ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક ટીમમાંથી જયારે માં-દીકરી સાથે રમ્યા, અમદાવાદનો પ્રેરણાદાયી પરિવાર

શહેરની જાણીતી રાજપથ ક્લબમાં છેલ્લાં થોડાં વર્ષથી નિયમિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે. આ વર્ષે રમાયેલી ટુર્નામેનેટમાં એક ટીમમાં મા-દીકરીએ સાથે રમીને અનેક મહિલાઓને સ્પોર્ટસમાં રસ લેવાની પ્રેરણા જરૃર આપી. રૃપલ રાવલ ચોકસી (ઉંમર વર્ષ 52) અને તેમની દીકરી કુંજલ (ઉંમર વર્ષ 21) એ એક જ ટીમ તરફથી મેચ રમવાનો લહાવો લીધો. ઘણી વખત એવું બને કે તેમની ટીમની બેટિંગ હોય ત્યારે મા-દીકરી એક સાથે બેટિંગ કરતાં હોય. કુંજલબહેન કહે છે કે મારી મમ્મી સાથે આ રીતે બેટિંગ કરતી હોઉં ત્યારે મને સારું લાગે. ગાૈરવ થાય અને હું મોટિવેટ પણ થાઉં. અમે પૂછીએ કે મમ્મી કોઈ સૂચના આપે.. તો કહે, ના બિલકુલ નહીં, એટલું જ કહે કે તું તારી રમત રમ.

માતા રૃપલબહેન કહે છે કે આ રીતે દીકરી સાથે રમવાની તક મળે તેનો આનંદ તો થાય જ, સાથે સાથે એવો પણ વિચાર આવે કે બધી મમ્મીએ આ રીતે સ્પોર્ટસમાં રસ લેવો જોઈએ. રૃપલબહેને તો પહેલેથી જ સ્પોર્ટેસ વુમન છે, તેઓ ઈન્ટરનેશનલ બેઝબોલની રમતમાં ભારતમાં પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે.

રૃપલબહેનનું દઢપણે માનવું છે કે જો દરેક મહિલા કોઈ એક રમતમાં સક્રિય રહે તો હોસ્પિટલમાં જવાનું ઘટી જાય. બહેનો ડિપ્રેશનમાં આવી જતી હોય છે, નિરાશ થઈ જતી હોય છે એ બધું ઘટી જાય.

રૃપલબહેને બે સરસ વાતો કરી એ મારે વાચકો સાથે ખાસ વહેંચવી છે. તેમનું કહેવું છે કે હું ઘરકામ એવી રીતે કરું કે મારા શરીરને જોઈતી બધી કસરત મને મળી જાય. (આ વાત ગાંધીજીએ પણ કરી છે. તેમણે એવું કહ્યું હતું કે આપણે રોજિંદી કાર્યો એવી રીતે ગોઠવવાં અને કરવાં જોઈએ કે કસરત કરવાની જરૃર જ ના પડે.) બીજી વાત છે દષ્ટિકોણની. રૃપલબહેને મને એક ઉદાહરમ આપ્યું. તેમણે પોતાના બાથરૃમમાં પોતાને જરૃરી સામાન માટેનું કબાટ સહેજ ઊંચું કરાવ્યું છે. દરરોજ ઊંચા થઈને જ તેઓ પોતાની ચીજવસ્તુઓ લઈ શકે. આ રીતે તેમના શરીરને કસરત મળે.

બહેનો કોઈ એક રમત રમી શકે તો ઉત્તમ, પણ પોતાનાં ઘરનાં કાર્યોમાં રમતથી થતા લાભનું સંયોજન કરે તો પણ ઉત્તમ. રૃપલબહેન કહે છે કે સ્પોર્ટસથી તન અને મન સ્ફૂર્તિમાં રહે છે. સતત પોઝિટિવિટી અનુભવાય છે તેનો સમગ્ર પરિવારને ફાયદો થાય છે. તેમના ભાઈ પ્રેમલભાઈ કહે છે કે આપણે તેમના ઘરમાં જઈએ એટલે સતત પોઝિટિવિટી અનુભવીએ. રૃપલબહેનનો દીકરો કુશાલ ચોકસી ઉત્તમ ગાયક અને કંપોઝીટર છે. એક રાષ્ટ્રીય સ્પર્ધામાં તેનો નંબર ના આવ્યો તો તેના પર તેની સહેજે નકારાત્મક અસર ના પડી. મુંબઈથી અમદાવાદ આવીને તે બીજા દિવસે પોતાના કામ પર લાગી ગયો.

પ્રેમલભાઈ કહે છે તેની આ પોઝિટિવિટી જોઈને હું તો આભો જ બની ગયો હતો.
આ હોય છે એક માતાની સ્પોર્ટ્સ અભિગમની પરિવાર પર અસર!

– રમેશભાઈ તન્ના

Leave a Reply

error: Content is protected !!