કૃષ્ણના જીવનચરિત્રમાં છુપાયેલું એક અદ્ભુત પાત્ર ઓધવજી વિષે જાણવા જેવી વાતો

ઓધવજી કૃષ્ણના જીવનચરિત્રમાં છુપાયેલું એક જબરદસ્ત પાત્ર છે કે જેના વિશે અત્યારે ઘણાખરા લોકો અજાણ છે.

ઓધવજી વાસુદેવના ભાઇ દેવભાગના પુત્ર હતાં.એ નાતે એ કૃષ્ણના પિતરાઇ ભાઇ થતાં.જેમ ભરતે પોતાનું જીવન રામના પડછાયામાં રહીને જીવેલું એમ ઓધવજીએ પણ માધવની છાયા બની રહેવામાં મહાનતા અનુભવી હતી અને પરિણામે આ પાત્ર સદાય માટે અમર બની ગયું.

ભગવાન વાસુદેવે જે રીતે અર્જુનને “શ્રીમદ ભગવતગીતા” દ્વારા ઉપદેશ આપ્યો છે એવી જ રીતે ઓધવજીની સાથે પણ ભગવાને ધર્મ ચર્ચા કરી છે.અને એ સમગ્ર વાત “ઓધ્ધવગીતા”માં સંગ્રહિત છે.ભગવત ગીતા કરતા ભલે ઓધ્ધવગીતા નાની છે પણ એનું મુલ્ય લગીરેય ઓછું આંકી શકાય તેમ નથી.એમાં ભગવાને ઓધવજીને જે ઉપદેશ આપ્યા છે તે યોગ્ય રીતે જીવનમાં ઉતરે તો સમસ્ત જીવન-પરિવર્તન થઇ શકે.

ઓધવજીના જીવનનો સૌથી વ્યાપક પ્રમાણમાં યાદ હોય તેવો કોઇ પ્રસંગ હોય તો એ છે – ભગવાન વાસુદેવનો સંદેશો લઇને મથુરાથી ગોકુળ જવાનો.આખું વ્રજ-ગોકુળ ક્રિષ્નના વિયોગથી ગાંડું બની ગયું હોય છે.એક વખતના ધમધમતા ગોકુળમાં કોઇ અગમ્ય,ગમની પરાકાષ્ઠા સમી શાંતિ છવાઇ ગઇ હોય છે.ગાયો વાંસળીના સુર સુણવાને અધીરી હોય છે,ગોપીઓની મટકી ફોડનારો હવે કોઇ નથી,યશોદાના ઓરડા સુના ભાસે છે.ટુંકમાં,આખું નુર ઓસરી ગયું છે.બધે કનૈયો જ દેખાય છે.એની લીલાઓ ભલાં કેમ કરી ભુલી શકાય…….!!

કેમ રે વિસારી,ઓ વનના વિહારી..
તારી રાધા દુલારી…..!

એ સમયે ઓધ્ધવ પ્રભુનો સંદેશો લઇને ગોકુળ આવે છે.અને એ વિરહથી તડપતાં ગોકુળને પ્રભુનો સંદેશો સંભળાવે છે – “હું તમારાથી દુર થવા મથુરા નથી આવ્યો.હું અજર-અમર-શાશ્વત છું.હું કદી તમારાથી દુર થવાનો નથી.તમે સર્વ પ્રકારના મોહમાંથી મુક્ત થઇ મારી ભક્તિમાં લીન બનો.તમે અવશ્ય મને અનુભવી શકશો.અને આ જ કારણથી તમે પરમતત્વને પામી શકશો.હું નથી એનો વિષાદ ભુલી જાઓ.માત્ર મારૂં સ્મરણ કરો.હું કાલપર્યંત તમારી સાથે છું.”

આ સંદેશો આપી ઓધવજી ગોકુળની પ્રજાને આશ્વાસન આપે છે.નંદરાજાને મળે છે અને કેટલાય દિવસો સુધી ગોકુળમાં રહે છે.ઓધવજી ગોકુળ સમસ્તનો ક્રિષ્ન પ્રત્યેનો પ્રેમ જોઇ ભાવવિભોર થાય છે.એને ક્રિષ્ન-ભક્તિનો ખરેખરો ખ્યાલ આવે છે.

અંતે તે ગોકુળમાંથી વિદાય લે ત્યારે ફરી પાછું ગોકુળ રોઇ પડે છે.ગોપીઓ કેમ કરીને ઉપદેશથી ક્રિષ્નને વિસારી શકે ? આખું ગોકુળ સંદેશો આપવા દોડે છે અને આ ઘટના પર ભારતીય ભાષાઓમાં અદ્ભુત રચનાઓ રચાઇ છે.ગોકુળ આખું ઓધવજી મારફત ક્રિષ્નને સંદેશો આપે છે.એમાં વ્હાલાની વેદના રહેલી છે,મનાવવાના કોડ રહેલાં છે,સર્વસ્વ ફના કરી દેવાની ભાવના રહેલી છે,મીઠો ઠપકો છે અને અણીશુધ્ધ પ્રેમ-લક્ષણા ભક્તિના દર્શન થાય છે.

ગોકુળની રજેરજ બોલે છે :

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી..

મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો..

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી..
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે..

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી..

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે..

એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી..

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ..

એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી..

ભગવાન વાસુદેવની મૃત્યુવેળા ઓધવજી પોતાને પણ સાથે લઇ જવાનું કહે છે ત્યારે ભગવાન કહે છે – મારા અધુરા રહેલા ભાગવત ધર્મના ઉપદેશો તમારે સંસારને આપવાના છે.આ પ્રમાણે ભગવાનની આજ્ઞા મુજબ બદ્રિકાશ્રમમાં ઓધવજી પોતાનું જીવન વિતાવે છે.એવું પણ કહેવાય છે કે પતાના અન્યરૂપ દ્વારા તેણે ગોકુળ-વૃદાંવનમાં પણ વિહાર કરેલો અને ગોકુળમાં એકાદ માસ ભાગવતકથાનું પારાયણ કરેલું.

આમ,ઓધવજી ભલે એક ઓછું જાણીતું પાત્ર હોય પણ ભગવાન વાસુદેવના પડખે રહી કરેલા અમર કાર્યો દ્વારા કદી ભુલાશે નહિ.વધુમાં અમર રાખશે એમની નિષ્ઠાભક્તિ.

– Kaushal Barad

 

Leave a Reply

error: Content is protected !!