જયા-પાર્વતી વ્રત પૂજનના ૧૦ કારણો – જે કદાચ તમને નહિ જ ખબર હોય

આજે જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. તો આવો જાણીએ વ્રત કરવાનાં દસ કારણો

ગુજરાતમાં જ નહિ, અનેક રાજ્યમાં યુવતીઓ દ્વારા જયાપાર્વતી વ્રત કરવામાં આવે છે. આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. યુવતીઓ પાંચ દિવસના આ વ્રતને ભાવભક્તિપૂર્વક રાખતી હોય છેભક્તિ-પૂજનના આ વ્રત રાખવાનાં દસ કારણો તમે પણ જાણી લો…

1. આજે અષાઢ સુદ તેરસથી જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. આજે કુમારિકાઓ સંસ્કારી પતિ મળે તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ધાયુ માટે અલૂણા ઉપવાસ કરે છે. જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે.

2. આ વ્રત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું અતિ પ્રાચીન વ્રત છે. તેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. નાની બાળાઓ વર્ષોથી ગૌરીવ્રતની પરંપરાગત માન્યતાથી પ્રેરાઇને ઉજવણી કરતી હોય છે. જેમાં સારા જીવનસાથીની કામના માટે શ્રદ્ધાપૂર્વક પાંચ દિવસ સુધી ગૌરીવ્રત અને જવારા પૂજન કરવામાં આવે છે.

3. જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. માતા પાર્વતીએ જે જે વ્રત કર્યાં તે તે વ્રત સ્ત્રીઓ તથા કન્યાઓ કરતી જોવા મળે છે. જેમાં જયાપાર્વતી વ્રતનું ખાસ મહત્વ છે. અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત – ગોરિયો કહેવાય છે, જયારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરાતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.

4. યુવતીઓ અને સૌભાગ્યવતી બહેનો અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ સુધી વહેલાં ઊઠી, નાહી-ધોઈ શિલાલયમાં જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે. મહાદેવ અને પાર્વતીનું અબીલ-ગુલાલ, કંકુ, નાડાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલનાં પાન, ફૂલ, ફળ, સોપારી, ધૂપ-દીપ વડે પૂજન અર્ચન કરે છે.

5. આ વ્રતમાં સાંજે જયા-પાર્વતી વ્રતની કથા સાંભળ્યા બાદ જ એકટાણું કરવામાં આવે છે. આ વ્રતમા પાંચ દિવસ સુધી બહેનોએ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે. ઉપવાસ દરમિયાન સૂકો મેવો કે દૂધ તથા ઘઉંના લોટની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. જુદા-જુદા પ્રકારના ફળફળાદીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

6. આ વ્રત મુખ્યત્વે પાંચ કે સાત વર્ષ સુધી કરવામાં આવે છે. અને ત્યારબાદ પાંચ કે સાત કુમારિકાને અંતિમ દિવસે ઘરે બોલાવી સ્વાદિષ્ટ ભોજન કરવામાં આવે છે અને યથાશક્તિ દાન આપવામાં આવે છે.

7. પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઈને ભગવાન શિવ-પાર્વતીજીની આરાધના કર્યા બાદ અંતિમ દિવસે એટલે કે અષાઠ સુદ બીજ સુધીના પાંચ દિવસના વ્રત બાદ અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે. રાત્રે જાગરણ દરમિયાન બહેનો ગોરમાનો વર કેસરીઓ નદીએ નહાવા જાય રે ગોરમા, હાથમાં તે લીધી લાકડી ખટ ખટ કરતો જાય રે ગોરમા… જેવાં ગીતો ગાય છે.

8. વ્રત દરમિયાન દાનનું પણ ખૂબ મહત્વ હોય છે. વહેલી સવાર સુધી જાગરણ કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ‘સીધુ’ આપીને વ્રતનું ઉજવણું કરે છે. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપે છે.

9. ગામડાં અને શહેરોમાં આ દિવસો દરમિયાન ઉપવાસ કરતી બાળાઓ સમી સાંજે પોતાની સહેલીઓ સાથે રંગબેરંગી અવનવા કપડાં પહેરી ફરવા જાય છે. આ સમય દરમિયાન સ્કૂલમાં પણ છોકરીઓને યુનિફોર્મને બદલે રંગબેરંગી કપડાં પહેરીને આવાની છૂટછાટ મળતી હોય છે.

10. ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્‍ય ભાગોમાં પણ આ વ્રતને અલગ-અલગ નામો સાથે જુદી જુદી રીતે ઊજવવામાં આવે છે.

સદ્દગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે, દરેક કુંવારિકાઓને આ વ્રત કરવા બદલ અભિનંદન.

Leave a Reply

error: Content is protected !!