ખરા. એમાંના એક વિનોદ ઠક્કર દુકાન વધાવીને સાંજે આઠ-સાડા આઠ વાગ્યે ઘરે આવ્યા. એ દિવસે શનિવાર હતો. પરિવારમાં વર્ષોથી એક નિયમ ચાલ્યો આવતો. દર શનિવારે રાપરથી ત્રણ કિ.મી. દૂર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું.દસ મિત્રો. પાંચ બાઇક લઈને નીકળી પડે. દરેક બાઇક પર બબ્બેજણ. આ શનિવારે પણ એવું જ નક્કી થયું હતું. ઘરે આવીને સ્નાનાદિ કરીને ભોજન કરવામાં લગભગ અગિયાર વાગી ગયા. સાડા અગિયારે પાંચ બાઇકનાં એન્જિન ધમધમી ઊઠયાં.’હું ક્યાં બેસું?’ વિનોદભાઈએ પૂછયું.”તું ભીખાભાઈની બાઇક પર બેસી જા’ અશોકભાઈએ સૂચન કર્યું. બધાજ એકબીજાના કાયમી સંગાથીઓ હતા. ગાઢ સ્નેહી મિત્રો હતા. કોણ કઈ બાઇક ઉપર કોની પાછળ બેસે છે એ માત્ર વ્યવસ્થાનો પ્રશ્ન હતો. વિનોદભાઈ બેસી ગયા. સવારી ઊપડી. બાર વાગવા આવ્યા હતા. ઘનઘોર અંધારું હતું. હાઈવે ઉપર વાહનોની અવરજવર ભારે હતી. દસ હનુમાન-ભક્તો મસ્ત બનીને જઈ રહ્યા હતા. સૌથી છેલ્લે ભીખાભાઈ ને વિનોદવાળી બાઇક હતી. પાછળથી એક ખટારો યમનો દૂત બની ધસી આવ્યો. બાઇક ફૂટબોલની જેમ ઉછાળીને ચાલ્યો ગયો. મોટો ધમાકો ને ચીસાચીસ સાંભળી આગળની ચારેય બાઇક થંભી ગઈ. આઠ મિત્રો દોડી આવ્યા. જોયું તો ભીખાભાઈ બચી ગયા હતા, પણ વિનોદરસ્તાની બાજુ પરના ખાડામાં બેભાન હાલતમાં પડેલા હતા.
હનુમાનજીનાં દર્શન બાજુ પર રહી ગયા. તાબડતોબ ત્યાંથી પસાર થતા એક ઓળખીતાની કારમાં નાખીને વિનોદભાઈને પાછા રાપર લઈ જવામાં આવ્યા. રાપરના એક જનરલ પ્રેક્ટિશનરે પેશન્ટને જોતાંવેંત કહી દીધું, ‘દર્દીની જિંદગી જોખમમાં છે. ભાગ્યે જ બચશે એમ લાગે છે. ખોપરીની અંદર મગજમાં મલ્ટિપલ હેમરેજ થયાં હોય એવું લાગે છે.તમે જેમ બને તેમ જલદી આને ઉઠાવો.”ક્યાં લઈ જઈએ, સાહેબ?’ દર્દીનાભાઈ અશોકભાઈએ પૂછયું.’ભચાઉ કે ભૂજ લઈ જવાનો જુગાર ન રમશો. ત્યાં હોસ્પિટલો તો ખૂબ સારી છે, પણ આજે શનિવાર હોવાથીકદાચ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર ન હોય એવું પણ બને. મારું માનો તો વિનોદભાઈને તાબડતોબ રાજકોટ ભેગા કરો.”સાહેબ, તમે કહેતા હો તો અમે આને અમદાવાદ…”નહીં પહોંચી શકો. રસ્તામાં જ એ…’ ડોક્ટરે સ્પષ્ટપણે કહી દીધું, રાજકોટ સુધી પણ માંડ માંડ પહોંચાય તેમ છે. હવે ઝડપ કરો, ચર્ચામાં સમય ન બગાડો. દર્દીનો શ્વાસ તૂટતો જાય છે.’વિનોદભાઈના કપાળ પર અને નાક ઉપર પણ ઊંડી ઈજાઓ થઈ હતી. ત્યાંથી ધક ધક કરતું ખૂન વહી રહ્યું હતું. ડોક્ટરે રૂ દબાવીને પાટો બાંધી આપ્યો. પછી દરદીને ગાડીમાં રવાના કરીદીધા. વહેલું આવે રાજકોટ.હવે શરૂ થઈ વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચેની સ્પર્ધા. ઠક્કર પરિવાર પૂર્ણપણે શ્રદ્ધાળુ હતો. વીરપુરના જલાબાપામાં અખૂટ વિશ્વાસ. મરણોન્મુખ વિનોદની બાજુમાં બેઠેલા ભાઈઓએ સંકલ્પ કરવાનું શરૂ કયું.’