મજુરના બુટમાંથી જયારે ધનવર્ષા થાય – વાંચવાનું ચૂકશો નહિ

એક વખત શિક્ષક એમનાં એક શિષ્ય સાથે બહાર ફરવા નીકળ્યા. એમણે રસ્તામાં જોયું કે ઝાડ નીચે એક મજુરનાં ઘસાઈ ગયેલાં બુટ પડ્યા હતાં અને બાજુમાં રહેલ પાણીની ટાંકી પાસે મજૂરો હાથ-મોં ધોઈને ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં.

શિષ્યને મજાક કરવાની ઈચ્છા થઈ એણે શિક્ષકને કહ્યુ, : “ગુરૂજી, આપણે આ બુટ સંતાડીને એક બાજુ છુપાઈ જઈએ. મજૂર જ્યારે બુટ ગાયબ થઈ ગયેલાં જોશે તો ગભરાઈ જશે અને મજા આવશે.”

શિક્ષક ગંભીરતાથી બોલ્યા : “કોઈ ગરીબ સાથે આ પ્રકારનો મજાક યોગ્ય નથી. આપણે મજૂરનાં બુટમાં થોડા સિક્કા મૂકીએ અને પછી છુપાઈને જોઈએ કે મજૂર ઉપર શું પ્રભાવ પડે છે.”

શિષ્યએ ગુરૂજીનાં કહેવા પ્રમાણે જ કર્યું અને બન્ને થોડે દુર છુપાઈ ગયા.

મજુર બપોરનું ખાલી થયેલું ટીફીન હાથમાં લઈ બુટ પહેરવા માટે આવ્યો. બુટ પહેરતા જ પગમાં કંઇક ખૂચ્યું. બુટમાં તપાસ કરી તો સિક્કા મળ્યા એણે બધી બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે સિક્કા ખિસ્સામાં મુક્યા. પૈસા જોઈને મજુર એકદમ ભાવુક થઈ ગયો. એની આંખોમાં આંસુ આવી ગયાં, એણે બે હાથ જોડયા અને આકાશ તરફ જોઈને બોલ્યો – “હે ભગવાન, જરૂરિયાતનાં સમયે આ મદદ કરનાર એ અજાણ્યા ફરીસ્તાનો લાખ-લાખ આભાર, એમની મદદ અને દયાને કારણે આજે મારી બીમાર પત્નીને દવા અને ભૂખ્યા બાળકોને જમવાનું મળી શકશે.”

મજુરની વાતો સાંભળીને શિષ્યની આંખો ભીની થઈ ગઈ. શિક્ષકે શિષ્યને કહ્યુ, ” શું તારી એ મજાકથી તને આટલી ખુશી મળી હોત ?”
શિષ્ય બોલ્યો, : “તમે આજે જે પાઠ શિખવ્યો છે એ હું હંમેશા યાદ રાખીશ. આજે હું એ શબ્દોનો મતલબ સમજ્યો છું જે પહેલાં હું ક્યારેય સમજી શક્યો નહતો કે કોઈ પાસે થી લેવાની અપેક્ષા કરતા કોઈને કંઈક આપવાથી ખુબ જ આનંદ પ્રાપ્ત થાય છે. મદદ કરવાથી અસીમ આનંદની અનુભૂતિ થાય છે.”

મિત્રો, ખરેખર Joy of Giving થી મોટુ બીજુ કોઈ સુખ નથી ! આપણે આ વાર્તામાંથી પ્રેરણા લઈ આપણી ક્ષમતા મુજબ જરૂરિયાતવાળા લોકોને થોડીઘણી મદદ કરતા રહેવું જોઈએ.

ભાવાનુવાદ – ઈલ્યાસભાઈ

સોર્સ: “વાર્તા રે વાર્તા” – ગુજરાતી વાર્તાઓ ની ફ્રી એપ્લીકેશન. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!