ભણેલ ગણેલ યુવાને જયારે ઝાડ નીચે ઊંઘીને આદિવાસી ગામની કાયા પલટ કરી..

નિલમનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું ગુંડલાવ ગામમાં. તેમનો પરિવાર પ્રગતિશીલ. પિતાજી ધીરુભાઈ પટેલ ખેતી કરે. તેમના માતા સવિતાબહેન પણ ખેતી કરે. સવિતાબહેન બે ટર્મ સુધી ગામનાં સરપંચ હતાં. હવે તેમનો મોટો દીકરો નીતિનભાઈ સરપંચ તરીકે ફરજ બજાવે છે. અન્ય એક ભાઈ નરેશભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના સાદરા એકમમાંથી શિક્ષણ લીધું છે અને તે શિક્ષક છે.
નિલમે ગ્રેજ્યુએશન પતાવીને અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં માસ્ટરમાં પ્રવેશ લીધો. અર્થશાસ્ત્ર વિષય સાથે માસ્ટર કરીને વિદ્યાપીઠનો ગ્રામશિલ્પી અભ્યાસક્રમ જોઈન્ટ કર્યો. જે યુવકો ગામમાં બેસીને કામ કરવા માગતા હોય તેમના માટે જ આ વિશેષ અભ્યાસક્રમ ચલાવાય છે. તાલીમાર્થીને દર મહિને પાંચ હજાર રૂપિયા શિષ્યવૃતિ પણ અપાય. બે વર્ષની તાલીમ લઈને નિલમભાઈ પ્રથમ તો ધરમપુર તાલુકાના ગુંદીયા ગામે બેસી ગયા. દોઢ વર્ષ અહીં કામ કર્યું. એક મિત્રએ સૂચન કર્યું કે ગુંદીયા ગામની સ્થિતિ તો સારી છે. એવાં ઘણાં ગામો છે જેની સ્થિતિ અત્યંત બદતર છે. તારે ત્યાં બેસીને કામ કરવું જોઈએ. એ પછી નિલમભાઈએ કેટલાંક ગામો જોયાં. ખોબા ગામ જોઈને તેમને થયું કે અહીં કામ કરવા જેવું છે. અહીં રસ્તા નહોતા, વીજળીની સગવડ નહોતી, ગામમાં સ્કૂલ નહોતી. નિલમભાઈ ગામમાં ફર્યા, ગામ લોકોને મળ્યા, લોકોએ કહ્યું કે તમે અહીં રહી જાઓ. નિલમભાઈ કહે સારું. એક આદિવાસી પરિવારે કહ્યું કે અમારા ઘરે રહેજો. તેમના એક ઓરડામાં ઘરના છ સભ્યો તો હતા જ. નિલમભાઈને થયું કે મારે તેમને હેરાન ના કરવા જોઈએ. નિલમભાઈ એક મહિનો મહુડાના ઝાડ નીચે સૂતા. પછી તો ગામ લોકોેએ એક બંધ ગામાઉ મકાન હતું તેને સુધારી આપ્યું. ત્યાં રહેવા લાગ્યા. શરૂઆતમાં ગામમાં જુદા જુદા લોકોના ઘરે જમતા.
આ વર્ષ હતું ૨૦૦૭નું. નિલમભાઈ પાસે કશું જ નહોતું. બસ હૃદયમાં ખોબાના ગ્રામજનો માટે કશુંક કરવાની ભાવના હતી. તેમના માટે પ્રેમ હતો. લાગણી હતી. અને આટલું પૂરતું હતું. વિશ્વમાં સારું અને સાચું કામ ક્યારેય પૈસાના અભાવે અટક્યું હોય તેવું બન્યુ નથી. સૌથી મહત્વનો હોય છે હૃદયભાવ. જે નિલમભાઈમાં હતો.
તેમણે ગ્રામ વિકાસની જે કામગીરી કરી છે તેના માટે તો આખું પુસ્તક લખવું પડે. નિલમભાઈને પદ્માસન આવડે છે કે નહીં તેની ખબર નથી, પરંતુ તેઓ અહીં જબરજસ્ત પલાંઠી વાળીને બેઠા છે.