જ્યાં સુધી વિનોદ આંખો નહીં ખોલે ત્યાં સુધી હું મોઢામાં પાણીનું ટીપુંયે નહીં મેલું.’ એક ભાઈએ કહ્યું.બીજાએ જાહેર કર્યું, ‘હું અન્નનો ત્યાગ કરું છું.’ભાભી પણ સાથે હતાં, એમણે કહી દીધું : ‘જ્યાં સુધી એ સાજા નહીં થાય ત્યાં સુધી હું અનાજ-પાણી બંનેને ત્યાગ કરું છું. જલાબાપાનાં દર્શન કરીને પછી જ મોઢામાં અનાજનો દાણો મૂકીશ.’એક ભાઈએ કહ્યું, ‘જે હનુમાનદાદાનાં દર્શન કરવા જતા હતા એ જ દાદાનાં દર્શન કર્યા પછી હું મારી બાધા છોડીશ.’લગભગ દોઢશો કિ.મી.નું અંતર ફક્ત બે કલાકમાં કાપીને ગાડી જ્યારે રાજકોટ પહોંચી ત્યારે ઘડિયાળમાં બે વાગ્યા હતા. એક કોર્પોરેટ હોસ્પિટલમાં વિનોદભાઈને લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં હલચલ મચી ગઈ. ન્યૂરોસર્જન દોડી આવ્યા. તાબડતોબ જરૂરી જીવનરક્ષક સારવાર ચાલુ કરી દેવામાં આવી.
‘સાહેબ, કેવું લાગે છે? અમારો ભાઈ બચી તો જશે ને?”એ તો સી.ટી. સ્કેન કરાવ્યા પછીજ કહી શકાય.’ ડોક્ટરે કહ્યું. તરત જ દરદીને સી.ટી. સ્કેન માટે લઈ જવામાં આવ્યા. રિપોર્ટ તૈયાર થઈ ગયો. એ જોઈનેડોક્ટરે માથું ધુણાવ્યું, ‘પ્રોગ્નોસિસ અત્યંત ખરાબ છે.”એટલે?”પેશન્ટના બ્રેઇનમાં ત્રણ જગ્યાએ મોટાં હેમરેજીસ જોવા મળે છે. અંદરની રક્તવાહિ‌નીઓ તૂટી ગઈ છે. એ હેમરેજના કારણે બ્રેઇનના લાગતાવળગતા હિ‌સ્સા પર દબાણ આવ્યું છે, જેધીમે ધીમે વધતું જશે. ગમે તે ઘડીએ પેશન્ટને આંચકી આવી શકે, શ્વાસ બંધ થઈ શકે…”એને આંચકી તો આવી ગઈ છે, સાહેબ”ક્યારે?”રાપરથી ગાડીમાં નાખીને રાજકોટ લઈ આવતા હતા ત્યારે જ.”ઓહ નો’ ડોક્ટર ચિંતામાં પડી ગયા, ‘અત્યારે તો એના ચહેરા ઉપર જે ઘા પડયા છે એને ટાંકા લઈને બંધ કરીએ છીએ. જો પેશન્ટની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય તો પછી ખોપરીમાં કાણું પાડીને મગજની અંદર જમા થયેલું લોહી દૂર કરવાનો વિચારકરીશું. ત્યાં સુધી કંઈ જ કહી ન શકાય.’ડોક્ટરો વિજ્ઞાનના પૂજારીઓ ગણાય. એમણે પોતાની રીતે પૂજાવિધિ શરૂ કરી દીધી. કપાળ અને નાક ઉપર ટાંકા માર્યા. મેનિટોલનો બાટલો તેમ જ આંચકી રોકવાનાં ઇન્જેક્શન્સ શરૂ કર્યાં. અન્ય સપોર્ટિ‌વ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી.બીજી તરફ ઈશ્વર માટેની પ્રાર્થનાઓ, વિનંતીઓ અને મન્નતોનો દોર જારી હતો. બે કલાક વીતી ગયા. ડોક્ટરોની ટીમ ચિંતામાં હતી. એમની મૂંઝવણ એક તરફ વિનોદભાઈનો પ્રાણ બચાવવાની હતી, તો બીજી તરફ એનાસ્વજનોને આ વાત સમજાવવાની હતી, ‘તમે આમ તદ્દન અવ્યવહારુ બાધાઓ લેવાનું બંધ કરો તમારો ભાઈ જો બચવાનો હશે તો પણ એ કંઈ એક-બે દિવસમાં આંખો નહીં ઉઘાડે. એ મૃત્યુના મુખમાંથી સલામતીની સરહદમાં પાછો ફરે ત્યાં સુધીમાં દસ-બાર દિવસ જેટલો સમય લાગી જશે. ત્યાં સુધી અન્ન કે પાણી લીધા વગર તમે કેવી રીતે ટકી શકશો?’
