ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુભાઈ ગઢવીને પુણ્યતિથી પર વંદન

તે દિવસ આ ગુજરાતને યાદ હેમુ આવશે –

૨૦ ઓગસ્ટ,૧૯૬૬નો એ દિવસ હતો.શ્રાવણ મહિનાના મીઠા સરવડાં વરસી રહ્યાં હતાં.આખું સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ હેમવરણી ચાદર ઓઢીને કિલ્લોલ કરતું હતું.અને આ વખતે પડધરી ખાતે આકાશવાણીના રાસડાઓના રેકોર્ડિંગના કાર્યક્રમમાં એક નમણી નાગરવેલ જેવો આડત્રીસ વર્ષનો જુવાન અષાઢીલા કંઠે મેદનીને ડોલાવતો ગાતો હતો –

મારુ વનરાવન છે રૂડું,
હું વૈકુંઠ નહિ રે આવું..

નહિ આવું હો નંદજીના લાલ રે…
હું વૈકુંઠ નહિ રે આવું..

જનમેદની તેના જાદુઇ કંઠની અસર હેઠળ ડોલી રહી હતી પણ તેને ખબર નહોતી કે આ ગાનાર યુવાન તેમને અને આખા ગુજરાતને છેતરી રહ્યો હતો !

હવે હું વૈકુંઠ નહિ રે આવું…..

અને આ ગાતાં-ગાતાં જ એ કુમળી વયનો યુવાન સ્ટેજ પર પછડાયો અને અ ભેગાં જ તેણે પ્રાણ ત્યજી દીધાં.સમગ્ર ગુજરાતને રડાવનાર એ અષાઢી કંઠના યુવાનનું નામ હતું – શ્રીહેમુ ગઢવી.જેણે સોરઠની લોકસંસ્કૃતિને અતિશય ઉજવળતાથી બેઠી કરી હતી.એના મલ્હાર રાગે વાદળોમાંથી છાંટણા થતા અને ગુજરાત ગાંડું બનતું.એવો એક સર્વોત્તમ આત્મા તે દિવસે માત્ર આડત્રીસ વર્ષની વયે પ્રભુના દરબારમાં સિધાવી ગયો હતો.

ચોતરફ કાળો કળેરાટ થઇ ગયો.હેમભાઇ ચાલ્યાં ગયાં…..હેમભાઇ જતાં રયાં…..!હવે હેમભાઇ વીના કોણ ગાશે…કોણ લોકગીતોને ઉજાગર કરશે….!આહાહા…..અકેકાર થઇ ગયો.આખું કાઠિયાવાડ એકહારે રોવાં બેઠું.લાપસીના ચુલે મુકેલા આંધણ ઉતરી ગયાં.

હેમુ ભાઇના મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યો.રાજકોટનું રૂદન ઝાડવાં રોવરાવે એવું હતું.બધું શુન્ય ભાસતું હતું.એક ઓરડામાં પુરુષો હેમુભાઇના નશ્વર દેહ માટે અંતિમ સંસ્કારની વિધી કરતાં હતાં તો બીજી બાજુ ચારણ સ્ત્રીઓ હ્રદયદ્રાવક મરશિયા ગાતી હતી.કેવું કરૂણ દ્રશ્ય ! બે ઘડી તો પરમેશ્વર પણ રોઇ પડ્યો હશે.

એવામાં એક ડોસીમા સ્ત્રીઓ બેઠી હતી ત્યાંથી પુરૂષો હેમુભાઇની અંતિમ વિધી માટેની તૈયારી કરતાં હતાં એ ઓરડામાં આવ્યાં.શરીર જાણે આઘાતથી કહ્યું નહોતુ કરતું.આ વૃધ્ધ સ્ત્રીની એક આંખ ખોટી હતી.આવીને હેમુભાઇના મૃતદેહ આગળ ઉભા રહ્યાં.”મારે હેમુનું મોઢું જોવુ છે.” – એ કહેનાર હેમુ ગઢવીને જન્મ દેનારી જનેતા હતી !

પુરૂષો અવાચક બની ગયાં.જગતની કોઇ માંની તાકાત નથી પોતાના જુવાન દીકરાના મૃતદેહ આગળ ઉભી રહી શકે.અને ઉભી રહી શકે ને તો એ માત્ર ચારણીયાણી જ હોઇ શકે,સાક્ષાત્ જગદંબા !અહીં કોઇ સાંપ્રદાયિક વાત નથી પણ ચારણ સ્ત્રીઓમાં સહન કરવાની જેટલી તાકાત છે એટલી લગભગ કોઇમાં નથી.એનું ચારિત્ર્ય,એની ખાનદાની અને એની શુરવીરતામાં હજી ખોટ નથી આવી.આજે સમગ્ર ભારતની યુવતીઓ પોતાની મર્યાદા ભુલી રહી છે પણ ચારણની દિકરીએ કદી મર્યાદા નથી મુકી.અને એટલે જ તો એ જગદંબાનો અવતાર છે.આ વાતથી આજે હરેક ગુજરાતીનું હૈયું ગૌરવથી ઉભરાવું જોઇએ અને આ જગદંબાઓ પાસેથી પ્રેરણા લેવી જોઇએ.

