બીજો પ્રેમ – ક્યારેય પૂછીને ના જ થાય | દરેક યુગલે ખેલદિલીથી વાંચવા જેવો પ્રસંગ

‘રિયા પ્લીઝ મને માફ કરી દે’ તેણે ધીરેથી કહ્યું, ‘હું જાણું છું કે મારી ભૂલ થઈ ગઈ છે. મારે તને આ રીતે એકલી છોડી ભાગવું જોઈતું નહોતું. પરંતુ મેં આવું કાયરતાનું પગલું કેમ લીધું એ જ મને સમજાતું નથી.’ કરણ ખૂબ લજ્જીત હતો.

એ દિવસે કોલેજનો વાર્ષિક સમારંભ હતો. આટલું મોડું થશે એવો રીયાને ખ્યાલ ન હોવાથી તેણે પપ્પાને લેવા આવવા માટે ના પાડી દીધી હતી. આમ પણ કરણ સાથે હતો અને મુંબઈ જેવા શહેરમાં રાતે ફરતા ખાસ વાંધો આવતો નથી.

સગાઈ પછી રીયા અને કરણ ઘણીવાર ફરવા જતા હતા અને રાત્રે મોડેથી કરણ તેને ઘરે મૂકી જતો હતો. એટલે આજે પણ રીયા નચિંત હતી. રીયા પાસે તેનું વાહન હતું નહીં અને કરણ પણ ગાડી સર્વિસમાં આપી હોવાથી ટેક્સીમાં જ આવ્યો હતો. હૉલમાંથી બહાર આવતા જ ટાટા-બાય બાય કરી બધા પોતપોતાને રસ્તે પડી ગયા.

ધીરે ધીરે મેદની ઓછી થતી ગઈ. કરણ અને રીયાએ ટેક્સી મેળવવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ રીયાના ઘર નજીકથી પાછી સવારી મળવી મુશ્કેલ હોવાથી કોઈ ટેક્સીવાળા આવવા તૈયાર થયા નહીં. છેવટે કંટાળીને રીયા અને કરણે ચાલવા માંડયું.

બંને વાતો કરતા કરતા ધીરે ધીરે સુમસામ સડકને કિનારે ચાલવા માંડયા. વાતો કરતા કરતા રસ્તો કપાતો જતો હતો. વાતોમાંને વાતોમાં તેઓ જયહિંદ કોલેજથી ચાલતા ચાલતા મરીન ડ્રાઈવના દરિયા કિનારે આવી પહોંચ્યા.

દૂર સુધી કોઈ પણ ટેક્સીનું નામોનિશાન દેખાતું નહોતું. દરિયાની મંદ મંદ હવાએ કરણને રોમેન્ટીક બનાવી દીધો. કરણે રીયાના ખભા પર હાથ રાખી રીયાને પોતાની ભીંસમાં લીધી. રીયાના હૃદયમાં પણ રોમાન્સનો જુવાળ ચઢતો જતો હતો. એવામાં એક જીપ તેમની સમક્ષ આવીને ઊભી રહી. જીપમાંથી કેટલીક વ્યક્તિઓ ઊતરી તેમની આસપાસ ઊભી રહી ગઈ. તેમની પાસે રિવોલ્વર હતી.

અચાનક આવી પડેલી મુસીબતને કારણે રીયા ગભરાઈ ગઈ. ભયનું એક લખલખું એની શરીરમાંથી પસાર થઈ ગયું. પરંતુ તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી. કરણનો સાથ તેનો હોસલો વધારી રહ્યો હતો. તેણે વિચાર્યું કે જો આ લોકોને તે પોતે પહેરેલા દાગીના અને પર્સ ખાલી કરીને આપી દેશે તો તેઓ તેમને કોઈ પણ નુકસાન પહોંચાડયા વગર ચાલ્યા જશે. રીયા ઈચ્છતી નહોતી કે કરણ આ હટ્ટાકટ્ટા ચોરોનો મુકાબલો કરે અને પોતાની જાતને જોખમમાં નાખી દે.

આમાંના એકે કરણને લમણે રિવોલ્વર ધરી કહ્યું, ”બીજી બાજુ મોં કરી ઊભો રહી જા, નહીંતર આ રિવોલ્વર તારી સગી નહીં થાય.”