પણ શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર? બે કલાક પછી ડોક્ટરે જોયું કે દરદી તો હજુ જીવે છે. એમણે નક્કી કર્યું, ‘હવે એની ખોપરીનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકાય તેવું લાગે છે, પણ તે પહેલાં ફરી એક વાર મગજનો સી.ટી. સ્કેન કઢાવી લઈએ. જોઈએ તો ખરા કે અંદર જામેલા લોહીમાં વધારો થઈરહ્યો છે કે નહીં’ફરીથી સી.ટી. સ્કેનિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ જોઈને ન્યૂરોસર્જન બોલી ઊઠયા,’અરે? હોય નહીં ત્રણ-ત્રણ હેમરેજીસ હતા એ ક્યાં ચાલ્યાંગયાં? મગજની અંદર જમા થયેલું ખૂન ગાયબ હતું. ડોક્ટરો પાસે આમાટેનું વૈજ્ઞાનિક કારણ હાજર હતું : ‘સાવ સીધી વાત છે. દરદીના નાક અને કાનમાંથી લોહીવહેતું હતું તે અંદરથી આવતું હોવું જોઈએ. એટલે જ મગજની અંદરદબાણ પેદા થયું નહીં. બધું બ્લડ બહાર નીકળી ગયું એટલે હવે ઓપરેશનની જરૂર નથી. હવે આઠ-દસ દિવસમાં દરદીને સારું…’આઠ-દસ દિવસની વાત જ ક્યાં રહી? ચોવીસ જ કલાકમાં વિનોદભાઈએ આંખો ખોલી દીધી. બે દિવસ પછી એમને આઇ.સી.યુ.માંથી રૂમમાં શિફ્ટ કરાવ્યા. સાતમા દિવસે તો એ હણહણતા અશ્વની જેમ ઘરે જવા રવાના થઈ ગયા. એક શનિવાર તો ડોક્ટરે ના પાડી હતી એટલે ખાલી ગયો.બીજા શનિવારે ફરી પાછાં પાંચ-પાંચ બાઇક ધણધણી ઊઠી. આ વખતે એક બાઇકનું સુકાન સ્વયં વિનોદ ઠક્કરે સંભાળ્યું. પવનવેગે બાઇક ભાગતી હતી. પાછળ એક મિત્ર બેઠો હતો. ત્યાં વિનોદભાઈનો મોબાઇલ ફોન વાગ્યો. ચાલુ બાઇકે જ એમણે કોલરિસીવ કર્યો. રાજકોટના ન્યૂરોસર્જન પૂછતા હતા, ‘હવે કેવું છે તમને?”ખૂબ સારું છે, સાહેબ તમારી સારવારથી સારો છું અને જલાબાપાની કૃપાથી સાજો છું. અત્યારે હનુમાનજીનાં દર્શને જઈ રહ્યો છું. એક હાથે સ્ટીયિંરગ પકડયું છે, બીજા હાથમાં ફોન છે.’ ડોક્ટરે ગભરાઈને ફોન કાપી નાખ્યો. ડોક્ટર માનતા હતા કે આ એક સ્પેશિયલ કેસ ગણાય જેમાં તબીબી વિજ્ઞાનનું ઝડપી અને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકાયું. દરદીના સ્વજનો માને આ બધો ઈશ્વરનો જ ચમત્કાર બાકી ખાટલા પરથી જમીન પર પડી ગયેલા માણસોયે મરી જતા જોયા છે. એક જ ઘટનાના બે પહેલુઓ હોઈ શકે? હા, હોઈ શકે

– ડો. શરદ ઠાકરની ડોક્ટરની ડાયરીમાંથી

નોંધ: ડોક્ટર શરદ ઠાકર ના ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે. એ પુસ્તકો ની યાદી જોવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!