આજે એક દિવસ માટે હું મમ્મી બન્યો – દરેક મમ્મી માટે એક અનોખી ગીફ્ટ

આજે એક દિવસ માટે હું મમ્મી બન્યો,
જાણે કોઈ પ્રેસિડન્ટનો હોદ્દો મળ્યો….આજે એક દિવસ માટે

શ્રીમતીને કીધું આજે તમે કરો જરા આરામ,
એમ કહી હાથમાં સત્તાનો દોર લીધો,
અત્યાર સુધી પેવિલિયનમાં બેસી કોમેન્ટરી કરતો,
આજે હું સચિન તેંડુલકર બન્યો….આજે એક દિવસ માટે

સવારે બરોબર સાડા પાંચે ઘડિયાળનો કૂકડો બોલ્યો,
જેમ તેમ કુકડાનું મોઢું બંધ કરી પથારીમાંથી માર્યો ધક્કો,
હજુ તો બ્રશ મોઢામાં નાખી ફોન જોતો હતો,
ત્યાં રસોડાની ઘડિયાળનાં કાંટાએ બાથરૂમનાં દરવાજે માર્યો ટકોરો…..આજે એક દિવસ માટે

રોટલીનો લોટ થયો આળસુ, ચામાં આદુએ કર્યો ડખો,
હિંગ, હળદર, જીરું અને મીઠુ, બધાએ સાથે મળી કર્યો બળવો,
રણસંગ્રામ જેવો રચાયો સવાર સવારમાં તખ્તો,
જેમ તેમ કરી ભર્યો છોકરાંઓનો લંચનો ડબ્બો…….આજે એક દિવસ માટે

આમ તો અમારે છોકરાંઓ પહેલેથી જ ખૂબ ડાહ્યાં,
પણ આજે કદાચ પપ્પાને મમ્મીના રોલમાં જોઈ થોડાં બઘવાયાં,
મરકતાં મરકતાં કર્યો એમણે નાસ્તો અને મેં સ્કુલે રવાના કર્યો કાફલો,
ઘરે આવ્યો તો શ્રીમતી એ પૂછ્યું કે મૂકી હતી છોકરાંઓએ દફ્તરમાં બધી ચોપડીઓ??…….આજે એક દિવસ માટે

બપોર સુધીનાં યુદ્ધમાં આવી ગઈ હતી બેન્ડેજમાં બે આંગળીઓ,
ઉપરનાં રૂમમાં ગયો તો જોઈ સંધાવા માટે રાહ જોતી કપડાંની ઢગલીઓ,
લોન્ડરી કરી, કપડાં સંકેલી, થાકેલો ને રઘવાયેલો આવ્યો નીચે,
ત્યાં સાંજે કર્યું બારીમાં ડોકિયું, ડીનરમાં શું? કરીને ફેંક્યો પથરો…….આજે એક દિવસ માટે

વાંચ્યુંતું કે મહાભારતની લડાઈમાં સાંજે અચૂક યુદ્ધવિરામ થાય,
પણ અહીંયા સાંજ પડે હજારો પ્રશ્નો ઊભા થાય,
માંડ માંડ પડી રાત અને મને થઇ મનમાં હાશ,
કોઈએ સાલું પૂછ્યું પણ નહિ કે આજે કેવો તમારો દિવસ રહ્યો……..આજે એક દિવસ માટે

કેટલી બધી બાબતોને, એ તો ફરજમાં આવે, કહી ક્ષુલ્લક ગણિયે છીએ,
ગાડીનાં આગળનાં પૈડાની સાથે પાછલાં પણ ઘસાય છે એ અવગણીએ છીએ,
ચાર દીવાલોથી ભલે બનતા મોટાં મોટાં ઘરના ઢાંચાઓ,
પણ ઘર ત્યારે જ બને કે જયારે બેવ હાથે છાપરાં પકડી ઊભી હોય મમ્મીઓ…….

આજે માત્ર એક જ દિવસ માટે હું મમ્મી બન્યો…..!!!

– શ્વાસ (મુકુર માંકડ)

Leave a Reply

error: Content is protected !!