સા’બ, અલ્લાહતાલા જીસકો બચાના ચાહે ઉસે કોઈ માર નહીં સકતા – પ્રસુતિની પીડા પછીની રાહતની વાત

ચાલ્યો ગયો ‘શકીલ’, કહીને બસ એટલું, આથી વધુ કહીશ તો તમે સૌ ખળભળી જશો.

”તમારી બીબીની હાલત ખરાબ છે.”

”જી, સા’બ !”

”એની ચીસો સંભળાય છે ને ? ગર્ભાશય સાવ પાતળા કાગળ જેવું બની ગયું છે. ગમે ત્યારે ફાટી જઈ શકે છે.”

”જી, સા’બ !”

”મૌલાના, તમે કંઈ સમજો છો કે પછી એમ જ ‘જી’સાબ… જી સા’બ’ બોલ્યે જાવ છો ?” હું ચિડાયો: ”મારો કહેવાનો મતલબ એ થાય છે કે તમારી પત્ની અને બાળક બંને ગમે તે ક્ષણે મૃત્યુ પામી શકે છે. તાત્કાલીક સીઝેરીઅન કરીને બાળક લેવું પડશે.”

”જી સા’બ !” ફરીથી એ જ જવાબ. હું સામે બેઠેલી વ્યકિતને તાકી રહ્યો. ગજબની સ્થિતપ્રજ્ઞતા જોવા મળી એના ચહેરા પર ! બાકી પરિસ્થિતિ ભયાનક હતી. રાત્રીના અગ્યાર વાગ્યાનો સમય. લેબર રૂમમાંથી વહી આવતી દર્દનાક ચીસોનો અવિરત રેલો અને એમાંથી તરી આવતી અમંગળ આગાહીઓ.

”ડાઁકટર સાહેબ ! જલ્દી કુછ કરો. મેરા પેટ અંદર સે ફટા જા રહા હૈ. મૈં મર જાઉંગી. મુઝે બેહોશ કર દો…”

એના શબ્દો ખરેખર ચિંતાજનક હતાં. પ્રલૂતિના ટેબલ પર સૂતેલી સ્ત્રીનો પ્રત્યેક શબ્દ વજનદાર હોય છે; ડાઁકટરે એ શબ્દને ધ્યાન દઈને સાંભળવો જોઈએ. એને હળવાશથી ફૂંક મારીને ઉડાડી ન મેલાય. અમારી તબીબીવિઘાની ચોપડીઓમાં પણ આ સ્થિતિ માટે લખેલું છે: ”સ્ત્રી જ્યારે સામે ચાલીને કહે કે એનું ગર્ભાશય ફાટી જશે એવું લાગે છે, ત્યારે તમે હંમેશા એની વાત પર વિશ્વાસ મૂકજો. નહિતર તમે એવી ખરાબ કોમ્પ્લીકેશનની સામે ઊભા હશો જેના માટે તમારી જાતને કદિયે માફ નહીં કરી શકો.”

કુલસુમબીબીના વાકય પછી તરત જ મેં મારા એનેસ્થેટીસ્ટને ફોન જોડી દીધો હતો: ”અલ્પેશ, રશ ટુ માય નર્સિંગ હોમ. કપડા બદલવા માટે પણ ન રોકાઈશ સીઝર કરવું પડશે.”

”ઇન્ડીકેશન ?”

”થ્રેટન્ડ યુટેરાઇન રપ્ચર.”

”બધું તૈયાર છે ?”

”ના. હજી તો પેશન્ટના હસબન્ડને પણ સમજાવવાનું બાકી છે. પણ તું નીકળી જા. એ નહીં માને તો દર્દીને શિફૂટ કરી દઈશ.”

”ઓ.કે. ! હું આવું છું.”

ફોન મૂકીને હું કુલસુમબીબીના વર તરફ ફર્યો. હવે પછીનું કામ સૌથી વધારે કપરું હોય છે. એમાં ય જો દર્દી ગરીબ હોય તો તો ખાસ ! અને મારી સામે સફેદ ઝભ્ભા-પાયજામામાં પૂરાયેલો એક નખશિખ સજ્જન મુસલમાન બેઠો હતો. જેની પાસે મારા દરેક વાકયના જવાબમાં બે જ શબ્દો હતા: ”જી, સા’બ !”

”મૌલાના, તમે શાંતિથી વાતને સમજો. આ એક ‘મેજર’ ઓપરેશન છે. ખર્ચ પણ ઘણો થશે. હું મારી ફીમાં ત્રીસથી ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપીશ, પણ બેભાન કરવાના ડાઁકટરની ફી અને દવાઓ…”

”આપ કો જૈસા ઠીક લગે ઐસા કિજીયે, સા’બ !”

