પ્રેમની તાકાત સામે દુનિયાની કોઈ તાકાત કામ નથી કરતી એની સાબિતી આપે છે આ વાત

આ સત્ય હકીકતને દિમાગથી નહી પણ દિલથી વાંચજો.

મુંબઇના દહીંસરમાં રહેતા સન્ની પવાર નામના એક કોલેજીયન યુવકની મુલાકાત મુંબઇની જ આરતી મકવાણા નામની એક યુવતી સાથે થઇ. આ મુલાકાત, પ્રથમ મૈત્રીમાં અને પછી પ્રેમમાં પરીણમી. બન્ને એકબીજાના સથવારે સુખમય જીવન જીવવાના સપનાઓ જોતા હતા. પ્રથમ મુલાકાતને હજુ તો 15 મહીના પણ નહોતા થયા ત્યાં આરતી એક કાર અકસ્માતનો ભોગ બની.

ગંભીર રીતે ઘાયલ થયેલી આરતી બચી તો ગઇ પણ એના શરીરનો જમણો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. અકસ્માતના આઘાતને કારણે એની યાદશક્તિ પણ જતી રહી. આ છોકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે એનો પ્રેમી સન્ની પવાર એની પ્રિયતમા આરતીનો પડછાયો બનીને એની સાથે રહેવા લાગ્યો.

સન્ની પોતાનો બધો જ સમય આરતી સાથે વિતાવતો. આરતી એમને ઓળખતી પણ નહોતી આમ છતા સન્ની એની સેવામાં ખડેપગે રહેતો. રોજ આરતીને જમાડવાની, એને ચોખ્ખી કરવાની, સમયસર દવા આપવાની આ બધી જ જવાબદારી સન્નીએ ઉપાડી લીધી. એક કપ દુધ પિવામાં પણ આરતી બે કલાક જેવો સમય લે પણ એક નાના બાળકને એની મા સમજાવે એવી રીતે સન્ની ધીરજપૂર્વક સમજાવી-ફોસલાવીને એને દુધ પાય. આરતીની તંદુરસ્તીમાં સુધાર આવે એ માટે સન્ની એની સાથે જાત જાતની વાતો કરે, ડોકટરે જે કસરત કરાવવાની સલાહ આપી હતી એ કસરત કલાકો સુધી કરાવે.

સન્ની કોઇપણ ભોગે આરતીને જીવતી રાખવા માંગતો હતો અને એટલે મૃત્યું સામેની લડાઇમાં એ આરતીની સાથે ઉભો હતો. આરતીને એ સતત હૈયાધારણા આપતો રહેતો કે ભગવાન બધા સારાવાના કરશે. આરતી એની કોઇ વાત સમજી શકતી નહોતી અને આમ છતા જાણે કે પોતાની બધી જ વાત આરતી ધ્યાનથી સાંભળતી અને સમજતી હોય એવી રીતે કલાકો સુધી એ આરતી સાથે વાતો કરતો રહેતો.

આરતી એક બાળક જેવી બની ગઇ હતી. એ બોલી પણ નહોતી શકતી કે એની લાગણી પણ વ્યક્ત નહોતી કરી શકતી. ક્યારેક ઉંચા અવાજથી રાડો પાડીને એને જે કહેવું હોય એ કહેવાનો પ્રયાસ કરતી. સન્ની બીજા લોકોને કહેતો, “હવે હું આરતીનો બોયફ્રેન્ડ જ નથી રહ્યો એનો બાપ પણ બની ગયો છું અને બાપ જેમ દિકરીનું ધ્યાન રાખે એમ હું મારી આરતીનું ધ્યાન રાખું છું.”

સન્નીએ પોતાની પ્રિયતમાની આવી સેવા એકાદ બે દિવસ નહી, પુરા ચાર વર્ષ સુધી કરી અને ચાર વર્ષની આ સેવા પછી પણ એ આરતીને ન બચાવી શક્યો. આજે સન્ની પાસે આરતી નથી પણ આરતી સાથેની યાદોનો બહુ મોટો ખજાનો છે.

મિત્રો, માત્ર શારીરિક આકર્ષણને જ પ્રેમ સમજીને કપડાની જેમ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બદલતા યુવાનોએ આ ઘટના પરથી પ્રેમ કોને કહેવાય એ સમજવા જેવુ છે. પ્રેમની સાર્થકતા પ્રાપ્તિમાં નહી, સમર્પણમાં છે.

– શૈલેશ સગપરીયા

શૈલેશભાઈ સગપરીયાના લોકપ્રિય પુસ્તકો ઘરે બેઠા ઓર્ડર કરવા અહી ક્લિક કરો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!