૨૦૦ રૂપિયા ખિસ્સામાં લઈને નીકળેલ ગુજરાતી છોકરો… આજે ૨૦૦૦ કરોડ ની કંપનીના માલિક છે

પોરબંદરના સામાન્ય પરિવારનો એક છોકરો પાંચમાં ધોરણની પરિક્ષામાં નાપાસ થયો. આ છોકરાનું મન ભણવામાં નહોતું લાગતું કારણકે પિતાજીને સિંગ-દાળીયા વેંચતા જોઇને એનું હૈયુ વલોવાતું. કાયમ એક જ વિચાર આવે કે પિતાજીને કંઇક મદદ કરવી છે. એમણે ભણવાનું પડતુ મુકીને પોરબંદરના એક સ્ટોરમાં કામ કરવાનું શરુ કર્યુ.

એકદિવસ આ છોકરો શેઠે આપેલો પગાર લઇને ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં એક મેડીકલ સ્ટોર પર કોઇ વૃધ્ધ માણસને લાચાર અવસથામાં જોયો. આ છોકરો એમની પાસે ગયો અને વાત કરી તો ખબર પડી કે વૃધ્ધનો યુવાન દિકરો કોઇ બિમારીમાં પટકાયો છે. દિકરાની દવા લેવા આવેલા બાપ પાસે દવા ખરીદવાના પુરતા પૈસા નહોતા. પેલા છોકરાએ એમના ખીસ્સામાં હાથ નાંખ્યો અને શેઠે પગારપેટે આપેલી રકમ પેલા વૃધ્ધના હાથમાં મુકી દીધી.

આ તરુણ છોકરાની દરીયાદિલી જોઇને વૃધ્ધની આંખો છલકાઇ ગઇ. કોઇપણ જાતની ઓળખાણ વગર મદદ કરનાર આ છોકરાના પિતાને મળવા વૃધ્ધ એમની ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે છોકરાની આર્થિક પરિસ્થિતી પણ સાવ સામાન્ય છે. પેલા વૃધ્ધે છોકરાને ખુબ આશિર્વાદ આપ્યા.

આ છોકરો 1986માં 16 વર્ષની ઉંમરે પોરબંદર છોડીને આફ્રિકાના કોંગો ખાતે નોકરી કરવા માટે ગયો. એ વખતે છોકરાના ખીસ્સામાં માત્ર 200 રૂપિયા હતા. આફ્રિકામાં જઇને એણે સામાન્ય નોકરીની શરૂઆત કરી. સમયપસાર થતા આ છોકરો એના અનોખા વિચારો અને કાર્યશૈલીને કારણે આફ્રીકાના કેટલાય દેશોમાં પ્રસિધ્ધિ પામ્યો.

માત્ર 200 રૂપિયા ખીસ્સામાં મુકીને આફ્રિકા ગયેલા આ છોકરાનું નામ રીઝવાન આડતીયા છે અને આજે આફ્રીકાના 10 દેશોમાં ફેલાયેલા 2000 કરોડના બિઝનેશનો એ માલિક છે. આફ્રીકા અને વતનમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે અદભૂત સેવાકિય કાર્ય કરે છે. દર વર્ષે કરોડોના દાન દ્વારા અનેકના જીવનને નવો વળાંક આપે છે.

મિત્રો, બીજા માટે નિસ્વાર્થભાવે કંઇક કર્યુ હોય તો પ્રભુ એનો બદલો ચોક્કસપણે આપે છે. આપણે આર્થિક રીતે સુખી સંપન્ન હોય તો જ લોકોને કંઇક મદદ કરી શકાય એવુ બિલકુલ નથી આપણી નાની એવી આવકમાંથી પણ નાની મદદ કરીને કોઇના અંધારીયા જીવનને અજવાળી શકાય છે.

– શૈલેશ સગપરીયા

રીઝવાન આડતિયા ના જીવન ચરિત્ર પર ગુજરાતી પુસ્તક લખાયેલ છે અને એ ડો. શરદ ઠાકર દ્વારા. આ પુસ્તક ઓર્ડર કરવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!