બીજાએ રીયા તરફ જોઈને હુકમ કર્યો, ”ચલ જલદી જલદી તારી પર્સ ખાલી કરી નાખ અને પહેરેલા દાગીના અને ઘડિયાળ કાઢી આપ.”

રીયાએ ઝડપથી પર્સ તેની તરફ ફેંકી દીધું. અને ઘડિયાળ, વીંટી, લોકેટ અને બુટ્ટી ઉતારવી શરૃ કરી. કરણ આ લોકો સાથે બાથ ન ભીડે એવો તેને ડર હતો. કરણ એક સમજદાર યુવક હતો એ તેને ખબર હતી. એ બેવકૂફી નહીં કરે એવો એને વિશ્વાસ હતો.

મનોમન રીયા ઈશ્વરને પ્રાર્થના કરતી હતી કે તેના દાગીના અને પૈસા બચાવવા કરણ આ લોકોનો સામનો ન કરે તો સારું. પરંતુ જે બન્યું તે તેની ધારણાથી વિપરીત જ હતું. રીયાને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે કરણ આ પગલું ભરશે. એક બાજુ તેના હોશ હવાસ ઊડી ગયા તો બીજી બાજુ તેના વરસોના વિશ્વાસને ઠેસ પહોંચી.

કરણ રિવોલ્વરધારીના હુકમ મુજબ બીજી તરફ મોં કરતા જ ઉછળીને વીજવેગે દોડવા માંડયો. આ જાલીમો રીયાના શા હાલ કરશે એ વિચાર્યા વિના તે ભાગવા માંડયો. કરણ ભાગી જતા રીયા પોતાની જાતને નિ:સહાય સમજવા લાગી. તેના હાથ-પગ કાંપવા લાગ્યા.

તેનું દિલ તૂટી ગયું. તેના મનમાં આવ્યું કે જમીન પર બેસી ધુ્રસકે ધુ્રસકે રડી પડું. પરંતુ તરત જ તે આંસુ ગળી ગઈ અને તેણે પોતાની જાતને સંભાળી લીધી.

એક બદમાશે અટહાસ્ય કરી ટોણો માર્યો, ”તારો સાથી તો ભાગી ગયો છોકરી.” પછી કરણ ભાગ્યો હતો તે દિશા તરફ થૂંકતા તે બબડયો, ”ફટસાલા નમાલા.”

રીયાનો ચહેરો ફીક્કો પડી ગયો. તે રડમસ સ્વરે બોલી, ”એ હોય કે ન હોય તેનો તમને શો ફરક પડે છે. તમે તમારું કામ કરો.”

ઊતારેલા અલંકારો તેણે તેમની સમક્ષ ફેંકી દીધા. મનમાં ને મનમાં તે ડરતી હતી કે તેઓ તેને ઊંચકીને જીપમાં ન બેસાડી દે. તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે તેઓ તેની નજીક આવશે તો તો તે તેમનો મુકાબલો કરશે અને તેમનાથી બચવા દરિયામાં કૂદીને પોતાનો જીવ આપી દેશે. પરંતુ તેમના મનની બુરી દાનતને કોઈ પણ સંજોગોમાં વશ થશે નહીં.

રીયાના નસીબ સારા કે આ લોકોને તેના આભુષણો અને પૈસાની જ જરૃર હતી. આ લોકો વાસનાના નહીં પરંતુ ધનના પૂજારી હતા. જમીન પર વિખરાયેલા દાગીનાના એકઠા કરી તેઓ પોતાની જીપમાં સવાર થઈ ચાલ્યા ગયા.

થોડાં સમય સુધી તો રીયા પથ્થરની મૂર્તિ બની સડક પર ઊભી રહી. નસીબજોગે આ લોકો ઉતાવળમાં રીયાનું પર્સ લેતા ભૂલી ગયા હતા. રીયા વાંકા વળીને પર્સ ઉઠાવી ખભા પર નાખી સડકને કિનારે ચાલવા માંડી. પોતે ક્યાં જઈ રહી છે તેનું પણ તેને ભાન નહોતું. તે વિચારી પણ શકતી નહોતી કે કરણ જેની સાથે તેનો નવ નવ વર્ષથી સંબંધ હતો, જેણે તેના પિતા સાથે લડી-ઝઘડીને તેને મેળવી હતી, તે તેને આવી નિ:સહાય હાલતમાં એકલી છોડીને કાયરની જેમ પલાયન થઈ જશે.

