સમોસા વેંચવાના ધંધા માટે આ યુવાને લાખોની નોકરી છોડી – વાંચવા જેવી સ્ટોરી

સાંભળીને થોડી નવાઈ જરૂર લાગે કે સમોસા વેચવા કોઈ વ્યક્તિ ગૂગલની નોકરી કેવી રીતે છોડી શકે, પણ આ વાત સાચી છે. મુનાફ કાપડીયાએ સમોસા વેચવા ગૂગલના મોટા પેકેજની નોકરી છોડી દીધી. પણ અહીં જ વાત નથી પતી જતી, સમોસા પણ વેચ્યા એવી રીતે કે પોતાની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ પહોંચાડી દીધું!

થોડા વર્ષો સુધી ગૂગલમાં નોકરી કર્યા બાદ મુનાફને લાગ્યું કે તે આનાથી વધારે સારી રીતે કામ કરી શકે છે. બસ, પછી શું? મગજમાં એક નવા આઈડિયાને લઈને તેઓ ઘરે પરત ફર્યા અને સમોસાનો પોતાનો નવો બિઝનેસ શરૂ કરી દીધો.

આઈટી ફિલ્ડમાં કામ કરતી કોઈ વ્યક્તિને પૂછી જોજો, ગૂગલ જેવી કંપનીમાં કામ કરવું એક સપનું હશે. ગૂગલમાં નોકરી કરવાનો અર્થ છે આરામદાયક જિંદગી. પણ અહીં વાત છે એક એવી વ્યક્તિ જેણે ગૂગલનું મસમોટું પેકેજ છોડીને સમોસા વેચવાનું શરૂ કર્યું. અમે વાત કરી રહ્યાં છીએ, ‘ધ બોહરી કિચન’ના મુનાફ કાપડિયા વિશે…

મુનાફ કાપડિયાએ પોતાના ફેસબુક પ્રોફાઈલમાં લખ્યું છે કે,”હું એ વ્યક્તિ છું કે જેણે સમોસા વેચવા ગૂગલની નોકરી છોડી દીધી.”

તેમના સમોસા એવા ખાસ છે કે મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ્સમાં અને બોલિવૂડમાં ઘણાં પ્રિય છે. મુનાફે એમબીએ કર્યું છે અને પછી કેટલીક કંપનીઓમાં નોકરી કરી પહોંચી ગયા વિદેશ. વિદેશમાં કેટલીક કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેમને ગૂગલમાં નોકરી મળી ગઈ. થોડા વર્ષો ગૂગલમાં કામ કર્યા બાદ તેમને લાગ્યું કે તેઓ આનાથી પણ વધારે બીજું કોઈ સારું કામ કરી શકે છે. બસ, પછી શું? મગજમાં બિઝનેસનો નવો આઈડિયા લઈને તેઓ ઘરે પરત ફર્યા અને પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો.

મુનાફનું ઘર જે વિસ્તારમાં છે ત્યાં મોટા ભાગે મધ્યમવર્ગીય પરિવારો રહે છે. જે રીતે મુનાફે બિઝનેસ કરવાનું વિચાર્યું હતું તે હિસાબે અહીં તેમને ગ્રાહકો મળવા મુશ્કેલ હતાં. એટલે મુનાફે પ્રાયોગિક ધોરણે પોતાના 50 મિત્રોને ઇમેઇલ અને મેસેજ કર્યા અને પોતાના ઘરે જમવા બોલાવ્યા.

મુનાફ હવે ભારતમાં ‘ધ બોહરી કિચન’ નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે. મુનાફ કહે છે કે તેમની માતા નફીસાને ટીવી જોવાનો ખૂબ જ શોખ અને ઘણો સમય ટીવી જોઇને જ વિતાવે. તેમને ફૂડ શો જોવાનો પણ ઘણો પસંદ. તેઓ જમવાનું પણ સારું બનાવે. મુનાફને લાગ્યું કે તેઓ પોતાની મમ્મી પાસેથી ટિપ્સ લઇ ફૂડ ચેઈન ખોલશે. તેમણે રેસ્ટોરન્ટ ખોલવાનો પ્લાન બનાવ્યો અને પોતાની માતાના હાથે બનાવેલું ભોજન ઘણાં લોકોને ચખાડ્યું. તમામે તે ભોજનના વખાણ કર્યા. તેનાથી મુનાફને લાગ્યું કે હવે તેઓ પોતાનું સપનું પૂરું કરી શકશે.

જોકે, હાલ મુનાફના રેસ્ટોરન્ટમાં માત્ર સમોસા જ નથી મળતાં, પણ હા, સમોસા તેમના ટ્રેડમાર્ક જરૂર છે. તેમની રેસ્ટોરન્ટને હજી એક વર્ષ જ થયું છે અને તેનું ટર્નઓવર 50 લાખ સુધી પહોંચી ગયું છે. મુનાફ આવનારા થોડા વર્ષોમાં આ ટર્નઓવર 3થી 5 કરોડ સુધી પહોંચાડવા માગે છે.

મુનાફની સ્ટોરી અને તેમનું કામ એટલું જાણીતું બન્યું કે ફોર્બ્સે તેમનું નામ અંડર 30 અચિવર્સમાં સામેલ કરી દીધું. મુનાફ પોતાની કંપનીમાં CEO છે, પરંતુ અહીં તેનો અર્થ થાય છે ચીફ ઈટિંગ ઓફિસર! મુનાફ હાલ મુંબઈના વર્લી વિસ્તારથી ફૂડ ડિલિવરી કરે છે. પણ આવનારા સમયમાં તેઓ આ નામથી જ અન્ય રેસ્ટોરન્ટ્સ ખોલવા માગે છે. મુનાફ આ સફળતાનો શ્રેય પોતાની માતાને આપે છે.

સોર્સ: યોરસ્ટોરી ગુજરાતી

Leave a Reply

error: Content is protected !!