હું ક્યાં? – દરેક સ્ત્રી ની કહેલી અથવા અણકહી વેદના

સવાર સવાર ના 5 વાગ્યે ઉઠીને જ રુચિને યુધ્ધ પર જવાનું હોય એ રીતે પોતાના મન મનાવી લેતી. 5 વાગ્યા નું અલાર્મ એને કોઈ દુશ્મને મારેલી ગોળી જેવુ લાગતું. તો પણ 5 વાગ્યા બહાર નો કૂકડો બોલે એ પહેલા ઘર ની લાઇટ ચાલુ થઈ જતી. સુરજ નું પહેલું કિરણ એના ઘર પર પડે એ પહેલા રસોડા માં રહેલી સગડીની અગ્નિ એના રસોડા ને પ્રજ્વલિત કરી દેતી હતી. એ નાની હતી ત્યારે રમકડાં અને માટી ના વાસણો થી રમતી અને એ જ હાથ હવે સ્ટીલ ના વાસણોને રમાડતા હતા. શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસુ…. રજા હોય કે સામાન્ય દિવસ….આજ એનો નિત્યક્રમ…

સવારે બાળકો માટે નો નાસ્તો, એમને તૈયાર કરવાના, એમને સ્કૂલ મોકલી , પછી પતિ ને બાળક ની જેમ ઉઠાડવાનું, એમને નાહવા માટે ના ગરમ પાણી થી લઈનેનાસ્તો બધુ જ તૈયાર જોઈતું હતું. બસ, ખાલી એક નોકર ની જરૂર હતી કે જે એના પતિ ને નવડાવી આપે અને નાસ્તા ની ચમચી મોઢામાં મૂકી આપે!!!!!!!! બાળકો, પતિ પછી એના સાસુ-સસરા નો વારો. એમના સાસુ-સસરા ને કોઈ છોકરી હતી નહીં. ખાલી બે જ છોકરા. એક વિદેશમાં તો બીજો ભારતમાં. 30 વર્ષ ના લગ્નગાળા દરમ્યાન પોતાના ઘરે કોઈ છોકરી કામ કરતી જોઈ ના હતી. ટૂંકમાં,લગભગ અડધું જીવન એમને પોતાના જ ઘરમાં જ વૈતર્યું કર્યું. વહુ ના આવ્યા પછી કામ કરવું નહીં પડે એવું વિચારીને જ એમના શરીર નું વજન વધી ગયું હતું. એના સાસુ સસરા માટે વહુ એ ઘરની લક્ષ્મી નહીં, પણ ઘર માં આવેલી “પરણેલી નોકર”!!!!!!!!!! જે મફત સવારના 5 વાગ્યા થી રાત ના 11 વાગ્યા સુધી સતત કોઈ રોબોટ હોય એમ કામ કર્યા જ કરે. કોઈ પગાર નહીં, કોઈ રજા નહીં, કોઈ કચકચ નહીં અને વધારા માં એ કે આ “પરણેલી કામવાળી” દિવાળી પર બોનસ પણ ના માંગે!!!! કેવી મજા!!!! સાસુ-સસરાનો અલગ થી નાસ્તો અને ચા. આ “મોટા મહેમાન” પાછા ડાયાબિટીસ ના દર્દી એટલે વધારે ધ્યાન રાખવું પડે. બપોરની રસોઈ બનાવતા બનાવતા એની ડોક જમણી બાજુ ઝુકાવીને એ એના પિયર માં વાત કરી લેતી. આજ એની મલ્ટી-ટાસ્કિંગ એક્ટિવિટી.

બપોર ના વાસણ ઘસ્યા બાદ કોઈ યુધ્ધ પતી ગયું હોય એવી એવી નીરવ શાંતિ. જેમ છોકરાઓ ક્લાસરૂમ માં અવાજ કરે અને ટીચર એવું કહે કે ટાંકણી પડે તો પણ એનો અવાજ આવવો જોઈએ, એવી પરમ શાંતિ. આટલું બધુ કામ પતાવતા પતાવતા એના 2 વાગે. પણ, આ બે વાગ્યા એ એના માટે “12 વાગ્યા” બરાબર હોય.

જેમ જેલ ના કેદી ને આખો દિવસ કામ અને જમ્યા પછી થોડોક આરામ કરવાનો સમય આપે, એ રીતે જ એ બધુ જ કામ પતાવીને એને એક કલાક આરામ માટે જાય. આખો દિવસ ભાગતા ભાગતા શરીર ઢીલું પડી ગયું હોય, હાથ કોઈ હમણાં જ ખેંચે ને તરત જ નીકળી જાય, ગરબા કર્યા વગર પણ પગ એના ગરબા થઈ ગયા, પ્રેશર કૂકર માં ‘વ્હીસ્ટલ’ માથી વધારાની હવા નીકળે,પણ આના પાસે તો  કોઈ એવી ‘વ્હીસ્ટલ’ જ નહીં, કે જેમાથી એ ફૅમિલી અને પોતાનું પ્રેશર બહાર કાઢે.