કોણ જાણે તે કેટલીવાર આ જ રીતે સડકને કિનારે ચાલતી રહી. ચોપાટી પર તેના એક સંબંધીનું ઘર હતું. તેમને ઘરે પહોંચીને તે ધુ્રસકે ધુ્રસકે રડવા લાગી. ત્યાંથી તેના પપ્પાને ફોન કરી તેને લઈ જવાનું કહ્યું. તેના સંબંધી અને પપ્પાએ આખી ઘટના સાંભળી કરણ પર ફિટકાર વર્ષાવ્યો. પરંતુ રીયા ગુમસુમ થઈ બેસી રહી હતી. ઘરે આવ્યા પછી મમ્મીના ખોળામાં માથુ રાખી રીયાએ પોતાના મનનો ભાર હળવો કર્યો.
તે અને કરણ એક કોલેજમાં ભણતા હતા.

શરૃઆતના દિવસોમાં બંને માત્ર દોસ્ત હતા. ધીરે ધીરે બંનેની મૈત્રી પ્રણયમાં બદલાઈ ગઈ. અભ્યાસ પૂર્ણ કર્યા પછી બંનેએ એક જ કોલેજમાં પ્રોફેસરની નોકરી લઈ લીધી. આજે બે વર્ષથી બંને એક જ કોલેજમાં છે. આ વર્ષે તો તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને એક જ ક્ષેત્રમાં હતા અને બંનેની આર્થિક સ્થિતિ પણ સધ્ધર હતી.

પરંતુ ભારતીયસ્ત્રી હોવાને કારણે રીયા હંમેશા તેને પોતાનો સંરક્ષક સમજતી હતી. તેને કરણના સાથ પર પૂરેપૂરો વિશ્વાસ હતો. પરંતુ કરણે તેના વિશ્વાસને ઠેસ પહોંચાડી હતી. કરણ પ્રત્યેનો બધો જ સ્નેહ અને આદર એક પળમાં જ દૂર થઈ ગયો. રીયા પોતાની જાતને અધૂરી સમજવા લાગી.

થોડા દિવસો સુધી તો કરણ રીયા સાથે આંખ મેળવી શક્યો નહીં. પરંતુ એક દિવસ રીયા ટીચર્સ રૃમમાં બેસી હતી ત્યારે તે ચૂપચાપ તેની બાજુમાં આવીને બેસી ગયો.

”રીયા પ્લીઝ મને માફ કરી દે.” તેણે ધીરેથી કહ્યું, ”હું જાણું છું તે મારી ભૂલ થઈ ગઈ છે. મારે તને આ રીતે એકલી છોડી ભાગવું જોઈતું નહોતું. પરંતુ મેં આવું કાયરતાનું પગલું કેમ લીધું એ જ મને સમજાતું નથી.” કરણ ખૂબ જ લજ્જીત હતો.

”માનવા ન માનવાથી શું ફરક પડવાનો છે કરણ?” રીયાએ ઉદાસીભર્યા સ્વરે કહ્યું, ”થવાકાળ થઈ ચૂક્યું છે. હવે પસ્તાવો કરીને શો ફાયદો થવાનો છે.”
”મારી આ પ્રથમ ભૂલ માફ નહીં કરે?” ગળગળા સ્વરે કરણ બોલ્યો.

”આ એક ભૂલ નહોતી કરણ, આ એક ખંજર હતું જે મારા હૃદયની આરપાર જઈને પોતાની અસર દાખવી ચૂક્યું છે.”

”પણ રીયા…”

”આ જખમ પૂરાય તેવો નથી. પ્લીઝ કરણ, હમણાં તું અહીંથી જતો રહે.”

