શું આપણે સ્વતંત્રતા નો ખોટો ઉપયોગ કરીએ છીએ – દેશનો બાયોલોજીકલ વેસ્ટ

નાનપણમાં અમુક ફિલ્મો જોઇ હતી જેમાં મજા પડી જાય એવા સીન્સ આવે. અપરાધીઓની ગેંગના હાથે મિત્રની હત્યાથી ગમગીન હીરો માઉથઓર્ગન વગાડતો હોય અને ક્રોધમાં આવી વેર લેવાનું પ્રણ લે અને માઉથઓર્ગનનો આકાશમાં ઊંચો ઘા કરે પણ ઉપરથી નીચે એના હાથમાં આવે એક મશીનગન. એ પાછી અક્ષયપાત્ર જેવી હોય જે ક્યારેય ખાલી જ ન થાય.

પછી તો ધાંય ધાંય હીરો બઘડાટી બોલાવી દે અને એક પછી એક ગુનેગારોને માંડે ઢાળવા. એની આડો કોઇ ખાખી વાળો આવે તો ય ગયો સમજી લો. અને અંતે સબ ખૂન માફ.

થોડાંક વેસ્ટર્ન પણ જોયાં જેમાં જંઘા પર બાંધેલા ચામડાના કવરમાંથી સ્ફૂર્તિથી રિવોલ્વર કાઢીને હીરો માંડે સામાવાળાઓને વીંધવા. એને ય કોઇ પૂછવા વાળું ન હોય.

ત્યારે ખબર તો હતી કે આવું ન થાય (અમુક સંસ્કૃતિઓમાં મરવું અને મારવું સામાન્ય હતું), પણ તો ય કોકવાર થતું કે સાલું આપણેય આવું હોય તો મજા આવે. ભડાકે દઇ જ દેવાનો. આ શું માથાકૂટ!

પણ છેલ્લાં બે વર્ષથી મુજ અહિંસક બ્રાહ્મણને આવો વિચાર ફરીથી વારંવાર આવી રહ્યો છે. અને એના માટે કારણ છે આપણા જ ટ્રાફિક સેન્સની ઐસીતૈસી કરનારા નાગરિકો.

ઓફિસમાં જ કામ કરતી એક દોસ્ત નૈયા મારી સાથે બાઇક પર કામે સાથે આવતી. સામેથી કોઇ રોંગસાઇડમાં આવતું દેખાતું તો હું કહેતો “નૈયા, મારી ગન લાવ તો!” એ હસતી.

પણ મને પારાવાર પીડા થતી. ફક્ત સો મીટરનો આંટો ન મારવો પડે એના માટે દોઢ બે કિલોમીટર નીચના પેટનાઓ રોંગસાઇડે ચલાવે. વળી એમ જ રોંગસાઇડે ચલાવતાં એની આગળ રોંગસાઇડમાં ચલાવી રહેલા બીજા કોઇને ઓવરટેક કરે. અને એમાં ય પાછો ઘેલસફીનાએ ખભા અને કાન વચાળે મોબાઇલ દાબ્યો હોય.

ત્યારે એમ થાય કે ચાલુ બાઇકે ડાબા હાથમાં ગન રાખી દઇ દઉં એ નપાવટને ભડાકે. તો મારા દેશનો બાયોલોજીકલ વેસ્ટ એટલો ઓછો થાય. સાલો એની માના પેટમાંથી જ પડી ગયો હોત તો સારું થયું હોત.

એ તો એક રિવોલ્વરથી જ થઇ જાય પણ મશીનગન મને યાદ આવી આ રેલ્વેક્રોસિંગ જોઇને. દેશનો બાયોલોજીકલ વેસ્ટ અહીં સહુથી વધુ ભેગો થાય છે એટલે કામ અહીં સહેલું પડે. અક્ષયપાત્ર જેવી મશીનગન હોય અને કોઇ પૂછવાવાળું ન હોય તો હુકૂમતના ધર્મેન્દ્રની જેમ બધાને સાફ કરી નાંખું એવું મન થયું. ખબર છે કે આધ્યાત્મિક માર્ગ પર આવી કલ્પના કરવી એ ય આપણા ખાતે બાંધવાનું એક દુષ્કર્મ જ છે તો ય શું કરીયે! જ્યાં લગી આ બધા જીવતા છે ત્યાં સુધી મારો દેશ નહીં થઇ શકે સમૃદ્ધ, નહીં થાય સફળ, કે નહીં થાય સુખી.

