પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ ની ઉત્પતીથી લઈને ગઝનીએ લુંટ્યા સુધીની વાતો – એક ક્લિક પર

એ વાતને તો હજારો વર્ષો થઇ ચુક્યા છે.દક્ષ પ્રજાપતિને સત્યાવીશ કન્યાઓ હતી.આ બધી પુત્રીઓ તેણે ચંદ્ર નામના રાજવીને પરણાવેલી.જેમાંની એક કન્યા એટલે – રોહિણી. ચંદ્ર પોતાની બીજી પત્નીઓ કરતાં રોહિણીને વધુ ચાહતો.કારણ રોહિણીમાં એવા સંસ્કાર હતાં, સ્નેહ હતો. સૌંદર્ય માત્રથી કાંઇ નથી થતું પણ એને અનુરૂપ સંસ્કાર જ્યારે મળે ત્યારે એ સૌંદર્ય પ્રગટી ઉઠે છે ! આથી ચંદ્ર રોહિણીને ખુબ ચાહતો.

વખત જતાં ચંદ્રની બીજી પત્નીઓને આની ઇર્ષ્યા થઇ.તેણે દક્ષ પ્રજાપતિ પાસે જઇને ફરીયાદ કરી.દક્ષ પ્રજાપતિએ ચંદ્રને આવું ન કરવા કહેવડાવ્યું.( અલ્ટિમેટમ આપ્યું. ) પણ ચંદ્ર પર દક્ષના ‘અલ્ટિમેટમ’ની કોઇ અસર ના થઇ. તે તો બીજી પત્નીઓ કરતાં રોહિણીને જ વધુ પ્રેમ કરતો.

હવે,તેમની બીજી પત્નીઓ ફરીવાર દક્ષ પ્રજાપતિ પાસે ગઇ.તેમની વાત સાંભળી તેઓ ક્રોધથી ધુંધવાતા ચંદ્ર પાસે આવ્યાં અને શ્રાપ આપ્યો – ” ચંદ્ર ! તું રોહિણીના વિલાસીત પ્રેમમાં અંધ બની મારી બીજી પુત્રીઓને અન્યાય કરી રહ્યો છે, માટે હું તને શ્રાપ આપું છું કે તારો ઉત્તરોત્તર ક્ષય થાઓ. તારૂ શરીર દિવસોદિવસ ક્ષીણ થતું જશે.”

ચંદ્રનું શરીર શ્રાપની અસરરૂપે કાયમ નબળું પડવા લાગ્યું. હવે તેણે રોહિણીની સાથે પ્રભાસ પાટણના સમુદ્રકિનારે જગતનાથ શિવનું અઘોર તપ આદર્યું. આખરે દુનિયાની ગમે તેવી મુશ્કેલીનો એકમાત્ર ઉકેલ તો ‘શિવ’ જ છે ને ! શિવ પ્રસન્ન થયાં અને તેણે ચંદ્રને કહ્યું – ” વત્સ ! હું પ્રજાપતીના શાપનો સંપૂર્ણપણે તો નાશ કરી શકું તેમ નથી પણ હું તને વરદાન આપું છું કે મહિનાના પ્રથમ પંદર દિવસ તારૂ શરીર વધતું રહેશે અને બાકીના પંદર દિવસ તારૂ શરીર ક્ષય પામશે.” અને શિવે આકાશમાં સોળે કળાએ પ્રકાશતા એક ‘અવકાશી ગોળા’ સામે જોઇને મંદ સ્મિત ફેંક્યું – ” પૃથ્વીને અજવાળતાં આ અવકાશી ગોળાની જેમ. ”

ચંદ્રએ એ સ્થળે જ ભગવાન શિવનું મંદિર બાંધ્યું અને તેમાં ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયાં. દુનિયામાં આ ભગવાન શિવનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ હતું, જે “સોમનાથ” તરીકે ઓળખાયું.

આ અદ્ભુત ઘટનાને સદાય યાદ રહે એ માટે ત્યારના સમજદાર લોકોએ પૃથ્વીને પ્રકાશિત કરતાં ગોળાને ‘ચંદ્ર’ નામ આપ્યું.અને અવકાશના બીજા સત્તાવીશ નક્ષત્રોને રોહિણી સહિત બધી રાણીઓના નામ આપ્યાં.

ગઝની આવ્યો તે પહેલાં સોમનાથની ભવ્યતા કેવી હતી ?

કહેવાય છે કે ૧૦૦૦ નર્તકીઓ મહાદેવના આરાધના નૃત્ય માટે દરરોજ નૃત્ય કરતી, ભાવિક ભક્તોના મુંડન માટે ૩૦૦ વાળંદો હતાં, આસપાસના દસ હજાર ગામની આવક સોમનાથને મળતી.

શિવલિંગને ગંગાજળથી અભિષેક કરાવવા કાયમ પ્રયાગથી ગંગા નદીનું પાણી લવાતું અને આ માટે કાવડિઆનોની હારોની હારો સતત જતી-આવતી રહેતી, ગઝનીની પિશાચી સેનામાં અલબિરૂની પણ હતો.સોમનાથની ભવ્યતાનું વર્ણન તેણે નજરે જોયેલ શબ્દોમાં કર્યું છે.

