માણસાઈ – જયારે એક અવાજ અંતરાત્મા માંથી આવે

“કાકા, સો રૂપિયા આપોને…”

અેણે દયામણા અવાજે બીતાં બીતાં મારી સામે હાથ લંબાવ્યો.

“કાં? અાજે વળી પાછો તારા બાપને પોટલી જોગ મેળ નથી પડયો? અે નફ્ફટે આજે વળી પાછો તને મોકલ્યો?” આગંતુકની સામે ચીડ, નફરત અને તુચ્છકાર મિશ્રિત નજર નાખતાં મારાથી બોલી જવાયું.

આ આગંતુક અેટલે બાર-તેર વર્ષનો છોકરો. થિગડાં મારેલું મેલું પાટલુન ને ઉપર ઝોળા જેવો ચોળાયેલો મેલોઘેલો શર્ટ. અમારા અેક વખતના ને છેલ્લા કેટલાક સમયથી ભટકી ગયેલા ભાઇબંધનો મોટો દીકરો. આનો બાપ, અેટલે કે અમારો અે ઉઠિયાણ ભાઇબંધ છેલ્લા બે’ક વરસથી પોટલીના રવાડે ચડી ગયેલો. ચોવીસ કલાક પોટલી પી ને પડ્યા રહેવું અેજ કામ કહો તો કામ ને ધંધો કહો તો ધંધો!

ઘરવાળીઅે ઘરમાં કુશ્તી કરતાં હાંલ્લાથી છૂટકારો મેળવવા શોર્ટકટ ગોતી લીધેલો. પેટની ને શરીરની ભૂખની સામે માં ની મમતા હારી ગઇ ને નાનો દોઢનો ને મોટો છ-સાતનો હશે ને બન્ને માસૂમને આ કપાતરના નસીબે છોડી અે ચાલી ગયેલી. આ ભાઇસાબ ક્યારેક થોડું ઘણું કામકાજ કરે, પૈસા આવે અેટલે દિલ્લીનો બાદશાહ પોટલી ઠઠાડી ને ઘરમાં પડ્યો રહે! ક્યારેક કાંઇ મેળ ના પડે ત્યારે છોકરાને મારા જેવા પાસે મોકલીને અમારા ખીસ્સા નો બોજ હલકો કરે! પણ આજે તો હું દ્રઢ સંકલ્પ કરીને બેઠેલો કે ભલે ગમે તે થાય પણ આને હવે પીવા માટે તો પૈસા આપવાજ નથી, ને અેટલેજ આ માસૂમનો દયામણો સાદ કે લાચાર આંખો મને સ્પર્શ્યા નહીં.મેં મક્કમતાથી માથું હલાવી કહ્યું,” જા, કહી દે તારા બાપને, અેવા પોટલી પીવા માટેના પૈસા મારી પાસે નથી!”

“અેણે તો અેનું કરી લીધું છે કાકા..”લગભગ રડી પડતાં અે બોલ્યો, ” આ તો મારે ને ભૈલાને ખાવું છે, સવારથી કાંઇ નથી ખાધું અેટલે..અેના માટે જોઇઅે છે…”

અંદર કશુંક હચમચ્યું, ક્યાંક થી અેક પીડા ઉઠી ને આખા શરીરમાં ફરી વળી! છાતીની વચાળેથી અેક ભડભડતો લિસોટો પસાર થયો ને અેના ઝટકાથી કે પછી અનાયાસે, મારો હાથ ખીસ્સામાં ગયો!

બારણાની બાજુમાં ટીંગડેલા પૂંઠાના ખોખામાં બનાવેલા માળામાં અચાનક કલબલાટ વધી ગયો, ચકલો ચાંચ ભરીને જીવડાં-ઇયળો લાવેલો ને બન્ને બચ્ચાં ચીં ચીં કરી, ચાંચ ફાડી ખાવા તૈયાર હતાં.

અેવે વખતે સામે ઉકરડાને ફેંદતી ગાય અેક છાપાનો કટકો ચાવી રહી હતી જેમાં છપાયેલો છેલ્લો શબ્દ હવે બહાર ડોકાતો હતો..’માણસાઇ’!

– મુકુલ જાની (રાજકોટ)

(આજે સાંજે મિત્ર સમીર જગોત પાસેથી સાંભળેલી અેક સત્ય ઘટના ના આધારે.)

Leave a Reply

error: Content is protected !!