ઘર – બાળકો ની પહેલી નિશાળ | છેલ્લે સુધી વાંચવા જેવી અમુલ્ય વાત

રવિવારનો દિવસ હતો મિતુલ ઘરમાં તેનાં એકના એક દિકરા સૌમિલ સાથે ડ્રોઈંગ કરવામાં વ્યસ્ત-મસ્ત હતો.

રવિવારની રજા હોવાથી નત-નવી વાનગીઓ બનાવવા માટે મિતુલની પત્ની હેમાલિએ સવારથી જ રસોડું માથે લીધુ હતુ. મિતુલના નિવૃત પિતાજી ત્યાં નજીકના હિંડોળે બેઠી ઘસાઈ ગયેલાં ચશ્માની મદદથી, ધ્રુજતા હાથે છાપું પકડીને છાપું વાંચવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. છાપા કરતાંયે વધું જીવન-લેખો એમનાં ચહેરા પરની કરચલીઓ પર દેખાતા હતાં. એક જમાનામાં ઘરનાં વડીલ શ્રી વિમોચનભાઈ કોલેજનાં પ્રોફેસર હતાં.

વૃદ્ધ પિતાજીએ કહ્યુ “વહુબેટા સાંભળો એક ગ્લાસ પાણી આપશો ? ગળું સુકાઈ ગયુ.” રસોડામાંથી જ હેમાલિ બોલી “અરે ! સુરજ માથે આવ્યો. ચાલો સૌમિલ દાદાજીને કહે કે જમવાનો સમય થઈ ગયો છે. તમે ટેબલ પાસે ગોઠવાઈ જાવ હું હમણાં જ ગરમા-ગરમ જમવાનું લાવી.”

દાદા એ પાણી પીવાનું માંડી વાળ્યું અને બધાં ટેબલ પર ગોઠવાય ગયા. થાળી પીરસાય. જમતા જમતા દાદાનાં હાથમાંથી દાળની વાટકી નીચે પડી. એ લેવા જતાં છાસ પણ ઢોળાય ગઈ. હેમાલિએ મોં બગાડી મિતુલને ઈશારો કર્યો. હેમાલિ બોલી ઉઠી “હું તો કામવાળી બાઈ બની ગઈ છું. આ હવે રોજનું થયુ છે. આવતીકાલે આપણે કંઇક અલગ વ્યવસ્થા કરવી પડશે.”

મિતુલે હશે… હવે ! એવા આશ્વાસનનાં શબ્દો સાથે હેમાલિની વાત સાથે સહમતી દર્શાવી હોય એવું લાગ્યું.

બીજા દિવસે દાદાની થાળી ઘરનાં ખૂણામાં ગોઠવાય ગઈ હતી. સૌમિલનું જમવામાં ધ્યાન નહતું. એ દાદા સામે ટગર-ટગર જોઇ રહ્યો. મમ્મીએ પુછ્યું બેટા શું જોવે છે?

સૌમિલ : “હું શીખુ છું. મોટી ઉંમરનાં લોકો સાથે કેવું વ્યવહાર કરાય, ક્યાં અને કેવી રીતે જમવા આપવું ? એ બધું. હું પણ મોટો થઈને તમારૂં આ રીતે જ ધ્યાન રાખીશ. આ રીતે જ તમને સંભાળીશ.” બાળકની એ નિર્દોષ સમજણ અને શબ્દો મિતુલ અને હેમાલિનાં મગજ ઉપર ઉપદેશ-આદેશની જેમ પડ્યા.

આ સાંભળીને માતા-પિતા એકદમ દાદાને જલ્દી ટેબલ પર લાવ્યા. મિતુલે એનાં હાથે દાદાને જમાડ્યા. વહુ પણ એકદમ દાદાની સેવા ચાકરી કરવા લાગી.

મિત્રો, વૃદ્ધ માતા-પિતા કે જેમણે આપણને દુનિયા દેખાડી છે. આપણું નાનપણ વૃદ્ધ માણસ જેવું જ હતુ ને !! આપણે મા-બાપની સેવા કરી કોઈ ઉપકાર નથી કરતાં પણ એમનાં ઋણની ભરપાઈ કરવાનો એક નાનકડો પ્રયત્ન કરીએ છીએ. માતા-પિતાનું ઋણ તો કોઈ દિવસ ચુકવી જ ન શકીએ.

ભાવાનુવાદ : ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!