તેમણે શરૂઆત કરી શિક્ષણથી. ભણાવવા માટે વર્ગ જોઈએ. બાળકો જોઈએ. નિલમભાઈ પોતે ગામમાં ફર્યા અને ભણવા યોગ્ય ૧૭ બાળકો લઈ આવ્યા. બાળકો ભણવા લાગ્યાં. ગામનાં સ્ત્રી અને પુરુષો કહે અમારે પણ ભણવું છે. નિલમભાઈએ તેમના માટે રાતના વર્ગો ચાલુ કર્યાં. ફાનસ અને ચીમનીના અજવાળે રોજ રાત્રે તેઓ આદિવાસી સ્ત્રી-પુરુષોને ભણાવવા લાગ્યા. એ અજવાળું વિકાસનું અજવાળું છે. એ અજવાળું આદિવાસી લોકોના હૃદયનું અજવાળું હતું.
વિકાસનું પ્રવેશદ્વાર શિક્ષણ છે. નિલમભાઈએ ખોબા ગામના વિકાસનું શૈક્ષણિક પ્રવેશદ્વાર બરાબર સજાવ્યું. એ પછી તો તેમણે અહીં અનેક પ્રવૃતિ કરી. સરકારી તંત્ર સાથે સતત પત્રવ્યવહાર કરીને ગામમાં વીજળી લઈ આવ્યા. ગામ લોકો પોતે વીજળીના થાંભલા નાખ્યા હતા. ગામમાં આજે તો ધોરણ ૧થી ૫ સુધીની સ્કૂલ છે. નિલમભાઈએ ડ્રોપ આઉટ બાળકો માટે છાત્રાલય પણ બનાવ્યું છે.
કોઈ પણ નવા કામ માટે કે ઈમારત માટે પૈસા જોઈએ. સમાજ નગુણો નથી સગુણો છે. જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે પૈસા મળી રહે. નિલમભાઈએ લોક મંગલમ્‌ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. છાત્રાલય માટે સાતેક લાખ રૂપિયાની જરુર હતી. બે વર્ષમાં નિલમભાઈને ત્રણેક એવોર્ડ મળેલા. ગાંધીમિત્ર એવોર્ડમાં પચ્ચીસ હજાર રૂપિયા મળેલા. જનજાગૃતિ એવોર્ડના ૫૦ હજાર રૂપિયા હતા, અને આશીર્વાદ એવોર્ડના ૧૧ હજાર રૂપિયા હતા. આ તમામ ઈનામી ધનરાશિ તેમણે છાત્રાલયના નિર્માણ માટે આપી દીધી. શ્રી રૈનાબહેન શેઠે ત્રણ લાખ રૂપિયાની મદદ કરી. ગામ લોકો કહે કે અમારે પણ કંઈક આપવું જ જોઈએ. ખોબા સહિત કુલ પંદર ગામોએ ૭૦ હજાર રૂપિયાનો લોકફાળો કર્યો. જેમની પાસે પૈસા નહોતા તેમણે શ્રમદાન કર્યું. કોઈએ રેતી આપી, કોઈએ લાકડાં આપ્યાં. આમ, સંપૂર્ણ પ્રજાકીય ધોરણે છાત્રાલયનું નિર્માણ થયું. અહીં આદિવાસી બાળકો રહીને ભણે છે.
***
ગામડામાં શિક્ષણ પછી આરોગ્યની સમસ્યા સૌથી મોટી હોય. નિલમભાઈ પોતે પોતાની ટીમ સાથે ભરૂચ સ્થિત સેવારુરલ સંસ્થામાં આરોગ્યની તાલીમ લેવા ગયા. અત્યારે તો તેમની સંસ્થા દ્વારા ખોબા ઉપરાંત છ ગામોમાં આરોગ્યની પેટીઓ ફરી રહી છે.
બીજે બધે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અહીંના ખેડૂતને કોઈ ચિંતા નથી. કારણ કે નિલમભાઈએ એવું સરસ આયોજન કર્યું છે કે ખેડૂતોને આર્થિક ચિંતા રહેતી નથી. અહીં માફિયાઓ જંગલ કાપતા. લાખો રૂપિયાનું લાકડું કપાઈ જતું. નિલમભાઈએ લોકોને જાગૃત કર્યાં. તેમણે ૧૪૪ યુવા ટીમો બનાવી. એ પ્રવૃતિ બંધ થઈ અને જંગલ ગીચ થયાં. તમે ચોમાસામાં અહીં જાવ તો કોઈ હિલ સ્ટેશન પર ગયા હોવ તેવું લાગે. નિલમભાઈએ અહીં ૬૮ હજાર વૃક્ષોનુંં પણ વાવેતર કર્યું છે.
