વર્લ્ડ સ્નેક ડે પર સાપ વિષે આવી સરસ અને ગુજરાતીમાં માહિતી વાંચવાનું ચૂકશો નહિ

હું હિંમતનગરમાં અમુક વર્ષોથી સ્નેક રેસ્ક્યુઅર તરીકે સેવા આપુ છુ. જો કે લગભગ દરેક ગામમાં ક્યાંકને ક્યાંક સાપ પકડીને જંગલમાં છોડી આવનાર હોય જ છે, પણ એથિકલ રેસ્ક્યુઅર અને અનેથિકલ રેસ્ક્યુઅરમાં ફેર હોય છે. ખેર, આજનો મુદ્દો તે નથી. આજે હું થોડી જાણકારી આપવા માગુ છુ.

હજી હું એ લેવલે તો નથી જ પહોંચ્યો કે સાપ વિશે જ્ઞાન પીરસું, કેમ કે હું સાપ વિષે હજી ઘણુ બધુ નથી જાણતો…

પણ છેલ્લા 3-4 રેસ્ક્યુનો જે અનુભવ રહ્યો તેના પરથી મને લાગ્યું કે થોડી જાણકારી શેર કરવી જોઇએ.

સૌથી પહેલા ચોખવટ:

 • હું સાપ વિશેનો તજજ્ઞ નથી, તેથી તેવુ કાઇ અહિયા બતાવવા પણ માગતો નથી.
 • આ લખવાનો ઇરાદો ફક્ત સજાગતા માટેનો છે. પહેલા જે ખોટી માન્યતાઓ મારા મનમાં હતી, તેવી બીજા ઘણા લોકોના મનમાં હોય, તો તે દૂર થઇ શકે.
આંધળી ચાકળણ

ઘટના 1 – નજીકની એક સોસાયટીમાંથી ફોન આવ્યો, એ ભાઇના જ શબ્દોમાં કહીએ તો, “એક નાનકડો, બદામી જેવા રંગનો પાતળો સાપ નીકળ્યો છે, અહીં એક ભાઇ કહે છે કે તણસ છે, તમે આવો છો?”

હુ: જમવા બેસુ છુ, જમીને આવુ છુ, મોટા ભાગે તણસ નહિ હોય, અને હોય તો પણ ચિંતાનો વિષય નથી, હું આવુ ત્યાં સુધી ટકે એવો હોય, તો ઠીક છે, નહિ તો આજુબાજુમાં ખુલ્લી જગ્યામાં જવા દે જો.”

જમી લીધુ પછી પરિસ્થિતિ જાણવા માટે મેં સામેથી ફોન કર્યો, તો કહે કે પેલો સાપ તો એક ભાઇએ મારી નાખ્યો. પણ તેવો જ બીજો એક સાપ નીકળ્યો છે. મેં લિટરલી વિનંતી કરી કે વર્ણન મુજબનો સાપ હોય તો 99% શક્યતા છે કે તે સાપ બિનઝેરી હોય, (મારા મનમાં રૂપસુન્દરી હતો, અને તણસ પોતે પણ હોય તો પણ બિનઝેરી છે), જો શક્ય હોય તો આને મારતા નહિ, તે ભાઇએ ચાલુ ફોને જ બીજાને અટકાવ્યા કે કાંઇ કરતા નહિ, જિજ્ઞેશભાઇ આવે છે.

આંધળી ચાકળણનું બચ્ચું

હું, નીલ અને અંગદ (મારા બે દીકરા) નીકળ્યા અને મનમાં અમંગળની આશા લઇને બને તેટલી ઝડપથી પહોંચ્યા, ત્યાં સોસાયટીની એક લેનના છેવાડાના મકાન આગળ 10-15 વ્યક્તિઓ (મહિલાઓ અને બાળકો સહિત) ખાટલા પાથરીને બેસેલા અને થોડે દુર નાનકડો સાપ શાંતિથી પડેલો, હું બાઇક સ્ટેન્ડ કરીને ઉતરુ એ પહેલા નીલ દોડ્યો અને સાપને હાથમાં લઇ લીધો, મને કહે, “પપ્પા, આ તો Red Sand Boa (આંધળી ચાકળણ)નું બચ્ચુ છે.”