હું એક ક્ષણ માટે પીગળી ગયો: ”મૌલાના, આપ કો ડર નહી લગતા ? મૈં જબ કહેતા હૂં કિ આપકી બીવી ઓર બચ્ચેકી જાન…”

”નહીં, સા’બ !”

”કયું ?”

”કયુંકિ મૈ હાફીઝ હું. વટવા કી મસ્જિદ મેં મૌલાના હું. હજારો મુસલમાનો કો મૈં રોજ પાંચ બાર નમાઝ પઢાતા હું. પૂરા કુર્રાને શરીફ મેરી જબાન પે હૈ. મૈ જાનતા હું કિ અલ્લાહ જીસે બચાના ચાહે ઊસે કોઈ માર નહીં સકતા હૈ… ! ઔર…”

”ઔર ?”

પહેલીવાર મૌલાનાની દ્રઢ આંખો સહેજ દ્રવી હોય એવું લાગ્યું કે પછી એ મારી આંખોનો વહેમ હશે ? પહેલીવાર એમની કાળી-ભમ્મર, લાંબી દાઢીના બે-ચાર વાળ સહેજ ધ્રુજ્યા. મારા ”ઔર ?”ના જવાબમાં એમણે વાકય પૂરું કર્યું: ”ઔર અલ્લાહ જીસે મારના ચાહે ઉસે કોઈ બચા નહી સકતા.”

મને લાગ્યું કે આ સફેદ લેંઘા-ઝભ્ભામાં એક પુરુષ નહીં, પણ પુરુષના રૂપમાં એક પીડા કેદ છે. મને એ પીડાના પડ ઉખેડવામાં રસ હતો, ઘણો રસ હતો, પણ એ માટેનો સમય કયાં ? બંધ બારણા ઉપર ખખડાટ થયો. બારણું ધકેલીને કોઈ અંદર આવ્યું. એ અલ્પેશ હતો; ડાઁ. અલ્પેશ પટેલ મારો એનેસ્થેટીસ્ટ. મારી અનેક ઇમરજન્સીભરી રાત્રીઓનો જાગતો સાથીદાર. મધરાતની મીઠી ઊંઘ વેચીને એ મારી સાથે આકરું જાગરણ કરવા માટે આવ્યો હતો. એના પરસેવા માટે પૂરેપૂરા પૈસાનો એ હક્કદાર હતો. અને હું મુંઝાયેલો હતો; એને શી રીતે કહેવું કે દર્દી પાસે પૈસા…?

”રેડી ?”

જવાબ મારા બદલે કુલસુમે આપ્યો: ”જલ્દી કરો, સા’બ.. ! મૈં મર જાઉંગી…”

અને મેં અને અલ્પેશે ઓપરેશન થિયેટરમાં પગ મૂકયા.

*** *** ***

”અલ્પેશ, પહેલાં તો તું આની ચીસો બંધ કરાવ. હવે પછીનું એક-એક કોન્ટ્રેકશન એના ગર્ભાશય માટે જોખમી છે. તું એનેસ્થેસિયા આપી દે. હું ઓપરેશન માટે ‘સ્ક્રબ’ થઉ છું. હરી અપ !”

અને એ પછીની પાંચ-દસ મિનિટ ભયંકર દોડધામમાં પસાર થઈ. કુલસુમને બેહોશીનું ઓપરેશન અપાયું, એ પછી જ એ શાંત થઈ. ઓપરેશન થિયેટરમાં માત્ર મશીનોનો અવાજ મૌજુદ હતો. વચ્ચે વચ્ચે કયાંક મારા અને અલ્પેશના સૂચનો આપ-લે ચાલુ હતી અને મેં ગર્ભાશય ઉપર આડો ચેકો મૂકયો. પાણીનો અને લોહીનો ફુવારો છૂટયો. મેં અંદર જમણા હાથની હથેળી સરકાવી. મારું હૃદય ચિંતાગ્રસ્ત હતું.: ”શું થશે ? બાળક જીવતું તો હશે ને ?” અને ધીમે-ધીમે મેં બાળકનું માથું બહાર કાઢૂયું, પછી એનું ધડ, પછી પગ ! હું એ બાબો છે કે બેબી એ તપાસું એ પહેલાં જ એના પ્રચંડ રૂદનથી રાતનો સન્નાટો ચિરાઈ ગયો અને નવજાત શિશુના મૂત્રની ધાર હવામાં ઊડી. મેં પહેરેલા કપડા પણ ખરડાઈ ગયા.

”સાલા, બદમાશ કહીં કા ! દુનિયા મેં આતેહી મુઝે પવિત્ર કર ડાલા !”હું બોલતો હતો અને અલ્પેશ હસી રહ્યો હતો.