તેઓ ઓજાર બેન્ક ચલાવે છે. ૮૦ પ્રકારનાં ઓજાર માત્ર એક રૂપિયો પ્રતિકાત્મક ભાડાથી અપાય છે. કડિયાકામે જતી મહિલાઓ, ખેડૂતો, ખેત-મજૂરો, કારીગરો વગેરે આ ઓજાર બેન્કનો ભરપૂર લાભ ઉઠાવે છે. હવે નિલમભાઈએ બીજ બેન્ક શરૂ કરી છે. ખેડૂતોને રાહત દરે બિયારણ અપાય છે. જેની પાસે પૈસા ના હોય તેમને ઓપ્શન અપાય છે. પાક થાય ત્યારે પૈસા આપજો, કે પાક નિષ્ફળ જાય તો શ્રમદાન કરજો. ખેડૂત ચિંતા વગર ખેતી કરી શકે તેવું વાતાવરણ નિલમભાઈએ ગોઠવ્યું છે. આંબા સહિત અનેકની કલમો પણ અપાય છે. આ વિસ્તારમાં નિલમભાઈએ કેળ, કારેલા, ભીંડા, મેથીની ખેતી પણ શરૂ કરાવી છે. સ્ટેપ બાય સ્ટેપ નિલમભાઈએ અહીં એવું વાતાવરણ ઊભું કર્યું છે કે ખેડૂત આત્મહત્યા કરવાનો વિચાર જ ના કરે.
નિલમભાઈએ બહેનો માટે અહીં ગૃહ ઉદ્યોગ પણ શરૂ કર્યો છે. આ વિસ્તારની બહેનો નાગલીનાં પાપડ બનાવે છે.
જે વિસ્તારમાં શાળાઓ નહોતી, શિક્ષકો જવા તૈયાર નહોતા એ વિસ્તારમાં હવે ડિઝિટલ શાળાઓ ચાલી રહી છે. દસ શાળાઓને પ્રોજેક્ટર આપવામાં આવ્યાં છે. સફેદ પરદા પર શિક્ષકો ગુજરાત સરકારે તૈયાર કરેલી સુંદર સીડી અને ડીવીડી દ્વારા અહીં જુદા જુદા વિષયો ભણાવે છે.
કોઈ પણ ગામનો ઉત્કર્ષ કરવો હોય તો સર્વાંગી રીતે થાય. ર.વ.દેસાઈની ગ્રામલક્ષ્મી નવલકથા વાંચીને અનેક યુવકો ગામ તરફ વળેલા. જો કે એ સમય એક સદી પહેલાંનો હતો. ૨૧મી સદીના પ્રારંભમાં કોઈ યુવક આ રીતે ગામમાં જઈને બેસે અને ગ્રામ ઉત્કર્ષની આટલી સરસ પ્રવૃતિઓ કરે તે કાલ્પનિક લાગે. નિલમ પાસે આદિવાસી લોકો માટે ભરપૂર પ્રેમ, લાગણી અને કરુણા છે. જો તે ના હોત તો આ કશું જ થઈ શક્યું ના હોત. ૨૨મી માર્ચ, ૧૯૮૪ના રોજ જન્મેલા આ યુવકે પોતાની યુવાની રાષ્ટ્ર વિકાસના ચરણે ધરી દીધી છે. પિતા મોબાઈલ ફોનનું બિલ ન ભરે તો ગુસ્સે થઈ જતા યુવકો, સલમાન કે અક્ષયકુમારની આભાસી ફિલ્મો જોઈને મનોરંજનમાં રાચતા યુવાનો, સાચી યુવાની આવી પણ હોઈ શકે છે. અનેક પ્રકારની સગવડો અને સુવિધાઓની વચ્ચે જીવતા આપણે આ પોઝિટિવ સ્ટોરીમાંથી શું લઈશું ? આપણને પહેરવા માટે અનેક જોડ કપડાં જોઈએ છે, ચાર-પાંચ જોડ શુઝ ના હોય તો આપણને ચેન પડતું નથી, હોટલમાં જઈને આપણે ૫૦૦-૭૦૦ રૂપિયાનું તો રમતાં રમતાં બિલ કરી નાખીએ છીએ. આ જ આપણા દેશમાં આપણાં જ એવાં અનેક ભાઈ-બહેનો છે જેમને અનેક પ્રકારના અભાવ વચ્ચે જીવવું પડે છે.

સોર્સ: ફેસબુક

Leave a Reply

error: Content is protected !!