શેઠની શિખામણ ઝાંપા સુધી – આ કહેવત પાછળની વાર્તા વાંચવા જેવી છે

એ વખતે ભારત પર મુસ્લિમ બાદશાહોનું શાસન હતું.ગુજરાતના કોઇ એક નગરમાં એક ધનવાન શેઠ રહે.હિરા,મોતી,સોના-ચાંદી જેવાં ઝવેરાત અને ઘરેણાંનો ધીકતો ધંધો કરે.પૈસાની રેલમછેલ કહો તોય ચાલે.શેઠની પ્રતિષ્ઠા તો એટલી કે ઠેઠ દિલ્હીના દરબારમાં તેના રોલા પડે.

એ શેઠની પેઢીમાં એક મુનીમ હતો.શેઠ તેમને અગત્યની લેવડ-દેવડના કામ સોંપે.એક વખત હિરા-ઝવેરાતની ખરીદી કરવા શેઠે મુનીમને દિલ્હી જવા કહ્યું.મુનીમ તૈયાર થયો.શેઠે જતી વેળાં સલાહ આપી કે ઝવેરીની પાસેથી ઝવેરાત લેતી વખતે બધી ઝવેરાતને પુરેપુરી પરખીને જ લેજો.

મુનીમે કહ્યું – “હા.શેઠની શિખામણ ઝાંપા સુધી.”

શેઠ સમસમી ગયાં.આ દોઢ ફુટીયો ને ત્રણ દોકડાનો મુનીમ સમજે છે શું એના મનમાં ? મારી શિખામણ ઝાંપા સુધી જ યાદ રાખવાની ? મારું આવું અપમાન ! જોઇ લે બચ્ચાં હવે મારો ખેલ.તને ઘાણીએ ઘાલીને તેલ ન કઢાવું તો મારું નામ હિરાચંદ નહિ.”

શેઠે તખ્તો તૈયાર કર્યો.એક માણસને મોકલી વાળંદની દુકાનેથી નકામા વાળની પોટલી ભરીને મંગાવી.એ પોટલી ફરતે સોનેરી કિનખાબનું કવર ચડાવ્યું.પછી બહાર ટાંકાં લઇ વિવિધ ભાત પાડી અને ખોખાંને એકદમ સુંદર બનાવ્યું.પછી આ વાતથી અજાણ મુનીમને એ બોક્સ આપતા બોલ્યાં – “દિલ્હી દરબારમાં બાદશાહ સલામતને મારા તરફથી આ ભેંટ આપજો.”

મુનીમ દિલ્હી આવ્યો.ઇધર-ઉધર ઘુમ્યા બાદ બાદશાહના દરબારમાં ગયો.હકડેઠઠ દરબાર ભરાયેલો.આલિશાન સિંહાસન પર બાદશાહ બેઠેલા.મુનીમે કુરનીશ બજાવી અને કહ્યું – “બાદશાહ સલામત ! હું ગુર્જરદેશના હિરાચંદ શેઠનો મુનીમ આપના માટે શેઠે મોકલેલ ભેટ લઇને આવ્યો છું.મારી અરજ છે કે બાદશાહ સલામત આ ભેંટનો સ્વીકાર કરે.”

બાદશાહે પોતાના પરિચારકને આજ્ઞા કરી.પરિચારકે ભેંટ પરનું કિનખાબનું કવર ઉખેડ્યું.અંદરથી નકામા,સળી ગયેલા,ઉકરડે ફેંકવા યોગ્ય વાળનો ગુચ્છો નીકળ્યો.બાદશાહે આ જોયું.તેનું પુરી રીતે ફટકી ગયું.આંખો લાલઘુમ બની અને ભમ્મરો કાનની બુટને આંટી દઇ ગઇ.” ઇસ કાફર કો અભી કે અભી ફાંસી પર લટકા દો….અભી કે અભી.ઇસ કુત્તેને હિંદોસ્તા કે શહેનશાહ કા અપમાન કીયા હૈ.ઇસ કે શબ કો દિલ્હી કી ગલીઓમે કુત્તે કે લીયે છોડ દેના.”

ખલ્લાસ ! હુકમ છુટ્યો.મુનીમને તત્કાળ ફાંસીના માંચડા સામે ઉભો રખાયો.ત્યારે મુનીમે પોતાની છેલ્લી ઇચ્છા બાદશાહ સમક્ષ વ્યક્ત કરી – “જહાંપનાહ ! આપ ભલે મને મારી નાખો પણ મારી લાશ સાથે પેલાં ભેંટમાં આપેલા થોડા વાળ પણ મુકજો.અને બાકીના મારા ઘરે મારા સંતાનોને પહોંચાડી દેજો.”

બાદશાહને કુતુહલ થયું.આ મુનીમ સડેલ વાળને આટલું બધું મહત્વ કેમ આપે છે ? નક્કી આમાં કોઇ ભેદ હોવો જોઇએ.”

“અચ્છા યે બતા કી યે બાલમેં ઐસા ક્યા હૈ ? ”

મુનીમે જવાબ આપ્યો – “જહાંપનાહ ! તમને શું લાગે છે ? તમારી પાસે ધન-દોલતની ક્યાં કમી છે કે મારા શેઠ તમને ધન-દોલત મોકલે ! એ માટે તો એણે આ વિશિષ્ટ ભેંટ મોકલી છે.અરે જહાંપનાહ ! ગિરનારની પરકમ્મામાં વર્ષોના વર્ષો સુધી રખડી-રઝળી,કાંઇક કેટલાય જોગંદર બાવાઓના દર્શન કરીને એ બધાં સિધ્ધ પુરુષોની દાઢીનો એક-એક વાળ લઇને ભેગાં કરેલા તે આ વાળ છે ! આ કોઇ સામાન્ય થુંથલા નથી મહારાજ ! શેઠને ઘરે દોલતની જે નદીઓ વહે છે તે આ વાળનો જ પ્રતાપ છે.માટે તો શેઠે આપને તેની ભેંટ મોકલી છે ને એક તમે છો જે આવી અણમોલ ભેટ લઇ આવનારને ગળે ગાળિયો નાખો છો.”

બાદશાહની ખુશીનો પાર ન રહ્યો.તેણે મુનીમને ગળે લગાવ્યો.તેની સરભરા કરવામાં કાંઇ બાકી ન રાખી.તેણે શેઠ પર લાગતો બધો જકાતવેરો દુર કર્યો.ઉલટાનાં હિરા-ઝવેરાત આપ્યાં.અને પુરેપુરી વ્યવસ્થા કરી મુનીમને રવાના કર્યો.આ બાજુ શેઠને પણ ઉડતા વાવડ મળ્યાં કે શહેનશાહ-એ-હિંદને ઉલ્લુ રમાડીને મુનીમ આવે છે.જકાતવેરો દુર થવાથી શેઠને વર્ષનો પચાસ હજાર જેટલો ફાયદો થવાનો હતો.

શેઠ ગામના ઝાંપે મુનીમને આવકારવા દોડી ગયાં.મુનીમને ભેટી પડ્યાં અને કહ્યું – “મુનીમશ્રી ! તમારી વાત સાચી હતી.શેઠની શિખામણ ઝાંપા સુધી જ યાદ રાખવાની હોય.બહાર જઇએ પછી પોતાનું ધાર્યુ કર્યે જ સફળ થવાય.બીજાની સલાહ કામ ન આવે.”

આમ,તે દિવસની કહેવત પડી છે કે – “શેઠની શિખામણ ઝાંપા સુધી.”

– Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!