પત્ની કેવી હોવી જોઈએ – દુનિયાના સૌથી મુશ્કેલ પ્રશ્નનો ખુબ જ અદ્ભુત જવાબ વાંચો

તમિલનાડુના પ્રખ્યાત સંત તિરુવલ્લુવરના ઘરે એક વખત એક યુવાન આવ્યો.

તિરુવલ્લુવર એટલે ઇસુની પ્રથમ સદીમાં થઇ ગયેલી એકદમ વિરલ પ્રતિભા.તમિલનાડુની “પુરૂષમાતા” જેને કહેવાય છે એવા સંત.જેમણે રચેલ “કુરલ” ગ્રંથ વિશ્વભરમાં બેજોડ છે.આ કુરલનું મહત્વ એટલું બધું છે કે તમિલ ભાષાના વેદ તરીકે તેને માન્યતા મળી છે.જીવનના લગભગ બધાં તાણાવાણાનો એમાં અતિ ચતુરાઇથી મેળાવડો થયેલો છે અને તેમાંથી પરમતત્વને પામવાનો સરળ માર્ગ બતાવાયો છે.કુરલના આજે વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયાં છે.અંગ્રેજીમાં લગભગ બાવીસ જેટલા જુદાં-જુદાં અનુવાદ આ એકમાત્ર ગ્રંથના થયાં છે એ જ સમજાવી દે છે કે કુરલ મહત્તા કેટલી જબરી હશે ! તે સમયમાં સંસ્કૃત સિવાય કોઇ અન્ય પ્રાદેશિક ભાષામાં લખવું એ ગંભીર અપરાધ ગણાતો,છતાં તિરુવલ્લુવરના આ તમિલ ભાષામાં લખાયેલા “કુરલ”ને માન્યતા મળી હતી.

તિરુ એટલે શ્રી અને વલ્લુવર એટલે વલ્લુવા(વણિક) જ્ઞાતિના ભક્ત.વલ્લુવર વણિક જ્ઞાતિના હતાં અને વણાટકામ કરતાં.આમ,આ કામ કરતાં જ એમણે પરમાત્માને પામવાના ગહન રહસ્યોનું મનન કરેલું.

તેમના પત્નીનું નામ હતું – વાસુકિદેવી.કહેવાય છે કે વાસુકિદેવી જેવી સ્વામીને પગલે ચાલનારી,સ્વામીના પ્રત્યેક બોલમાં પરમેશ્વરની વાણી સાંભળનારી અને સદાય પતિની આજ્ઞાંકિત પત્ની સંસારમાં બીજી થઇ નથી.સાક્ષાત્ સીતાજીનો અવતાર ! આજે પણ તમિલનાડુમાં દાંપત્યજીવનના આદર્શરૂપે તિરુવલ્લુવર અને વાસુકિદેવીનું નામ લેવાય છે.પતિ-પત્ની કેવા હોવા જોઇએ ? જવાબ મળે – વલ્લુવર અને વાસુકિદેવી જેવાં.

હાં તો,મુખ્યવાત પર આવીએ.આવા બેજોડ સંત તિરુવલ્લુવરના ઘરે એક યુવાન આવ્યો.યુવાન કાંઇક મુઝાયેલો લાગતો હતો.વલ્લુવરે તેનો સત્કાર કર્યો.અને તેમનું આવવાનું કારણ પુછ્યું.

“મહર્ષિ ! મેં ગુરૂઆશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ પુર્ણ કર્યો છે.અને હવે યુવાનીના ઉંબરે પગ મુક્યો છે.મારા મનમાં એક સમસ્યા છે કે,હવે મારે લગ્ન કરી ગૃહસ્થાશ્રમ માંડવો કે સંન્યાસ લઇ પ્રભુભક્તિ કરવી ? આપ પાસે આ સમસ્યાના સમાધાન અર્થે આવ્યો છું.”યુવાને જણાવ્યું.

વલ્લુવર કાંઇ ના બોલ્યાં.થોડીવાર પછી વાસુકિદેવી ભાત લઇને આવ્યાં.ભાત ગઇકાલે સાંજે બનાવ્યું હતું તેથી ઠંડું હતું.વલ્લુવર અને યુવાન જમવા બેઠા.વાસુકિદેવી બહાર ફળીયામાં સુકવેલા ચોખામાંથી કાંકરીઓ વીણવા ગયાં.

થોડીવાર થઇ ત્યાં વલ્લુવરે બુમ પાડી – “દેવી ! આમ આવો તો.આ ભાત કેટલું બધું ગરમ છે ? હાથમાં સરખો કોળિયો પણ ભરાતો નથી.”

વાસુકિદેવીને ખબર હતી કે ભાત કાલ સાંજનું છે એટલે એકદમ ઠંડું છે તે છતાંય તેઓ ફળિયામાંથી દોડતાં આવ્યા અને આવીને હાથમાં રહેલ કાપડ હલાવી ભાતને ઠંડું પાડવા લાગ્યાં.

આ જોઇ પેલો યુવાન અચંબિત થઇ ગયો.તેને ખબર હતી કે ભાત સાવ ઠંડું છે તે છતાંય વલ્લુવરે આમ કેમ કર્યું ?

વાસુકિદેવીના ગયાં પછી યુવાને પૂછ્યું – “મહર્ષિ ! તમે આવું શા માટે કર્યું ?”

તિરુવલ્લુવરના હોઠો પર એક સ્મિત ફરક્યું.ધીમે રહીને તેઓ બોલ્યાં –

“વત્સ ! જો આવું મળે તો લગ્ન કરી નાખવા બાકી સંન્યાસી બની જવું.”

– Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!