ઝુંપડામાંથી સરકારી સહાય દ્રારા IAS બનેલ યુવકની સફળતાની રોમાંચક સફર

વર્ષ 1990 સુધી પરિવાર સાથે ઝૂંપડામાં રહેલા વિજય નેહરાનો જન્મ 6 જુલાઇ 1975 ના રોજ ગામ સિહોત છોટી, સીકર, રાજસ્થાનમાં થયો હતો. તેઓ રાજસ્થાનમાં સીકર જિલ્લાના એક ખૂબ જ સામાન્ય જાટ પરિવારમાંથી આવે છે. તેમના પિતા આર્મીમાં જવાન હતા. શ્રી વિજય નેહરાએ સરકારી શાળામાં શિષ્યવૃત્તિ મેળવી આઈ.એ.એસ. સુધીનો અભ્યાસ કર્યો છે.

વિજય નેહરાનાં પિતાનું નામ રામચંદ્ર નેહરા અને માતાનું નામ ચાવનીદેવી છે. વિજયને બે ભાઈ અને ત્રણ બહેનો છે. તેઓ ચોથા ધોરણમાં ભણતાં હતાં ત્યારે રાજીવ ગાંધી ટેલેન્ટ સર્ચ એક્ઝામ આપી હતી. ત્યાર બાદ પાંચમાં ધોરણથી બિરલા પબ્લિક સ્કુલ-પીલાનીમાં સરકારી ખર્ચે તેમને ભણવાનો મોકો મળ્યો હતો. ધોરણ 12 પછી IIT ની એન્ટરન્સ એક્ઝામ પાસ કરી મુંબઈમાં એડમિશન લીધુ. સરકારી સહાયથી ભણીને ઈન્ફોસીસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ પણ મળી હતી. જોબની સાથે-સાથે તેમણે UPSC ની તૈયારીઓ શરૂ કરી. ગણિત અને રસાયણશાસ્ત્ર વિષય સાથે UPSC ની પરીક્ષામાં પ્રથમ ટ્રાયલે જ નેશનલ લેવલે 70માં રેન્ક સાથે વિજય નેહરા પાસ થયા હતા. UPSC ની પરીક્ષા પાસ કર્યા પછી એમને ગુજરાત કેડર ફાળવવામાં આવ્યુ હતુ. તેમણે ઈન્ટરવ્યુમાં 300 માંથી 210 માર્કસ મેળવ્યા હતાં.

ગુજરાતમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી

સ્કોલરશીપની મદદથી ભણી-ગણીને IAS બનેલ શ્રી વિજય નેહરાએ રાજકોટના  મ્યુનિ. કમિશ્નર તરીકે ઉમદા કાર્ય કરેલ છે તદુપરાંત વડોદરા અને અમદાવાદમાં કલેકટર તરીકે તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના સંયુકત સચિવ તરીકે કાર્યભાર સંભાળેલ. વિજય નેહરાએ ભરૂચ અને હિંમતનગરમાં આસિસ્ટન કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી હતી તેમજ ઈન્દીરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હેઠળ 12000 વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરતા 2009 માં શ્રેષ્ઠ કલેકટર એવોર્ડ મેળવ્યો છે.

શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ
શ્રી વિજયએ વિચાર્યું હતુ કે, સરકારે મારા માટે ઘણું કર્યું છે એટલે સિવિલ સર્વિસ પાસ કરી દેશ હિતનાં કાર્યો કરી ઋણ ચૂકવવું. આ બધાં પુરસ્કારો એમના દેશ સેવા માટેના આ વિચારની સાક્ષી પુરે છે.

●  મસુરીના લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એકેડેમી તાલીમ લઇ જ્યારે તેમણે ‘મેનેજમેન્ટ અને બિહેવિયરલ સાયન્સ’ અને ‘કાયદો’માં સૌથી વધુ ગુણ માટે નિયામક ગોલ્ડ મેડલ મળ્યો હતો.
● બે વખત બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ
● ચૂંટણીપંચે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ રાષ્ટ્રપતિનાં હસ્તે અપાવ્યો હતો.

શ્રી વિજયનું પરિવાર

હાલ, GSRTC માં મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ શ્રી વિજયનાં બે સંતાનોમાં દિકરી અનાયા અને પુત્ર આર્યન છે. વિજયની પત્નીનું નામ સુમન છે, તેણીએ પણ M.ed, M.phil સુધી અભ્યાસ કર્યો છે. નેહરા પરિવારને સ્પોર્ટ્સમાં ઘણો રસ છે. પુત્ર આર્યન સ્વીમીંગમાં સ્ટેટ લેવલે ચેમ્પિયન બન્યો છે. વિજય અને તેમની પત્નીએ મેરેથોન દોડમાં પણ ભાગ લીધો હતો.

મિત્રો, ખરેખર સફળ થવા માટે પૈસાની નહીં પણ પરિશ્રમ અને આત્મવિશ્વાસની જરૂર હોય છે. મક્કમ મનોબળ અને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં તકનું સર્જન કરનાર લોકો જ મહાન બની શકે છે.

कोई भी महान व्यक्ति अवसरों की कमी के बारे में शिकायत नहीं करता.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!