ગઝની પોતાની સાથે ૩૦,૦૦૦ ઊંટ અને બીજું અસંખ્ય પાયદળ લઇને આવેલો, સોમનાથ માંથી તે જેટલી લુંટ કરી ગયો તેની કિંમત હજી સુધી કોઇ આંકી શક્યું નથી. બુધ્ધિજીવીઓ એમ કહે છે કે તે માત્ર લુંટ કરવા આવેલો.જો કે આ વાત સદંતર ખોટી છે.કારણ એનો આશય માત્ર લુંટ કરવાનો નહોતો.જગત પર ઇસ્લામની ધાક સ્થાપવાનો હતો. એને હિંદુ ધર્મ પ્રત્યે એલર્જી હતી. એમ ના હોય તો એ ભાવિક ભક્તોની બધું આપી દઇશું પણ મંદિર ના તોડો એ વિનંતી ઠુકરાવીને મંદિરને નષ્ટ શા માટે કરે ? અને આ રહ્યું બીજું પ્રમાણ – તેણે પોતાની લુંટના માલમાં શિવલિંગના કટકા પણ ભર્યા હતાં અને જગજાહેર વાત છે કે તે ટુકડા ગઝનીની જામા મસ્જીદના પગથિયામાં જડાવ્યા હતાં ! આ બધું શા માટે ? દિવા જેવું ચોખ્ખું છે કે એનો ઉદ્દેશ્ય માત્ર લુંટ કરવાનો નહોતો…..ધર્મને ભાંગવાનો પણ હતો.

ગઝની એ ભારત પર ૧૭ વખત ચડાઇ કરી છે.બધી ચડાઇમાં તેણે પુષ્કળ લુંટ ઉપરાંત મંદિરોના ભુક્કા કાઢ્યા છે અને લાખો નિર્દોષ લોકોના જીવ લીધા છે, એકલા સોમનાથમાં તેણે ૫૦,૦૦૦ હજાર નિર્દોષોને માર્યા હતાં. દુર્ભાગ્ય એ વાતનું કે સોમનાથના રક્ષણ માટે કોઇ કિલ્લો નહોતો ! અને નહોતો કોઇ રાજવી તેનો સામનો કરવા માટે…..હતું કોણ ? પુજારીઓ,બાળકો,સ્ત્રીઓ,ડોસાઓ……પારધીના બાણ વારવાને પારેવડાં ભેગાં થયાં….. !! પારેવડાં બિચારા શું કરે ? રાક્ષસ ધમરોળીને ચાલ્યો ગયો.એના ગયાં પછી ભીમદેવ મહારાજે ફરી મંદિર બંધાવ્યું,પણ એની અસલ ચમક નો’તી. એના પછી તો ઝફર,ઉલુઘ અને ઔરંગઝેબ ત્રાટક્યાં.હેવાયા થઇ ગયેલા ને ! મંદિરની દશા બગાડી નાખી.

સોનાનો ઉગ્યો એક દિ’ ઉગ્યો.આઝાદી પછી સરદાર પટેલ “મહાત્મા” સોમનાથ આવ્યાં અને જોયું તો ત્યાં પાણાંની પડી ગયેલ ભીતો હતી….ઝાડી-ઝાખરાં ઉગી ગયેલાં.સરદાર રીતસર રોઇ પડ્યાં.અને એ ક્ષણે મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો.પાસેની મસ્જીદ દુર કરાવી અને થોડે છેટે ઊભી કરી. પછી સોમનાથ બન્યું. ડો.રાજેન્દ્રપ્રસાદે પ્રાણપ્રતિષ્ઠા કરી. વડાપ્રધાન નહેરૂએ ચોખ્ખી ના પાડેલી કે રાષ્ટ્રપતિ તરીકે તમારે કોઇ ધર્મ સાથે ના સંડોવાવું. [ એની ક્યાં વાત કરો.નહેરૂએ તો મંદિર બનવા સામે જ વાંધો ઉઠાવેલો.પણ બિચારા પંડિતજીનું સરદાર સામે ના ચાલ્યું. ] પણ રાજેન્દ્રપ્રસાદના મતે રાષ્ટ્રપતિ બનવાથી હિંદુ મટી જવાય એવું નહોતું.”દેશનો વડો બનવાથી હું હિંદુ નથી મટી જતો.”અને પરિણામે નહેરૂ સાથેના સબંધો હંમેશા બગડ્યાં !!

આ એજ સોમનાથ અડિખમ ઊભું છે, કોઇ ઝનુનીના લેશમાત્ર ડર વિના.કાયમ લાખો ભાવિકો ઉમટે છે એ મહાકાલના દર્શને. મહામૃત્યુંજયનો જાપ સાગરના નીર સાથે અનંતમાં વહે છે.પરમતત્વને પામવાના નાદ ગુંજે છે – ” હર હર મહાદેવ. ”

– Kaushal Barad

Leave a Reply

error: Content is protected !!