આ એક આંખે ન દેખતી ચારણીયાણી,હેમુભાઇની જણનારી બાલુબા પોતાના પ્રાણપ્રિય દિકરાના મૃતદેહ આગળ ઊભી રહી.

હેમુ ! તને વૈકુંઠવાળો વાલો હોય ને વૈકુંઠવાળાને તું વાલો હોય.અમારે ઘણુંય વૈકુંઠ જાવું છે પણ અમને કુણ લઇ જાય,હેમુ.”ચારણીયાણી પોતાની માથે પડેલાં દુ:ખના પહાડને દબાવીને બોલતી હતી.

પણ હેમુ,આ જ મારે તારી હારે એક ધોખો કરવો છે !”

ડોશીની આંખો અંદર સમાયેલા અશ્રુના પુરને બહાર કાઢવા તડપતી હતી.જુવાન દિકરાનો મૃતદેહ હવે આંખો જોઇ નહોતી શકતી.પણ ડોશીએ એને દ્દઢતાપૂર્વક રોકી રાખી અને હેમુભાઇની સામે નજર નોંધી ને કહ્યું –

હેમુ ! તે દિગિલ્લી દાંડીએ રમતા-રમતા તે મારી આ એક આંખ ફોડી નાખી એના કરતાં બેય ફોડી નાખી હોત તો મારે આ જોવાનો વારો ન આવત,હેમુ ! “

ત્યાં તેની નજર બાજુમા ઉભેલા હેમુ ગઢવીના ચાર નાના નાજુક ફુલ જેવાં સંતાનો પર પડી.આજના પ્રખ્યાત ગાયક બિહારીભાઇ ગઢવી પણ તેમાંના એક હતાં.

હેમુ,ચિંતા ન કરતો હોં ! હવે તારા આ કુમળા ફુલને સાચવવાની જણાબદારી મારી છે.”

આહા ! કેમ સંભાળ્યું હશે આ ડોશીએ એના દુ:ખને ? કેટલું મજબુત મનોબળ.નજર સામે મરેલા દિકરાનો મૃતદેહ પડ્યો હોય આનાથી મોટી લાયશું હોઇ શકે ! અને એ ભયાનક દુ:ખને ડોશી ચાર કુમળા ફુલ માટે થઇને ભુલાવી દે છે ! દરેક માણસને મુશ્કેલીના સામનાનું અનન્ય ઉદાહરણ પુરુ પાડતી આ ચારણ્યએ કેવી રીતે દબાવ્યું હશે આ દુ:ખને !એક બાજુ દુ:ખનો દરિયો છે અને એક બાજુ દુ:ખનો ખારો દરિયો છે તો એકબાજુ સંતાનરૂપી મીઠાં વીરડા પણ છે !અને આ ઘટના જોઇ કવિ દાદની પંક્તિ યાદ આવે –

લાય લાગે તોય બળે નઇ એવા કાળજા કિધાં રે,
દરિયો ખારૌ ને વીરડો મીઠો
એવા દાખલા દિધાં રે…..

જીવન નથી જંજાળ,
જીવન છે જીવવા જેવું રે….
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે.

ગુજરાતનો ગરવીલો ગાયક જ્યારે સ્વધામ સિદાવ્યો એ વખતે ગુજરાતે માત્ર ગાયક જ નહિ,પોતાની અસ્મિતાનો વાહક પણ ગુમાવેલો.મેઘાણીએ રઢિયાળી રાતના પાંચ ભાગમાં સંપાદિત ગીતોને હેમુ ગઢવીએ લોકકંઠે ચડાવ્યાં હતાં.ટુંકી જીંદગીમાં અનન્ય કામ કરેલું.એના ગીતો સાંભળતા લોકો બધું ભુલી જતાં.અને એમાંયે જો ગુર્જરકોકિલા દિવાળીબેન ભીલ સામેલ હોય ત્યારે સોનાનો સુરજ ઉગતો ! આ અષાઢી કંઠને ગુજરાતે માત્ર થોડા વર્ષોમાં ગુમાવી દીધેલો.શ્રી કરણીદાન ઇસરાણી કહે છે –

હીરો ખોયો હાથથી, નહિ વાવડ, નહિ વાત,
હેમુની હલક હાલી ગઇ, એનો જીવનભર આઘાત .

આવા મહાન પ્રતિભાવંત સુરસમ્રાટને તેની પુણ્યતિથી નિમિત્તે શત્ શત્ વંદનસાથે શ્રધ્ધાજંલી.

હેમુ ગઢવી ગુજરાત માટે સદાય ચિરંજીવ રહેશે.જ્યારે જ્યારે આ પ્રજા કોઇ અષાઢી કંઠે ગરવા ગીતો સાંભળશે,ત્યારે ત્યારે એને હેમુભાઇનું સ્મરણ થશે.કવિ દાદના કહેવા મુજબ –

મોંઘામુલી સૌરાષ્ટ્રની રસધાર જે રચતો ગયો,
એ કલમની વાચા બની તું ગીતડાં ગાતો ગયો,
એ લોકઢાળો પરજના કોઇ દાદકંઠે ધારશે,
એ વખત આ ગુજરાતને યાદ હેમુ આવશે.

સંકલન – Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!