જે મિત્રએ ફોન કરેલો તે બહુ ગિલ્ટી ફીલ કરતા હતા, પણ જે થઇ ગયું તે થઇ ગયું.

ઘટના 2 બે દિવસ પહેલા એક મિત્રનો ફોન આવ્યો, બદામી રંગનો નાનકડો, સ્ફુર્તિલો સાપ છે, બધા કહે છે કે ચિતળીયુ (ખડચિતળો) છે. એક તગારુ ઢાંકીને રાખ્યુ છે, ઉપર પથ્થર મુક્યો છે. મેં તેને કહ્ય કે ચિતળો ન હોય, હું, નીલ અને અંગદ અનુમાન લગાવતા હતા કે ક્યો હોઇ શકે, રૂપસુંદરી, કોમન સેન્ડ બોઆ, કે કદાચ વરૂદંતી હોય, આંધળી ચાકળણની શક્યતા નહિવત હોવા છતાં છેલ્લા 3-4 અનુભવો પરથી મારુ અનુમાન તેના પર વધારે હતુ.

ત્યાં પહોંચ્યા પછી, તગારુ ઊંચક્યુ તો એ જ વસ્તુ બની, આંધળી ચાકળણ હતી. પ્રેમથી લઇને બરણીમાં મૂકી.

મારા મગજમાં કેટલાય સમયથી આ વાત ચાલતી હતી, પણ ઉપરની બે ઘટનાઓએ મને વિચાર કરતો કરી દીધો કે વાત કેટલી સિરિયસ છે, બંને જગ્યાએ મેં સમજાવવા પ્રયત્ન કર્યો, સદભાગ્યે બંને જગ્યાએ સારા લોકો હોવાથી સમજ્યા, પણ મને થયું કે થોડી માહિતિ પણ લોકો પાસે પહોંચે અને એકાદ સાપ પણ બચી જાય, તો કાંઇ ખોટુ નથી.

મને થયું કે ચિતળો કે તણસ કે આંધળી ચાકળણ વચ્ચે આસમાન જમીનનો તફાવત હોવા છતાં આવી ગેરસમજ કેમ? તો પછી ખ્યાલ આવ્યો કે સાપને ફક્ત સાપ તરીકે જોનાર લોકોમાં ત્રણ જ રંગ મહત્વના છે, કાળો, કથ્થાઇ અને બદામી, (ક્યારેક જ લીલો). કાળો એટલે કાળો નાગ જ હોય, બદામી એટલે ચિતળો અથવા તણસ (જે કરડે તો માણસ પાણી પીવા પણ ન ઉભો રહે)

હું મારા અનુભવો પરથી અને પુસ્તકોમાંથી જે શિખ્યો છું તેમાંથી અમુક વાતો અહીં શેર કરુ છુ. કદાચ ક્યાંક કામ લાગે.