”હું જાણું છું.” તેણે ધીરેથી કહ્યું, ”તારા દિલને ઠેસ પહોંચી છે. આમ થવું ન જોઈતું હતું. પરંતુ રીયા ઈન્સાન ભગવાન તો નથી જને. આપણી આટલા વરસથી મૈત્રી છે. આ વરસો દરમિયાન મેં ક્યારે પણ તારા વિશ્વાસસનો ભંગ કર્યો છે? આપણે એકબીજાને બરાબર સમજી ચૂક્યા છીએ. કોને ખબર મને તે સમયે શું થઈ ગયું હતું. પ્લીઝ આ એકવાર મને તું માફ કરી દે. હું તારા વગર રહી શકું તેમ નથી.” કરણ ભાવુક બનતો જતો હતો.

થોડી ક્ષણો સુધી રીયા કરણની સામે જોઈ રહી. ”આ તે કેવો પ્રેમ છે કરણ?” તેણે દુ:ખથી કહ્યું, ”પ્યાર તો દુનિયાની બધી વસ્તુઓથી ઉપર છે. તો પણ તું તારો જીવ બચાવવા મારી ઈજ્જતને દાવ પર લગાવી નાસી ગયો?”

”મને આ વાતનો ઘણો પસ્તાવો થાય છે. આ મારી પ્રથમ અને અંતીમ ભૂલ હતી. આ પછી તું ક્યારે પણ મને આ રીતે કમજોર નહીં જુએ.”

”પ્લીઝ અત્યારે તું અહીંથી જતો રહે.” રીયાએ મોં ફેરવીને કહ્યું. થોડીક પળ તે ખામોશ બેસી રહ્યો. પછી એક લાંબો નિશ્વાસ નાખી ત્યાંથી જતો રહ્યો.

કરણ રીયાને ઘણો પ્રિય હતો. રીયાને એના પર પ્રેમ પણ ઘણો જ હતો. આથી તેના પ્રેમનો ભ્રમ તૂટી જતા રીયા પોતાની જાતને સાવ એકલી સમજવા લાગી. તેને લાગતું કે તે દુનિયામાં સાવ એકલી છે. છેવટે કરણે રીયાની ખાસ બહેનપણી ક્ષમાને વચમાં નાખી.

ક્ષમાએ પણ રીયાને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. રોજ જ ક્ષમા કરણનો પક્ષ લઈ રીયાને સમજાવવાના પ્રયત્ન કરતી. માનવ માત્ર ભૂલને પાત્ર એમ સમજી કરણને માફ કરવા સમજાવતી. પરંતુ રીયા એકની બે થઈ નહીં. છેવટે કંટાળીને ક્ષમાએ પણ હાથ ઊંચા કરી દીધા.

તે દિવસે પણ એક શિયાળાની જ સાંજ હતી. લાઈબ્રેરીમાં મોડે સુધી બેઠા પછી રીયાએ પુસ્તકો એકઠા કરી ઘરે જવાની તૈયારી કરી. કરણ તે દિવસ પછી ક્યારે પણ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો નહોતો. બસ તે ઉદાસીથી તેને જોયા કરતો. ક્ષમા પણ રોજ મળતી હતી પરંતુ તેણે ક્યારે પણ કરણનું નામ ઉચ્ચાર્યું નહોતું. કદાચ તે માનતી હતી કે સમય સાથે રીયા હકીકત સ્વીકારી લેશે અને કદાચ એમ પણ થાત. પરંતુ…

પુસ્તકો એકઠા કરી રીયા બસ સ્ટોપ પર આવી પહોંચી. થોડા સમયમાં જ તેને બસ મળી ગઈ. તે તેના બસ સ્ટોપ પર ઉતરી ત્યારે અંધારું થઈ ચૂક્યું હતું. રોજની જેમ જ બસ સ્ટોર પર સન્નાટો છવાયેલો હતો.
બસમાંથી ઊતરી ત્યારે તો રીયાએ આજુબાજુ ધ્યાન આપ્યું નહોતું.

પણ તે જરા આગળ વધી કે બે મોટરસાયકલ પર ચાર બદમાશો રીયાની નજીક આવી ગયા, તો થોડાં અંતરે ચાલતા એક યુવાને પાછું વળીને તેમના તરફ નજર કરી. રીયાના ધ્યાનમાં આવ્યું કે આ યુવાન પણ તેની જ બસમાંથી નીચે ઊતર્યો હતો.

