ઉભરો – સાસુ વહુ ના સંબંધને સરસ રીતે સમજાવતી કથા

“દૂધ નો ઉભરો કેટલો અને કેવો લેવો એ પણ એક કળા છે દીકરી। એ નાનકડી વાતમાંય તારા સંસ્કાર ઉજાગર થશે જોઈ લેજે..” આજે માઁ ની એ વાત યાદ કરતા અન્વિતા રડી પડી.

સવાર સવાર માં આજે તો સાસુ એ તેનો ઉધડો લઇ લીધો હતો. રસોડા માં ગેસ પર દૂધ ની તપેલી ચડાવી અન્વિતા કપડાં સૂકવવા ગઈ, ને ધૂન માં ને ધૂન માં ભૂલી જ ગઈ કે ગેસ પર દૂધ મૂક્યું છે. પોતાની મસ્તી માં મસ્ત અન્વિતા ના ધ્યાન બહાર દૂધ “ઉભરાઈ” ગયું। એ તો છેક અડધી મલાઈ વિખાઈ ગઈ ત્યારે અન્વિતા ને ખબર પડી દૂધ ની વાસ ની. દોડીને ગેસ બંધ કર્યો ને બધી સફાઈ કરી. તપેલીયે ચોખ્ખી કરી દીધી। સાસુ ને જાણ ના થાય એ રીતે બધું હતું એમનું એમ કરી દીધું। વિચાર્યું કે સાસુ ને કહી દેશે, આજે વધારે ચા પીધી છે પોતે એટલે દૂધ વપરાઈ ગયું। અને પોતે બહાર જઈને ચા પી લેશે।

“વહુદીકરા, જરા અહીં આવો તો. આ ગેસ ના બર્નર માં નાનકડો સફેદ ડાઘ છે અને દૂધ પણ ઓછું છે. તપેલી માં મલાઈ એક બાજુ ઢળેલી છે અને વિખાઈ પણ ગઈ છે.તમારા થી દૂધ ઉભરાઈ ગયું હતું કે શું?”

“હા માઁ. માફ કરજો।” કહેતાંક ને અન્વિતા રૂમ માં ભરાઈ ગઈ. તેના માં સાસુ ના મીઠા વાકઃબાણો સહન કરવાની શક્તિ નહોતી। અને માઁ એ આપેલી શિખામણ ને મામૂલી સમજીને જે રીતે ગણકારી નહિ તેનો પસ્તાવો પણ થતો હતો. આટલી નાની વાત માં પણ આટલું બધું નિરીક્ષણ અને ચોકસાઈ અદભુત હતા. સાસુમાં જાણે “માઁ” ના સ્વરૂપે આવ્યા હોય તેવું તેમની ઝીણવટ થી લાગતું હતું।

“વહુ, જરા દરવાજો ખોલજો તો.” સાસુ એ બારણું ખટખટાવ્યું ને અન્વિતા ડરી ગઈ. દરવાજો તો ખોલવો જ પડશે વિચારતા ઉભી થઇ ને દરવાજો ખોલ્યો।

“માઁ, આજ પછી ક્યારેય કોઈ કામ માં કચાશ નહિ રહે. માફ કરી દો મને.” બોલતા બોલતા અન્વિતા રડી પડી.

“અરે મારી દીકરી તને ખબર છે, તારી નણંદ ના લગ્ન થયા ને ત્યારે ચોથા જ દિવસે આ “ઉભરા” ના લીધે તેની સાસુ અને તેના વચ્ચે માથાકૂટ થઇ ગઈ હતી. વાત તો ઘણી નાની પણ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। એક માં થી બીજી ને બીજા માં થી ત્રીજી જાણે વાંક શોધવાની સ્પર્ધા ચાલી। ઉગ્ર બોલાચાલી પછી તારી નણંદ ઘરે આવતી રહી પાછી ને ઘમંડ માં ને ઘમંડ માં પાછી ના ગઈ. તે લોકો ને પણ જાણે કોઈ ફરક ના પડ્યો। આખો દિવસ નવરી બેઠી એ બસ દૂધ ના “ઉભરા” ને ફૂટ્યા કરે. રોજ સવારે દૂધ ગરમ કરે ને હાથે કરી ને ઉભરાવા દે. મહિનાઓ થયા ને એકલી એકલી એ રૂંધાઇ ગઈ ઘર માં. પંખે લટકીને જીવ ટૂંકાવી દીધો મારી આરાધના એ.”

“માઁ મને ઘણું સમજાવતી। પણ હું જ આ ઉભરા ને ના સમજી શકી.” અન્વિતા બોલી।

“બસ હુંય મારી બીજી દીકરી ને ઉભરા ના કારણે નથી ખોવા માગતી। એટલે જ આજે તારી સાસુમા થઇ તને સમજવું છું.”

અન્વિતા ના સાસુ એ દૂધ ના “ઉભરા” ને ઠેલીને પ્રેમ નો ઉભરો પોતાની વહુ પર ઠાલવતા કહ્યું

 

Leave a Reply

error: Content is protected !!