કુલસુમનું અડધું શરીર જ બેહોશ હતું, ઉપરનું અડધું શરીર હોશમાં હતું અત્યાર સુધી એ ચૂપચાપ હતી પણ મારા વાકયમાં રહેલું ‘સાલા’ એણે બરોબર પકડયું.

”બેટા હુઆ હૈ, સા’બ ?” એણે પૂછૂયું. મેં અલ્પેશ સામે જોયું. હું ઓપરેશનમાં મગ્ન હતો, વાતચીતનો દોર એણે સંભાળી લીધો: ”હા, બહેન ! દીકરો છે. સારો છે. હવે તું બોલીશ નહીં. શાંતિથી ઊંઘી જા, અમને અમારું કામ કરવા દે.”

કુલસુમ એ પછી કશું જ ન બોલી. પણ ઉંઘીયે નહીં. ઓપરેશન પૂરું થયું. કુલસુમને વાઁર્ડમાં લઈ જવામાં આવી. એનેસ્થેટીસ્ટનું કામ પૂરું થયું. મેં મૌલાનાને બોલાવ્યા. કહ્યું: ”બેભાન કરવા માટેની ફી અત્યારે ચૂકવવાની હોય છે. સગવડ થશે ?”

જવાબમાં મૌલાનાએ ખિસ્સામાંથી સો-સોની કેટલીક નોટો કાઢી: ”કિતને રૂપયે દેનેકે, સા’બ ?”

અલ્પેશે મારી સામે જોયું. મારી નજર વાંચી તરત જ આંકડો ગળી ગયો: ”જે આપશો એ ચાલશે.” અને ખરેખર એણે ચલાવી લીધું. અડધી રાતે કરેલા એના સત્કાર્ય માટે કયાંય કશી આરસની તકતી નહોતી.

હું પણ ઉપર જઈને પથારીમાં પડવાનો વિચાર કરતો હતો, ત્યાં નર્સે મને માહિતી આપી: ”સાહેબ, બાબો કુલસુમની બાજુમાં મૂકયો તો એણે શું પૂછૂયું એ ખબર છે ?”

”ના; શું પૂછૂયું ?”

”લડકા હી હૈ ના ?” મેં હા પાડી તો એણે આવી સ્થિતિમાં પણ એક હાથ વડે લંગોટ છોડીને ખાતરી કરી લીધી. નર્સ માહિતી આપીને સરકી ગઈ. મેં મૌલાના સામે જોયું. મારી નજરમાં પ્રશ્નાર્થ હતો: ”આટલી બધી શંકા ?”

એણે મારો સવાલ વાંચ્યો: ”સા’બ, ઉસકા કલૂર નહીં. માંકા દિલ હૈ ના ? ઔર વો ભી ચોટ ખાયા હુઆ…”

”ચોટ ?” મને યાદ આવ્યું ઓપરેશન થિયેટરમાં દાખલ થતા પહેલાં મને લાગ્યું હતું જ કે મારી સામે બેઠેલો પુરુષ એ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી જીવતી-જાગતી પીડાનું ભૌતિકરૂપ હતું અને હવે લાગતું હતું કે એ પીડા પીગળી રહી હતી.

”શું બન્યું છે ? માંડીને વાત કરો.” મેં રસ દર્શાવ્યો.

અને ત્રીસ સિપારાનું કુર્રાને શરીફ કંઠસ્થ રાખનાર આ હાફિઝે એનો ભૂતકાળ ઊજાગર કરવો શરૂ કર્યો: ”સા’બ, હમારા એક બેટા થા. બહોત અચ્છા થા. સીધા-સાદા થા. ઈતની છોટી સી ઉમ્રમેં કુર્રાને શરીફ કે પાંચ સિપારા (પ્રકરણ: અધ્યાય) ઉસકી જુબાન પે થે. રમઝાન કા મહીના થા. મેરે બેટેને ભી રોજા રખા થા. ગ્યારાહ રોજે પૂરે હો ચૂકે થે. ઉસ દિન શામ કો છ બજે વો રોજા છોડને સે પહલે નમાઝ અદા કરને કે લિયે ઘર સે નિકલા. સાઇકલપે સવાર હોકર નીકલા થા. જૈસે વો રોડ પે, આયા તો પીછે સે એક બડી ક્રેઇન આઇ ઔર ઉસકો ટક્કર માર કે ચલી ગઈ. નન્હી સી જાન… ! ન રોઈ, ન ચિલ્લાઈ ! ઊસી વકત ઊસી જગહ ખામોશ હો ગઈ. પૂરા ઇલાકા નીકલ પડા. મૈં જબ પહુંચા તો કયા દેખા ? બેટે કી લાશપે સફેદ ચાદર પડી હુઈથી, મેરે સાથ મેરી બીવીભી થી. યે હાદસા દેખકર વો પાગલોંકી તરહ રો રહી થી, ચિલ્લા રહી થી.”