 1. રંગ પરથી સાપ ક્યારેય ઓળખવો નહિ. એક વખત કોઇ સાપ એક રંગનો હોય તો બીજી વખત તે જ સાપ તે જ રંગનો હોવો જરૂરી નથી. એક જ જાતિના બે સાપ જુદાજુદા રંગના હોઇ શકે. ક્યારેક એક જ સાપ એક જ સ્થળે 2-3 વ્યક્તિઓ અલગઅલગ એન્ગલથી જૂએ, પછી બધાને પૂછો તો બધા જૂદો જૂદો રંગ કહે એવુ પણ બને..
 2. કાળો એટલે નાગ જ હોય અને લીલો એટલે ઝેરી હોય તેવુ હોતુ નથી. (ઘણીવાર બિનઝેરી સાપ, ઝેરી કરતા વધારે ડરામણા દેખાતા હોય છે. કુદરતે જ સ્વબચાવ માટે તેવી રચના આપેલી હોય છે.)
 3. આંધળી ચાકળણ એ સાપ ના કહેવાય તેવુ નથી. અને તે હંમેશા ઢીલીઢાલી અને ધીમી ગતિમાં જ હોય તેવુ પણ નથી. તે એક પ્રકારનો સાપ જ છે, અને તે અમુક વખતે (ખાસ કરીને શિકાર કરતી વખતે) ખૂબ જ સ્ફુર્તિ દર્શાવે છે.
 4. મોટા ભાગના સાપમાં બચ્ચાનો રંગ પુખ્ત વયના સાપ કરતાં અલગ હોય છે. અને બચ્ચા પુખ્ત વયના સાપ કરતાં વધુ સ્ફુર્તિ દર્શાવતા હોય છે.
 5. ઝેરી સાપના બચ્ચા જન્મે ત્યારથી ઝેરી હોય છે, એટલે આ તો બચ્ચુ જ છે એમ માનીને સરળતાથી ન લેવુ. ઉલટાનું બચ્ચુ મોટા સાપ કરતા વધુ ખતરનાક હોય છે. બચ્ચુ જ્યારે કરડે ત્યારે બધુ ઝેર ઠાલવી દેતો હોય છે, તેને નિયંત્રણ કરતા આવડતુ નથી. જ્યારે પુખ્ત વયનો સાપ તે નિયંત્રણ કરી શકે છે.
 6. બધા એમ કહે છે કે તણસ કરડે તો માણસ પાણી પણ ન માગે. કમ સે કમ ગુજરાતનો તો કોઇ એવો સાપ નથી જ કે જે કરડે એટલે માણસ પાણી પણ ન માગે (સિવાય કે તેની પાણી પીવાની ઇચ્છા ના હોય (Sorry, bad joke)) તણસના વર્ણન પરથી એ તાંબાપીઠ (Bronze back tree snake) છે. જે તેની ચપળતાને કારણે ઉડતો હોય તેવુ લાગે છે અને ડર પણ તે જ કારણે લાગે છે. તે સાપ બિલકુલ બિનઝેરી છે. તે કરડે તો કાંઇ થતુ નથી.
 7. ઝેરી સાપ કરડવાથી મરી જ જવાય તેવુ હોતુ નથી. સમયસર સારવાર મળી જાય તો વ્યક્તિ બચી જાય છે. ભારતમાં સૌથી વધુ મૃત્યુ નાગના કરડવાથી થયા છે, તે છતાં પણ નાગ કરડવાના કિસ્સામાં 50% થી વધુ કિસ્સામાં વ્યક્તિ બચી જાય છે.
 8. ફક્ત દેખાડો કરવા કે લોકોને ઈમ્પ્રેસ કરવા માટે અડસટ્ટો લગાવીને સાપને ઓળખવો નહી, એવા અડસટ્ટાને કારણે ક્યારેક કોઇ વ્યક્તિને અથવા કદાચ સાપને નુકસાન પહોંચી શકે છે. ખરેખર જાણકાર લોકોનો મને જે અનુભવ છે તે લોકો પણ સાપની ઓળખ છતી કરતા પહેલા બે વાર ચકાસે છે કે પોતાની ક્યાંય ભૂલ તો નથી થતી ને!
 9. સાપની ખબર ના પડે તેમ હોય તો સૌથી સારી વાત એ જ છે કે તેનાથી દૂર રહેવુ.

ટુંકમાં, અજાણતામાં એવા કોઇ અખતરા ન કરવા કે જેથી માણસ કે સાપ કોઇને પણ તકલીફ પહોંચે.

આભાર…

– જીગ્નેશ શનીશ્વારા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!