મોટરસાયકલવાળા યુવકો જરા આગળ જઈ પાછા ફરતા હતા. રીયાએ પોતાની ઝડપ વધારી દીધી. તેમાંના એક યુવકે સીટી પર ફિલ્મી ધૂન વગાડવી શરૃ કરી. રીયા ખામોશ રહી. કદાચ રીયાની ખામોશીએ તેમની હિંમત વધારી દીધી. એક મોટરસાયકલ રીયાની આસપાસ ઘૂમવા લાગી, તો એક બદમાશે રીયાનો દુપટ્ટો ખેંચવાની ધૃષ્ટતા કરી. જેમ તેમ કરીને રીયા પોતાનો દુપટ્ટો છોડાવવા સફળ ગઈ. પરંતુ તેના હાથમાં રહેલા પુસ્તકો જમીન પર પડી ગયા.

આ ક્ષણે આગળ ચાલનાર યુવક પાછો ફર્યો. અને આ બદમાશો તરફ જોઈને બોલ્યો, ”શરમ આવવી જોઈએ તમને.”

”ઓયે હીરો કી ઔલાદ”, એક લોફરે ઘાંટો પાડતા કહ્યું, ”ચૂપચાપ અહીંથી જતો રહે નહીંતર તારી જાનની ખેર નથી.”

”બકવાસ બંધ કરો.” તે યુવકે ગુસ્સાથી કહ્યું.

”શું લાગે છે એ તારી?” એક લફંગાએ કહ્યું. આમ કહેતા જ તેણે તેની મોટરસાયકલ બંધ કરી. સાથે સાથે બીજા એ પણ તેનીમોટરસાયકલ રોકી દીધી. રીયા સમજી કે હવે આ યુવક પણ ત્યાંથી ભાગી જશે. નવ વર્ષનો તેનો સાથી પણ તેને તકલીફમાં મૂકી ભાગી ગયો હતો. તો આ યુવક તેનો શો સગો થાય છે કે તેની વહારે આવે?

પરંતુ રીયાનો કોઈ પણ ન હતી તે વ્યક્તિ એકાએક આ બદમાશોની વચ્ચે આવીને ઊભી રહી ગઈ. રીયા ખૂબ જ ભયભીત બની ગઈ હતી. આ લફંગાઓ તો પેલા બદમાશોથી પણ ચઢે તેવા હતા. પેલા

બદમાશોએ તો તેના અલંકારો લૂંટી લીધા હતા તેના પર વાસનાભરી નજર કરી નહોતી.
આ ચારે બદમાશોથી ઘેરાયેલા એ યુવકે રીયા તરફ જોઈ તેને કહ્યું, ”તમે અહીંથી જતા રહો.”

પરંતુ રીયા તેને છોડીને જઈ શકી નહીં. તેનો અંતરાત્મા આમ કરવા તૈયાર થયો નહીં. એક બદમાશે તેને ધમકી આપી, ”અહીંથી જાય છે કે નહીં?” પરંતુ પેલો યુવાન ત્યાંથી ખસ્યો નહીં. પલક ઝપકતા જ એ લફંગાએ કોણ જાણે ક્યાંથી ચાકુ કાઢીને આ યુવકને મારવા આગળ કર્યું, પેલા યુવકે સ્ફૂર્તિથી વાર બચાવી લીધો પરંતુ ચાકુ તેના હાથમાં વાગી ગયું. પેલો નરાધમ આટલેથી અટક્યો નહીં. તેણે અટક્યા વગર ચાકુના વાર કરવા માંડયા.