આરામ નો સમય… રુચિ એના વાળ ખુલ્લા કરીને ઓશિકા પર વાળ ફેલાવ્યા. આંખો સ્થિર. રુચિની આંખો અને પંખાની પાંખ બંને એકબીજા ને જોયા જ કરે. જાણે, બંને ઘરની પરિસ્થિતીથી કંટાયેલા હોય એવું લાગે. ઘર ની ચાર દીવાલ એ બંને ને જેલ ની ઊંચી દીવાલ જેવી લાગે.  રુચિને એ દીવાલો કૂદીને આઝાદ થવું હતું. બસ,આવા જ પરિસ્થિતી માં એનું મગજ વિચારે ચડે.”હું કોણ? મારું અસ્તિત્વ શું? શું આજકામ માટે મારું લગ્ન કરાવાયું હશે? મારી આર્થિક, સામાજિક, વૈચારિક આઝાદી નું શું? આવું બધુ જ કરવા હું લગ્ન કરીને આ ઘર માં આવી? કોઈને આ ઘરમાં મારી ખરેખર કદર છે કે નહિઁ? કે પછી બધો જ બેઠો ‘માલ’ મળે છે એટલે કોઈ ને મારી કોઈ પડી નથી? કેમ કોઈ મને પૂછતું નથી કે બધુ સારું ચાલે છે ને લાઇફ માં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં.. પતિ ને હાથ માં ને હાથ માં સાચવીને રાખ્યો, પણ એને મારા ગળામાં પડેલા મંગલસૂત્રની કિંમત પણ સાચવી ના શક્યો. કયારસુધી આવા ને આવા કામ કરીને ક્યાં જન્મની સજા ભગવાન આપે છે??!!!આ દુખ અને વેદના ક્યાં સુધી સહન કરવાની? હું મારી જાતને શોધવા ક્યાં જાવ?લગ્ન કર્યા પછી કેટકેટલા લોકો અને પરિસ્થિતીને મે સાચવ્યા, પણ આટલા બધા લોકો મને સમજી કે સાચવી ના શક્યા? “એક સાંધતા તેર તૂટે” જેવી પરિસ્થિતી હોવા છતાં ઘર ને મોતીના હારની જેમસાચવ્યો, ક્યારેય એને તૂટવા ના દીધો. સોફા પર શાંતિથી બેસીએ ત્યારે તેની નીચેની સ્પ્રિંગ દબાય છે…એવી જ રીતે આ મારા ફૅમિલી મેમ્બર ને ખબર નથી પડતી કે એ લોકો શાંતિ થી રહેવાનુ કારણ હું દરરોજ સ્પ્રિંગ ની જેમ દબાવ છું. દરરોજ પીડાઈ રહું છું. મારા જ સાસુ મારા જેવી પરિસ્થિતીમાથી પસાર થઈ ગયેલા હોવા છતાં એમને મારા પ્રત્યે કોઈ સંવેદના નહીં થતી હોય…..

માસિક ના પહેલા દિવસના દુખ થી લઈને પ્રસૂતિ ના છેલ્લા દિવસ સુધીનો દુખમારા ભાગે જ કેમ? શું કરું?ક્યાં જવું? કોને મારી વેદના કહું?????????????????……………” આવા અસંખ્ય વિચારો મગજ માં રુચિ ની આંખો ઘેરાવા લાગી…એનું મન વિચાર કરતું હતું, પણ એના મગજ ને ખબર કે 2 કલાક પછી એની હાલત શું થવાની છે!! બસ, આવા જ વિચારે કરતાં કરતાં રુચિ ની આંખો સામે અંધારા આવવા લાગ્યા. જાણે એવું લાગ્યું કે પંખાની પાંખને પણ ખબર પડી કે આ છોકરી હવે વધારે વિચાર કરશે તો આનું મગજ ખરાબ થઈ જશે, એટલા માટે જ પંખાની પાંખ એ વધારે જોર થી હવા નાખવાનું ચાલુ કર્યું અને છેલ્લા આવા વિચારોની વચ્ચે જ રુચિ સૂઈ ગઇ……….

લેખક: નિશાંત પંડ્યા

Leave a Reply

error: Content is protected !!