‘ગુરુપૂર્ણિમા’ ને ગુરુની પૂજા કે ગુરુની પરીક્ષા ?

તટસ્થ અને વિનમ્રભાવે નીચેના સવાલોનું ચિંતન કરીએ તો ખબર પડે કે આપણે કોઈ પાખંડી અને સ્વાર્થી ગુરુના ચરણમાં તો નથી આળોટી રહ્યા ને !

ગુરુ જ્ઞાન વહેંચે છે કે અજ્ઞાન ?

ગુરુ વિશ્વાસ જગાડે છે કે વહેમ ?

ગુરુ સ્વાર્થથી કેટલા ખરડાયેલા છે ?

ગુરુને પોતાના જયજયકાર કેવા-કેટલા વહાલા છે ?

ગુરુ વિધિવિધાન જ કરાવે છે કે વૈચારિક વિકાસ કરાવે છે ?

ગુરુ સતત મોક્ષની લાલચ અને નરકનો ભય બતાવ્યા કરે છે કે પછી વર્તમાન જીવનમાં ઉપયોગી ગાઇડન્સ આપે છે ?

ગુરુ જાતજાતનાં કષ્ટો વેઠવાની પ્રેરણા આપે છે, કે સહજ રીતે મળેલાં સુખો એન્જોય કરવાની પ્રેરણા આપે છે ?

ગુરુ વિવિધ બહાને કેટલા પ્રકારના ચઢાવા-બોલીઓ કરાવીને ફંડફાળા ઉઘરાવે છે ?

ગુરુ આપણને બેવકૂફ બનાવીને પોતે ખાનગીમાં મોજથી નથી જીવી રહ્યા ને ?

ગુરુને લોકેષણા માટે પોતાના નામની આગળ કેવાંકેવાં વિશેષણો લગાડતા રહેવાનું વ્યસન છે ?

ગુરુ ફાલતુ ચમત્કારો બતાવીને પોતાનો પ્રભાવ પાડવાના ઉધામા તો નથી કરી રહ્યા ને ?

ગુરુ ધર્મનો પ્રચાર કરે છે કે પોતાના સંપ્રદાયનો ?

ગુરુ પોતે ભગવાનને ખસેડીને એની જગાએ તો બેસી નથી ગયા ને ?

– આ બધા સવાલોના સાચા, સંતોષકારક જવાબો મળે તો ગુરુનો આદર કરવામાં કોઈ જોખમ નથી. જો ગુરુમાં કશી ભેળસેળ અને કંઈક ડાઉટફુલ લાગે તો દૂરથી જ નમસ્કાર કરીને ચાલી નીકળવું. કારણકે પોતે જ ભૂલ પડેલા એવા ઉધારના ગુરુ આપણો કશો ઉદ્ધાર ન કરી શકે.

ભગવાનના એજન્ટ બની બેઠેલા દલાલ-ગુરુઓથી દૂર રહીને
‘તારો ગુરુ તું થા’ એવું પણ કોઈ જ્ઞાનીએ જ કહ્યું છે ને !

© રોહિત શાહ

Leave a Reply

error: Content is protected !!