આટલું ઓછું હોય તેમ તેનો બીજો સાથી પણ ધડાધડ વાર કરવા માંડયો. રીયા જોરજોરથી બચાવો… બચાવોની બૂમ પાડવા લાગી. પેલા બદમાશો આ યુવકને લોહીલુહાણ હાલતમાં કણસતી મૂકી ભાગી ગયા. રીયાની ચીસ સાંભળી આસપાસના ઘરમાંથી લોકો નીકળી આવ્યા. એ યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

તાબડતોબ તેનું ઓપરેશન કરવામાં આવ્યું. રીયા ભગવાનને તેને ઉગારી લેવાની પ્રાર્થના કરવા લાગી. તેની પર્સમાં રહેલી ડાયરીમાંથી તેનું નામ અને સરનામું મળ્યું. તેનું નામ મનસ્વી હતું. તેના ઘરવાળાને ખબર કરવામાં આવી. તેની મા અને તેના ત્રણ નાના ભાઈ બહેનો દોડી આવ્યા. ડોક્ટરના પ્રયત્નોથી તેનો જીવ તો બચી ગયો પરંતુ ડૉક્ટરો તેના હાથ બચાવી શક્યા નહીં.

મનસ્વી એક મધ્યમ વર્ગનો યુવક હતો. તેના ઘરના ભરણપોષણનો ભાર તેના ખભા પર જ હતો. તે કોઈ ફર્મમાં કોમ્પ્યુટર પર કામ કરતો હતો. સાંજને સમયે ટયુશન કરી ઉપરની આવક મેળવતો હતો. રીયાના ઘર નજીક જ તે ટયુશન આપવા આવતો હતો.

બે ત્રણ દિવસ પછી રીયા કોલેજ ગઈ. રસ્તામાં તેને કરણ મળી ગયો. તે કરણ તરફ આગળ વધી. કરણે તેને જોઈને સ્મિત કર્યું. એક હળવું સ્મિત રીયાના ચહેરા પર પણ ચમકી ઊઠયું. ”કેમ છે?” તેણે પૂછ્યું.

”સારી છું…” રીયા ધીરેથી બોલી. બંને સાથે ચાલતા ચાલતા કોલેજના ગેટની અંદર દાખલ થયા. ક્ષમાએ એ બંનેને સાથે જોયા તો તે પણ તેમની પાસે આવી પહોંચી.

”ચાલો કેન્ટીનમાં બેસીએ.” રીયા બોલી.

”તો છેવટે તે નિર્ણય લઈ જ લીધો રીયા?” ખુશીના સ્વરમાં ક્ષમા બોલી.

”હા, મેં નિર્ણય લઈ લીધો છે.” રીયાએ કહ્યું, ”મેં ક્ષમાની વાત પર બહુ જ વિચાર કર્યો, તારે માટે મેં મારા દિલના દરવાજા ખોલી નાખ્યા હતા. તું મારો નવ વર્ષનો સાથી હતો. પરંતુ તારા પ્રેમ પર એક નબળી ક્ષણ સવાર થઈ ગઈ.

મારા દિલમાં પણ તારા પ્રેમની પકડ નબળી પડી ગઈ. પરંતુ એકાએક જ એ પુરુષ જેને મારી સાથે કોઈ પણ સંબંધ નહોતો તે એક કમજોર ક્ષણમાં મારું સર્વસ્વ બની ગયો. દિલના દરવાજેથી તે મારા હૃદયમાં દાખલ થઈ ગયો. કાશ, તે અપંગ ન બન્યો હોત. તેના પર ઘણી જવાબદારીઓ છે. બે યુવાન બહેનોના લગ્ન કરવાના છે. નાના ભાઈને ભણાવી ગણાવી ઠેકાણે પાડવાનો છે. હવે તેની આ જવાબદારી મારી છે. મારે તેનાં બંને હાથ બનવું છે.” રીયા ચૂપ થઈ ગઈ. કરણનો ચમકતો ચહેરો કરમાઈ ગયો.

પરંતુ રીયાને તેની કોઈ પરવા હતી નહીં. તેને તેના નિર્ણય પર ગર્વ હતો.
તે ખામોશ બેઠેલા ક્ષમા અને કરણને ગુડબાય કહી કેન્ટીનની બહાર નીકળી ગઈ. તેના પગ એક નવી મંઝીલ તરફ આગળ વધી રહ્યા હતા. તે મક્કમ ડગલે મનસ્વીના ઘર તરફ જઈ રહી હતી. આજે ખરા હૃદયથી તે પોતાના પ્રિયતમની બાંહોમાં નથી પણ આંખોમાં સમાવવા જઈ રહી હતી.

આભાર: ગુજરાત સમાચાર

Leave a Reply

error: Content is protected !!