”ઔર આપ… ?”

”મૈં ખામોશ રહા. આંસુકા એક કતરા ભી મેરી આંખો મેં ન થા. બેટા તો મુઝે ભી પ્યારા થા, મગર રોને સે કયા ફાયદા ? પૂરી જિંદગી લોગોં કે સામને અલ્લાહતાલાકી બાતેં સુનાતા આયા થા. અબ વકત આયા થા કી યે સબ મૈં ખુદ હજમ કર સકું. ફિર લાશ કો સિવિલ મેં ભેજી, પોસ્ટમોર્ટમ કરવાયા ઓર રાત કો બેટેકી લાશ દફન કરકે ઘર આ ગયા.”

”તમારી બીબીને કેવી રીતે શાંત પાડી ?”

”બસ, એક હી બાત મેં કહા કરતા થા. અલ્લાહ જીસકો મારના ચાહે, ઉસકો કોઈ બચા નહીં સકતા. સમજ લો હમારે બેટેકો અલ્લાહતાલા…” એક બાપ આટલું બોલીને ખામોશ થઈ ગયો. શું એની પત્નીએ પતિની વાત માની લીધી હશે ? એક ગ્રામીણ, અભણ, મુસ્લિમ જનેતા એકનો એક પુત્ર ગુમાવી દીધા પછી પતિ દ્વારા પીરસાયેલી ફિલલૂફીને પચાવી શકી હશે ?

ના, એ કયારેય જિંદગી સાથે સમાધાન સાધી શકી નહી. નવ-નવ વરસ સુધી લગભગ પાગલ જેવી અવસ્થામાં એ જીવતી રહી એ દરમ્યાન ત્રણ-ત્રણ વખત એને ગર્ભ રહ્યો. દરેક વખતે એને કસુવાવડ થઈ ગઈ. ઈશ્વર ઉપરનો એનો સંપૂર્ણ ભરોસો તૂટી જવાની અણી ઉપર હતો અને ત્યારે…!

એ માની શકતી નહોતી કે ખુદાએ છાપરુ ફાડીને એનું ઝુંપડું ફરી એકવાર છલકાવી આપ્યું હતું એને એના ડાઁકટરના કહેવા ઉપર વિશ્વાસ નહોતો રહ્યો. બાળકનો લંગોટ ખસેડીને જોઈ લેવું પડયું કે… હા, ખરેખર એ દીકરો જ છે કે નહીં !

મૌલાના હાફિઝ મો. યાકુબ આ ક્ષણે પણ એવાને એવા જ સ્વસ્થહતા. એમને આ સમાચારથી આનંદ નહીં થયો હોય ? એમની છાતી બેટો જન્મ્યાના આનંદ-બોમ્બથી ફાટી કેમ ન પડી ?

”સા’બ, અલ્લાહતાલા જીસકો બચાના ચાહે ઉસે કોઈ માર નહીં સકતા. બાકી મેરા બારહ સાલ કા બેટા કમરૂજમા મરનેવાલા કહાં થા ? ફિર ભી મર ગયા. ઔર યે બચનેવાલા કહાં થા ? મગર બચ ગયા. સબ માલિક કી દેન હૈ…”

મને ભગવદૂ ગીતાનો બીજો અધ્યાય સાંભરી ગયો. જન્મ અને મૃત્યુમાં, જય અને પરાજયમાં, સુખ અને દુ:ખમાં જે સહેજ પણ વિચલિત ન થાય એનું નામ સાચો સ્થિતપ્રજ્ઞ. અનેક મુસ્લિમ મિત્રોને મળ્યો છું. મુસ્લિમ દરદીઓ સાથે છેલ્લા વીસ વરસથી પનારો પાડતો આવ્યો છું. અનેક સારા-માઠા અનુભવોમાંથી પસાર થવાનું બન્યું છે. પણ પોતાના ખુદના મસ્તક ઉપર આફતનો પહાડ તૂટી પડે, ત્યારે ધૈર્ય ગુમાવ્યા વગર એ ભયંકર બોજને ઝીલી જનાર આવા સજ્જનો મેં જવલ્લે જ જોયા છે.

ડો. શરદ ઠાકર (આભાર ગુજરાત સમાચાર)

નોંધ: ડોક્ટર શરદ ઠાકર ના અઢળક પુસ્તકો ડિસ્કાઉન્ટ ભાવે ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!