પોતાના ડ્રાઈવરને કોલેજમાં પ્રાધ્યાપક બનાવનાર હસ્તી ડો. અબ્દુલ કલામને ભાવભીની શ્રધાંજલી

કલામ સાહેબે આ ધરતી પરથી વિદાય લીધી એને આજે 2 વર્ષ થઇ ગયા. નોખી માટીના આ અનોખા માણસની થોડી વાતો આપની સાથે શેર કરુ છું.

ડો.કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે વખતે એમણે અમૂલ ડેરીના સ્થાપક ડો.વર્ગિસ કુરિયનને મળવા માટે બોલાવેલા. ડો. કલામે ડો.કુરિયન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરતા કહેલું, “હું હવે ભારતનો રાષ્ટ્રપતિ બની ગયો છું. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભારત સરકાર મારી બધી સંભાળ રાખશે. ભારત સરકાર મારું ધ્યાન રાખવાની છે તો પછી મારી પોતાની મિલકત અને બચતની મારે હવે કોઈ જરૂર નથી. મારી બધી મિલકત અને બચત મારે લોકોના ભલા માટે વાપરવી છે.” ડો.કુરિયન ડો.કલામની હ્દયભાવનાને મનોમન વંદી રહ્યા હતા. ડો.કલામે ખાલી વાતો કરી એટલું જ નહિ હકીકતમાં પોતાની બધી જ સંપત્તિ અને બચત ગ્રામ્ય લોકોને શહેરના લોકો જેવી સુવિધા પૂરી પાડવાના હેતુથી દાનમાં આપી દીધી હતી.

ડો. કલામ જ્યારે DRDO ( ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ) માં કામ કરતા હતા ત્યારે સલામતી માટે સંસ્થાની દીવાલ પર કાચ લગાવવાની દરખાસ્ત મુકવામાં આવી જેથી કોઈ દીવાલ કૂદીને પ્રવેશી ના શકે. ડો.કલામે આ દરખાસ્તનો વિરોધ કરતા કહ્યું હતું કે જો દીવાલ પર કાચ લગાવવામાં આવશે તો પંખીઓ બેસી નહિ શકે એટલે કાચ લગાવવાનું પડતું મુકો. કેવી કરુણાદ્રષ્ટિ !

ડો.કલામ જ્યારે આ જ સંસ્થામાં કામ કરતા હતા ત્યારે તેના એક મદદનિશ વૈજ્ઞાનિકે કામ પરથી વહેલા જવાની રજા માંગેલી. ડો.કલામે કારણ પૂછ્યું તો પેલા એ કહ્યું કે બાળકોને આજે પ્રદર્શન જોવા લઇ જવાના છે. ડો.કલામે એની રજા મંજૂર કરી. પેલા વૈજ્ઞાનિક તો કામ કરતા રહ્યા અને બાળકોને આજે પ્રદર્શન જોવા લઇ જવાના છે એ ભૂલી જ ગયા. જ્યારે ઘરે ગયા ત્યારે એને ખબર પડી કે ડો.કલામ ખુદ એના ઘરે આવ્યા હતા અને એના બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા હતા.

વારાણસીમાં આઇઆઇટીના એક કાર્યક્રમમાં ડો.કલામને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યુ હતું. ડો. કલામ જ્યારે સ્થળ પર આવ્યા તો એમણે જોયું કે આગલી હરોળમાં મુકેલી 5 ખુરશીઓમાં એમના માટેની ખુરશી બાકીની ખુરશીઓ કરતા મોટી છે. એમણે મોટી ખુરશી પર બેસવાની વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી અને જ્યારે બીજી ખુરશી જેવી જ ખુરશી મુકાણી ત્યારે એના પર બેઠા.

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ડો.કલામ કેરળમાં પધારી રહ્યા હતા. કેરળના રાજ્યપાલ ભવનમાં એમના સ્વાગતમાં મોટો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ડો.કલામ જેના નામ સૂચવે તે વિઆઇપીઓને રાષ્ટ્રપતિના મહેમાન તરીકે આમંત્રણ આપવાનું હતું. ડો. કલામે આ માટે બે વ્યક્તિના નામ સૂચવેલા એમાં એક હતો સામાન્ય હોટલવાળો જેને ત્યાં કલામ જમતા અને બીજો હતો એક સામાન્ય જોડા સિવનારો મોચી જેની સાથે કલામને મૈત્રી હતી. દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ કલામને સામાન્ય માણસો યાદ હતા.

ડો. અબ્દુલ કલામના ડ્રાઇવર માત્ર દસ પાસ હતા. ડો. કલામે તેમને આગળ ભણવાની પ્રેરણા આપી. ડ્રાઇવરે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે બારમાં ધોરણની પરીક્ષા આપી અને પાસ થઈ ગયા. એ પછી પણ કલામ ડ્રાઇવરને વધુને વધુ પ્રેરણા આપતા ગયા અને વધારે પરીક્ષાઓ અપાવતા ગયા. એમ કરતાં કરતાં ડ્રાઇવરે ગ્રેજ્યુએશન અને માસ્ટર ડિગ્રીની પરીક્ષાઓ પણ સફળતા પૂર્વક પાસ કરી દીધી. આજે તેઓ ચેન્નાઈની એક કાલેજમાં પ્રાધ્યાપક તરીકેના ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યાં છે. ડ્રાઇવરમાંથી પ્રાધ્યાપક બનાવવાની પ્રેરણા આપ્નાર ડો. અબ્દુલ કલામને આજે પણ તેઓ યાદ કરે છે.

કલામ સાહેબને એમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે હૃદયપૂર્વક વંદન

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!