ખરેખરતો રાષ્ટ્ર માટે મનસા, વાચા, કે કર્મણા કર્મો કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવાં સંગઠનોએ બીજું બધું પડતું મૂકી રાષ્ટ્રની જે સાચી સમસ્યાઓ છે એના પર કામ કરવાની જરૂર છે. સંઘ એ કરી જ રહ્યો હતો પણ ભાજપે આવીને પત્તર ખાંડી નાંખી. અભિયાન ખોરંભે પડી ગયું. જાગૃત અને સ્વયંશિસ્તબદ્ધ પ્રજાને નહીં હોય કટ્ટર ઇસ્લામનો ભય, કે નહીં હોય દેશને વિદેશી કંપનીઓ કે સત્તાઓનો ભય. એ સિવાય બધું ફીફાં ખાંડવા જેવું જ છે.

બ્રિટનમાં ક્રોસિંગ પર એક પણ અટેન્ડન્ટ નથી હોતા. ઓટોમેટિકલી ઓપરેટેડ બેરીયરના નામે પોલિમરનો એક દાંડો ક્રોસિંગ તરફ જવાની દિશામાં જ હોય છે (અને ક્યાંક તો એ પણ નહીં. ફક્ત ચાલુબંધ થઇ રહેલી બે લાઇટો જ). સામેની લેન સાવ ખુલ્લી. માણસ ધારે તો આખી બસ રોંગસાઇડેથી ક્રોસિંગમાં પ્રવેશી સામી બાજુ રોંગસાઇડે કાઢી શકે. પણ શક્ય છે કે કોઇ રોંગ સાઇડે જાય! સાડા બાર વર્ષમાં મેં તો નથી જોયું. અપવાદો હશે જ. ખાસ કરીને ખાસ પ્રકારના યુવાન અણસમજુ પેડેસ્ટ્રીયન્સ. પણ એ સિવાય નહીં. અરે એક જ અલાર્મ વાગતાં નેવું હજાર પ્રેક્ષકો આખું વેમ્બલી સ્ટેડીયમ સહેજ પર ધક્કામુક્કી કર્યા વિના દસ મિનીટમાં ખાલી કરી નાંખે છે એ શું શિસ્ત વગર શક્ય છે? (વેમ્બલી સ્ટેડિયમ ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન પર તમારા આ દોસ્તે ૨૦૦૬માં કામ કરેલું છે. ઉદ્ઘાટન પહેલાં ડ્રીલ તરીકે ૭૫,૦૦૦ માણસોને દસ મિનિટમાં બહાર કાઢેલા છે ત્યારે હું ત્યાં હતો).

ગામમાં પ્રવેશીયે કે એક બોર્ડ ચીતરી મારેલું દેખાય કે હિન્દુરાષ્ટ્રના કર્ણાવતી નગરમાં બજરંગદળ આપનું સ્વાગત કરે છે. એ બધા વારતહેવારે હાકોટા અને પડકારા (અને એનાથી વિશેષ કશું નહીં) કરવા વાળાઓ આવા ક્રોસિંગ પર ઉભા રહી લોકોને રોંગસાઇડમાં આવતા કેમ નથી રોકતા? જાણે હિન્દુરાષ્ટ્રના કર્ણાવતી નગરમાં આ તો કોઇ સમસ્યા જ નથી.

સાલું મરો મારા જેવાઓનો થાય છે. જે આવી વાતો કરીને સંઘવાળાઓમાં ય અળખામણા થાય અને જયારે કહેવા જેવું હોય છે ત્યારે સંઘના પક્ષે પણ કાંઇક કહીએ એટલે સંઘવિરોધીઓમાં ય અળખામણા થાય.

અને જો તમે ક્યારેય ક્રોસિંગ પર સામી બાજુ જાવ છો કે રોંગસાઇડમાં ચલાવો છો તો યાદ રાખજો કે તમે સામેથી આવતા વાહનને નહીં, દેશની સમૃદ્ધિ, સફળતા, અને સુખને અવરોધી રહ્યા છો

– પ્રહલાદભાઈ જોશી

Leave a Reply

error: Content is protected !!