દુનિયાના સૌથી મહાન શિષ્ય એકલવ્ય વિષે જાણવા જેવી રહસ્યમય અને અદ્ભુત વાતો

મહાભારતમાં કેટલાક મહાન ધનુર્ધર હતાં પણ તેમાંથી શ્રેષ્ઠ કોણ હતું તે કહેવું મુશ્કેલ છે. તે ધનુર્ધરો પૈકી એક હતો એકલવ્ય. કેટલાક લોકો માને છે કે એકલવ્ય શૂદ્ર હતો આ કારણથી ગુરુ દ્રોણે તેને શિક્ષા આપવાનો ઈન્કાર કર્યો હતો પણ આ વાત સત્ય નથી. એકલવ્ય એ પોતાનો અંગુઠો ગુરૂ દ્રોણને ગુરુ દક્ષિણારૂપે આપ્યો ન હોત તો તેનું નામ ભૂલાઈ જાત.

આજે જાણો કોણ હતો એકલવ્ય ? કયા કારણથી ગુરૂ દ્રોણે તેને શિક્ષા ન આપી હતી ? કોણે તેનું વધ કર્યું હતું ?

એકલવ્યનાં જાણવા જેવા રહસ્યો

1) એકલવ્ય શ્રીકૃષ્ણનાં કાકાનો પુત્ર હતો જેને નાનપણમાં જ જ્યોતિષના આધારે વનવાસી ભીલ રાજા નીષાદરાજને સોંપી દેવામાં આવ્યો હતો.

2) એકલવ્ય આદિવાસી કે ભીલ નહતો પણ રાજ પુત્ર હતો. એનું સાચું નામ અભિદ્યુમન હતુ શસ્ત્રવિદ્યા અને અભ્યાસ શીખવામાં ચપળ અને એકાગ્ર હોવાથી ગુરૂજીએ એનું નામ એકલવ્ય રાખ્યું હતુ.

3) એકલવ્યનો આત્મવિશ્વાસ અને ધનુષ બાણ શીખવાની તેની ઈચ્છા જોઈને પુલક મુનીએ એકલવ્યનાં પિતાને કહ્યું કે, એકલવ્યને ધનુર્વિદ્યા શીખવા માટે ગુરૂ દ્રોણાચાર્ય પાસે મોકલો.

4) જ્યારે એકલવ્ય શિક્ષા માટે ગુરૂ દ્રોણ પાસે ગયો ત્યારે તેમણે એકલવ્યને કહ્યું કે, હું મારા વચનથી બંધાયેલ છું. મેં ભીષ્મ પિતામહને વચન આપેલું છે કે કૌરવવંશનાં રાજકુમારોને જ હું શિક્ષા આપી શકુ. એકલવ્ય રાજકુમાર તો હતો પણ કૌરવ વંશનો ન હોવાથી ગુરૂ દ્રોણ તેને શિક્ષા ન આપી શક્યા. જો કે, ગુરૂ દ્રોણે ધનુર્વિદ્યા શીખવવાની મનાઇ કરી એમ છતાં એકલવ્ય ત્યાં જ આશ્રમમાં સેવક બની રહેવા લાગ્યો અને ગુરૂ સેવા કરવા લાગ્યો. આ સમય દરમિયાન જ્યારે દ્રોણ બધાં રાજકુમારોને ધુનર વિદ્યા શીખવતા ત્યારે એકલવ્ય દુરથી જ જોતો અને શીખતો પછી એકાંતમાં ધનુર બાણથી અભ્યાસ કરતો. એક દિવસ ગુરૂ દ્રોણનો જ શિષ્ય દૂર્યોધન એકલવ્યને ધનુષ અભ્યાસ કરતા જોઇ ગયો અને બધી જ વાત ગુરૂ દ્રોણને જણાવી તેથી ગુરૂ દ્રોણે એકલવ્યને ઘરે જવા કહ્યું. એકલવ્ય તો પાક્કો નિર્ણય કરીને આવેલો કે ધનુષ વિદ્યા શીખવી છે તેથી આશ્રમમાંથી નીકળીને ઘરે જવાને બદલે જંગલમાં જ આદિવાસી લોકો સાથે રોકાય ગયો અને ગુરૂ દ્રોણની માટીની મૂર્તિ બનાવીને ત્યાં જ ધનુષ વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો.

5) એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમા જતા હતા ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલના રસ્તે એકલો આગળ વધીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોઁચી ગયો.

જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો, એટલે એકલવ્યે તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાત બાણ માર્યા. એ બાણ થી કૂતરો મર્યો પણ નહિ કે ઘાયલ પણ ના થયો. બસ મુંગો બની ગયો. એવી જ અવસ્થામાં એ કૂતરો પાંડવો પાસે આવીને ઉભો રહ્યો ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુદ્ધિ કે સમજ શક્તિ કાઈ કામ ન કરી શકી. આવી કુશળવિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી કે એની કલ્પના પણ નહોતી કરી.

તેઓ આતુરતાપૂર્વક એ શૂરવીરને જોવા જંગલની અંદર ગયા. પણ એકલવ્યનુ બાહ્યરુપ બદલાઈ ગયુ હોવાથી તેને ઓળખી શક્યા નહિ. એકલવ્યએ પોતાની ઓળખાણ આપતા જણાવ્યુ કે ‘હું એકલવ્ય અને દ્રોણાચાર્યનો શિષ્ય છું.’

તેનો પરિચય પામીને તેની પ્રશંસા કરતા-કરતા તેઓ ગુરૂ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોણાચાર્યને ઘણું આશ્ચર્ય થયુ કે ‘મારો એકપણ શિષ્ય આટલો નિપૂણ નથી તો પછી આ કોણ છે? જેને મેં નથી શિખવાડ્યુ છતાંય તે મારો શિષ્ય છે. જ્યારે તેમણે અર્જુનની સામે જોયુ તો એના ચેહરા પરના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશુ વિચાર્યુ અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા.

એકલવ્યએ ગુરૂને ઓળખીને એમના ચરણોમાં પડીને એમનુ વિધિપૂર્વક પૂજન કર્યુ. તેને હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપી, એટલે દ્રોણાચાર્યે કહ્યુ કે, તે મારી મરજી વગર મને ગુરૂ બનાવીને વિદ્યા તો મેળવી લીધી, તો હવે ગુરુદક્ષિણા પણ આપવી પડશે. એકલવ્યે ગુરુદક્ષિણામાં બધું જ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્ય એ એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માંગી લીધો. જમણાં હાથનો અંગૂઠો એટલે એના વગર ધનુર વિદ્યાની કલ્પના જ ના કરી શકાય. એકલવ્ય જો ઈચ્છા રાખત તો એ ના પાડી શકતો હતો, પણ એણે પોતાની વિદ્યાની લાજ રાખીને તરત જ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દીધો. સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણભાવનાને કારણે અમર બની ગયો.

6) અંગૂઠો આપ્યો એ પહેલા ગુરૂ દ્રોણ અને એકલવ્ય વચ્ચે જે વાતચીત થઇ એમાં એકલવ્ય એ જણાવ્યું કે હું જરાસંઘની સેનાનો સેનાપતિ છું. જરાસંઘ એકદમ ક્રૂર, અત્યંત અત્યાચારી અને શ્રીકૃષ્ણનો શત્રુ હતો એણે ઘણાં રાજાને બંદી બનાવ્યા હતાં. એવામાં એકલવ્ય જો જરાસંઘની સેનામાં રહે અને ધનુરવિદ્યાનો ઉપયોગ કરે તો તે માનવ જાતી માટે સંકટ ઉભુ થાય એટલાં માટે ગુરૂ દ્રોણાચાર્યએ અંગૂઠો માંગ્યો હતો. આ સાથે ગુરૂ દ્રોણ એ અર્જુનને આપેલું વચન પણ જળવાઈ રહ્યુ કે, તારા જેવો મહાન ધનુરધારી આખા જગતમાં કોઈ નહીં હોય.

7) અંગૂઠા વગર પણ એકલવ્ય ધનુર વિદ્યામાં પારંગત થયો. આધુનિક તીરંદાજીની પ્રતિયોગીતામાં અંગૂઠાનો ઉપયોગ નથી થતો એટલે એકલવ્યને આધુનિક તીરંદાજીનો જનક ગણવામાં આવે છે.

8)  શ્રીકૃષ્ણ એકલવ્યની પ્રતિભા જોઈને સમજી ગયા હતાં કે, આ યોદ્ધા ભવિષ્યમાં પાંડવો અને તેમની સેના માટે જોખમી સાબીત થઈ શકે તેથી શ્રીકૃષ્ણએ એકલવ્ય સાથે યુદ્ધ કર્યું જેમા એકલવ્યનું મૃત્યું થયુ હતું.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!