રેંકડી પર આઈસકેન્ડી વેંચનાર ‘હેવમોર’ કરે છે ૧૫૦ કરોડનું ટર્ન ઓવર – વાંચવા જેવી સંઘર્ષ સફર

આઈસ્ક્રીમની દુનિયામાં આજે હેવમોર અને પ્રદિપ ચૌના એક વિશેષ ઊંચાઇ હાંસલ કરી ચૂક્યા છે પરંતુ ભારત-પાક ભાગલા વખતે પ્રદિપભાઇ પરિવાર સાથે અમદાવાદ આવ્યા ત્યારે તેમનું સર્વસ્વ લાહોરમાં જ છૂટી ગયુ હતું. તેમના પિતા પાસે ફક્ત આઈસ્ક્રીમ બનાવવાની કળા હતી

તેઓ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક સ્લમ વિસ્તારમાં રહેતા અને રેંકડી પર આઈસ્ક્રીમ વેચતા. જૂના દિવસો યાદ કરતા પ્રદિપભાઇ કહે છે, “અમે આજે લક્ઝુરિયસ ગાડીમાં ફરીએ છીએ પણ મને આજે પણ યાદ છે કે એક સમયે અમે કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક એક નાનકડા ઝૂંપડામાં રહેતા હતા અને શૌચ કરવા માટે ડબ્બો લઇને રેલ્વે ટ્રેક પર જતા .”

પિતા પાસેથી આઈસ્ક્રીમ બનાવવા અને ધંધો કરવાના ગુણ શીખીને પ્રદિપભાઇએ હેવમોરની પ્રથમ દુકાન કરી ત્યારે તેમની પાસે ફક્ત 4 વર્કર્સ હતા. આજે વર્ષે 150 કરોડથી પણ વધુનો ટર્નઓવર કરતી હેવમોર કંપની પાસે 500થી પણ વધુ કર્મચારીઓ છે

પ્રદિપભાઇના કહેવા પ્રમાણે ધંધો કરવા માટે અમદાવાદ જેવું કોઇ શહેર નથી, અમે પાકિસ્તાનથી સીધા અમદાવાદ નહોતા નહોતા, ભારતમાં સૌથી પહેલા અમે સુરતમાં રોકાયા અને ત્યાં આઈસ્ક્રીમના ધંધાની શરૂઆત કરી હતી પરંતુ ત્યાં ધંધો જામ્યો નહીં તેથી સુરત છોડીને અમે અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવ્યા પછી ક્યારે પાછું વળીને જોયું નથી

આજે હવેમોર આ બ્રાન્ડને કોઈ ઓળખની જરૂર નથી, કારણકે શહેરમાં દર એક કિલોમીટરે તેમના આઈસ્ક્રીમ પાર્લર છે. સાથે જ ચેઇન ઓફ રેસ્ટોરન્ટ્સ પણ છે. લોકો આ આઈસ્ક્રીમને મન ભરીને માણે છે. ત્યારે ‘હેવમોર’ની શરૂઆત ક્યાંથી થઇ અને તેના પાયામાં કોણ છે તેની વાત અમે તમારી સમક્ષ લાવવા જઇ રહ્યાં છે.

અમદાવામાં રહેતા હેવમોરના સી.એમ.ડી. પ્રદિપ ચૌનાને સૌ કોઇ જાણે છે અને હવે તેઓ બિઝનેસમેન તરીકે એટલા પ્રખ્યાત થઇ ગયા છે કે તેમની બ્રાન્ડ અને તેમનું નામ સૌ કોઇના મોંઢે સતત બોલાઇ રહ્યું છે. એક સફળ બિઝનેસમેન હોવા છતાં સાદગી, શિસ્તતા અને પાવરફૂલ મેનેજમેન્ટના ગુણો તેમનામાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.

ભારત-પાક ભાગલામાં બધુ વેર-વિખેર થઇ ગયું!

ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ, મેંગો, એમેરિકન ડ્રાયફ્રૂટ્સ, કસાટા કે પછી ડેકોરેટીવ આઇસ્ક્રીમની વાત હોય, આઇસ્ક્રીમ માટે હેવમોર ગુજરાતની નંબર વન બ્રાન્ડ બની ગઇ છે. જે અંગે વાત કરતાં પ્રદિપ ચૌના કહે છે, “અમારા આ બિઝનેસની શરૂઆત મારા પિતાજી દ્વારા થઇ હતી. મારા પિતા કરાંચીમાં બ્રિટીશ ઓવરસીઝ એરલાઇન્સ કોર્પોરેશનમાં ગ્રાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. ખાલી સમયે તેઓ તેમના કાકાને ત્યાં જતા અને મારા પિતા સતીષ ચૌના અને તેમના કાકા હાથથી ચાલતા મશીનો દ્વારા વિવિધ પ્રકારના આઇસ્ક્રીમ બનાવતા.

