રવિવાર નો નાસ્તો તો ફાફડા (ગાંઠિયા) જ – ઘરે બનાવવા પણ સરળ

ફાફડા.. ગાંઠીયા ગુજરાતી પ્રજા માટે અગત્યનો અને પસંદગીનો ખોરાક છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વમાં અનેક મોટા દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ફાફડા જોવા મળશે. જેમ કે લંડન માં વેમ્બલી- સાઉથ હોલ, લેસ્ટર, વેલિંગબરો જેવા મોટા એરીયામાં પણ ફાફડા ગરમા ગરમ ખાવા મળે છે.

સૌરાષ્ટ્રમાં મોટેભાગે ફાફડા – જલેબી તેમજ ગાજરનું ખમણનો સંભારો, કોબી મરચાનો સંભારો સાથે તળેલા મરચાં પસંદ કરવામાં આવતા હોય છે. જ્યારે ગુજરાતમાં જીણી મરચી, તેમજ ક્ફ્ત ચણાના લોટની બનાવેલી જાડી કઢી પીરસવામાં આવતી હોય છે, કોઈ કોઈ જગ્યાએ પપૈયાનું ખારીયું-સંભારો પણ આપવામાં આવતો હોય છે. ચણાના લોટની કઢી હળદર, મીઠું, લીમડાના પાન (કરી પતા) લીલા મરચાં સાથે આખા ધાણા નો વઘાર કરી બનાવવામાં આવતી હોય છે.
ચાલો આજે ઘેર આપણે ફાફડા બનાવીએ …

ફાફડા બનાવવાની સામગ્રી

૨૫૦ ગ્રામ ચણાનો લોટ (૨-કપ)
૧/૨ ટે..સ્પૂન મીઠું – સ્વાદ અનુસાર
૧/૨ ચમચી ખાવાનો સોડા
૧/૪ ચમચી થી જરા ઓછું લાલ મરચું (જેને પસંદ હોય તેના માટે)
૧/૨ ટે.સ્પૂન અજમો
૨ ટે.સ્પૂન તેલ
ફાફડા તળવા માટે જરૂરી તેલ

ફાફડા બનાવવાની રીત:

એક વાસણમાં ચણાના લોટ ને ચારણીમાં ચારી લેવો અને અલગ રાખવો. ત્યારબાદ, ચણાના લોટમાં મીઠું, ખાવાનો સોડા, લાલ મરચાનો પાઉડર (પસંદ હોય તો જ) અજમો અને ૨ – ટે.સ્પૂન તેલ નાંખી અને હાથની મદદ વડે તેને સારી રીતે મિક્સ કરવું.

ત્યારબાદ, હુંફાળા ગરમ પાણીની મદદથી લોટને નરમ રહે તેમ ગુંથવો. લોટને સતત ઊઠાવતા રહેવું અને નીચે પટકાવતા રેહવું ., આમ ૭-૮ મિનિટ માટે સતત મસળવો અને નરમ લોટ ગુંથવો. (લોટને ગુંથવા માટે લગભગ ૧/૨ કપ પાણી ની જરૂર પડશે.) લોટ ગુંથાઈ ગયા બાદ, ૧/૨ કલાક માટે ઢાંકીને અલગ રાખી દેવો.

૧/૨ કલાક બાદ થોડું જરૂર લાગે તો ગરમ તેલ લગાડી અને ફરી મસળવો અને મુલાયમ બનાવવો. ફાફડા માટે લોટ તૈયાર છે. લોટના નાના નાના લુઆ (ગોઈણા) બનાવવા.

ફાફડા વણવા (બનાવવા) માટે એક લીસી સપાટી વાળુ લાકડાનું બોર્ડ લેવું. બોર્દ્પર હાથની હથેળી નીચે એક લુઆ ને રાખવો અને લોટના લુઆ ની લાંબી પતલી બે ઈંચ થી થોડી પહોળી પટ્ટી થાય તેમ હથેળી દ્વારા ભાર/વજન આપી અને ખેંચવો. ફાફડાને ત્યારબાદ પતલી છરી તે માટે ખાસ હોય છે તેના દ્વારા લોટની નીચેથી છરી સરકાવી અને ફાફડા ને બોર્ડ પરથી અલગ કરી અને ગ્રીસ કરેલી થાળીમાં ફાફડા ને મૂકવો.

આમ ધીરે ધીરે બધાજ ફાફડા વણી લેવા (બનાવી લેવા) અને થાળીમાં અલગ રાખવા.
એક કડાઈમાં તેલ લઇ અને તેને ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે કડાઈ ની સાઈઝ ને ધ્યાનમાં લઇ ૧-૨-૩ ફાફડા ને તળવા માટે કડાઈમાં નાખવો અને ધીરે ધીરે ઝારા ની મદદથી પલટાવતાં જવું અને આછો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવો અને ત્યારબાદ, થાળીમાં અલગથી રાખી દેવા. ધીરે ધીરે બધાજ ફાફડા તળી લેવા.

જો તમારી સ્પીડ/ઝડપ ફાફડા વણવામાં સારી હોય તો તેલ ગરમ કરી અને જેમ જેમ ફાફડા વણાતા જાય તેમ તેમ તેલમાં નાંખી અને તળવા જોઈએ. પરંતુ તે રીત અનુકુળ ના આવે તો બધાં ફાફડા વણી લીધાં બાદ જ કડાઈમાં તળવા.

ફાફડા તૈયાર છે. ઉપર થોડી કે સ્વાદ મુજબ હિંગ નો છંટકાવ કરી અને જલેબી જો ઘરમાં તૈયાર મંગાવી ને રાખી હોય તો તેની સાથે, અથવા લીલી કોથમીર મરચાની ચટણી સાથે કે લીલાં તળેલા મરચાં , કોબી મરચાં કે ગાજર મરચાં ટામેટા ના સંભારા સાથે પીરસવા અને ખાવા.

ફાફડાનો ઉપયોગ કરી લીધાં બાદ પણ ફાફડા વધે તો તેને એર ટાઈટ ડબ્બામાં રાખી દેવા અને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે તેને ડબ્બામાંથી કાઢી અને ગરમ – ગરમ ચા સાથે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે. ફાફડાનો ઉપયોગ યોગ્ય જાળવણી કરવાથી લાંબો સમય સુધી કરી શકાય છે, તે બગડતા નથી.

સુજાવ: ફાફ્ડાને બોર્ડ પરથી ઉઠાવવા માટે પતલી ખાસ છરી નો ઉપયોગ કરવામાં આવે છે. આજ લોટમાં તમે આખા કાળા મરી ને ખાંડી અને નાંખી લોટમાં મિક્સ કરી અને વણેલા ગાંઠીયા પણ બનાવી શકો છો.

સોર્સ: ફેસબુક

Leave a Reply

error: Content is protected !!