કરાંચીમાં નખાયા હતા હેવમોર આઈસ્ક્રીમના પાયા…

કરાંચીમાં પણ આ નાનકડી દુકાન હેવમોરના નામથી જ જાણીતી હતી. પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યાં અને તેઓ ભારત આવી ગયા. ભારત આવ્યા પછી તેઓ દેહરાદૂનમાં સ્થાયી થયા અને ત્યાં આઇસ્ક્રીમની બ્રાન્ડ શરૂ કરી પણ તે ઠંડો પ્રદેશ હોવાથી ત્યાં સફળતા ન મળી અને તેઓ ત્યાંથી ઇન્દોર શિફ્ટ થયા. ત્યાં પણ તેમને આઇસ્ક્રીમના વ્યવસાયમાં વધારે સફળતા ન મળી. સતત સંઘર્ષ કરતાં હોવા છતાં પણ પ્રદિપ ચૌનાના પિતા સતિષ ચૌનાએ હાર ન માની.

એક સમય તો એવો આવી ગયો કે તેમની મમ્મીના બધા જ દાગીના પણ વેચાઇ ગયા. પણ તેમના પિતા અમદાવાદ આવ્યાં અને રેલ્વે સ્ટેશન પાસે તેમણે એક નાનકડી આઇસ્ક્રીમની રેંકડી સ્થાપી. જે અંગે વાત કરતાં પ્રદિપ ચૌના કહે છે, “અહીં પણ જાણે કે સંઘર્ષ તેમની સફળતાને આડે આવ્યો હોય તેમ કેટલાંક સંગઠનોએ અમારો વિરોધ કર્યો. છતાં અમે હિંમત ન હાર્યા અને ‘મોટુમલ’ અને ‘તનુમલ’ના નામે શરબતની શરૂઆત કરી.” સાથે જ યુનિયનના લોકોને સમજ્યા અને બસ ત્યારથી તેમના સંઘર્ષના દિવસો દૂર થયા અને સફળતાના દિવસો શરૂ થયા.

આઈસ્ક્રીમની સાથે છોલે ભટુરેમાં પણ હેવમોરની માસ્ટરી

પ્રદિપભાઇ કહે છે, “વર્ષ 1944માં પિતાએ હેવમોરના નામે શરૂ કરેલા આઇસ્ક્રીના બિઝનેસને અમેં અથાગ મહેનતથી સફળતાના શિખરો સુધી પહોંચાડી શક્યાં છીએ.” પ્રદિપ ચૌનાએ પણ પિતા સાથે થોડા સંઘર્ષના દિવસો જોયા છે. પણ વર્ષ 1953માં મિલમાલિક કેશુભાઇ શેઠે રિલિફ રોડ પર કેટલીક જમીન રેસ્ટોરેન્ટ માટે નોનવેજ આઇટમ ન બનાવવાની શરતે આપી. સતીશ ચૌનાએ આઈસ્ક્રીમ સાથે છોલે ભટુરે અને પંજાબી વાનગીની રેસ્ટોરેન્ટ શરૂ કરી અને તેમાં પણ સફળતા મળી.

સફળતાનો મંત્રઃ પ્રમાણિકતા, સ્વચ્છતા અને ગુણવત્તા

પ્રદિપ ચૌના પિતાના વ્યવસાયમાં 1970માં જોડાયા અને એક પછી એક સફળતાની સીડીઓ ચડતા ગયા. જે અંગે વાત કરતાં પ્રદિપ ચૌના કહે છે, “પ્રમાણિકતા, સ્વચ્છતા અને ગુણવત્તાના સૂત્ર સાથે સારી સર્વિસ પૂરી પાડીને હેવમોરને અમે સતત આગળ વધારી રહ્યાં છે. આ સિદ્ધાંત પર જ મારા પિતાજી પણ કામ કરતા હતા. અમે દર ત્રણ મહિને એક નવી પ્રોડક્ટ માનવંતા ગ્રાહકો માટે લાવીએ છીએ. જ્યારે વેરાઈટી ઓફ આઇસ્ક્રીમ પણ ઉનાળામાં ગ્રાહકો માટે લાવીએ છીએ. હાઇ ટેક્નોલોજીથી સજ્જ યુનિટમાં સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જો આયોજનબદ્ધ કામ કરવામાં આવે તો ચોક્કસપણે સફળતાની સીડીઓ સર કરી શકાય છે અને સતત આગળ વધી શકાય છે.”

સોર્સ: યોરસ્ટોરી.કોમ (ગુજરાતી)

Leave a Reply

error: Content is protected !!