પેટની ભૂખને સફળતાની ભૂખમાં બદલી નાખનાર આ ગુજરાતી યુવાનને સલામ

જામનગરના એક પછાત વિસ્તારમાં રહેતા પ્રદિપભાઇ પરમાર નામના એક ભાઇ નાના-નાના કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રદિપભાઇએ એક સપનું જોયેલુ કે હું જે રીતે હેરાન થાવ છું, એવી રીતે મારા દિકરાને હેરાન નથી થવા દેવો. મારે એને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવો છે.

આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવા છતા પ્રદિપભાઇએ દિકરા સુશીલને ભણાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો. ખાનગીશાળાની ફી ભરવી તો ક્યાંથી પોસાય? એટલે સુશીલને સરકારી શાળામાં ભણાવવામાં આવ્યો. સુશીલ પણ મન લગાવીને પિતાના સપનાને સાકાર કરવા મંડી પડ્યો. બીબીએ સુધીનો અભ્યાસ કર્યા પછી હવે એમબીએ કરવાનું હતુ. એમબીએ માટે અમદાવાદની કોલેજમાં સુશીલને એડમીશન મળ્યુ. ફી તો હજુ પણ કદાચ જેમ તેમ કરીને ભરાય જાય પણ રહેવા જમવાના પૈસા ક્યાંથી કાઢવા.

સુશીલના પિતા પ્રદિપભાઇ જામનગરના એક વેપારી પાસે ગયા. આ વેપારી પ્રદિપભાઇને લાઇટર બનાવવાનો કાચો માલ પુરો પાડતા અને પ્રદિપભાઇ આ કાચા માલને એસેમ્બલ કરીને એમાથી લાઇટર બનાવતા જેની એક લાઇટર બનાવવાની 30 પૈસા જેટલી મજૂરી મળતી. પ્રદિપભાઇએ એના શેઠને વિનંતી કરી કે શેઠ મને થોડો વધુ કાચો માલ આપો. મારે ભલે મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડે પણ મારે મારા દિકરાને ભણવા માટે અમદાવાદ મોકલવો છે. મને આ માટે પૈસાની જરુર છે, જો તમે વધારે કામ આપશો તો હું વધુ પૈસા કમાઇ શકીશ અને મારા દિકરાની ફી ભરવા માટે બચત કરી શકીશ.

પોતાના પિતાને બીજા પાસે હાથ જોડીને કરગરતા જોઇ સુશીલને બહુ લાગી આવ્યુ. એમણે ત્યારે જ નિર્ણય કર્યો કે હવે રાત દિવસ મહેનત કરીને મોટા સાહેબ બનવું છે. એવા મોટા સ્થાન પર પહોંચવું છે કે જ્યાં હુ લોકકલ્યાણના કામ કરી શકુ અને આજે મારા પપ્પા જેની સામે હાથ જોડીને ઉભા હતા એવા વેપારીઓ મારી સામે હાથ જોડીને ઉભા હોય.

સુશીલ ભણવા માટે અમદાવાદ ગયો. પિતાની આર્થિક પરિસ્થિતિ જોઇને એમણે એક બીજો નિર્ણય કર્યો કે મારે મારા પિતાજી પર વધુ આર્થિક બોજ નથી નાંખવો. હું મારા અભ્યાસના વર્ષો દરમ્યાન જો માત્ર એક વખત જમુ તો પણ ખર્ચમાં ઘણી બચત થાય. આ છોકરાએ એના એમબીએના અભ્યાસ દરમ્યાન લગભગ 2 વર્ષ સુધી માત્ર એક જ વખત જમીને અભ્યાસ પુરો કર્યો. પેટની ભૂખને એણે સફળતાની ભૂખમાં બદલી નાંખી અને પોતાના સંકલ્પને સાકાર કરવા મંડી પડ્યો.

એમબીએ પુરુ કરીને નાની-મોટી નોકરીઓ કરી પણ સપનું તો મોટા સાહેબ બનવાનું હતુ એટલે એમણે નોકરી કરતા કરતા જીપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ કરી. તાજેતરમાં જીપીએસસીની ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીની પરીક્ષાનું આખરી પરીણામ જાહેર થયુ જેમાં સુશીલ પાસ થયો. સુશીલનું મેરીટ સારુ હોવાથી એને ડેપ્યુટી કલેકટરની પોસ્ટ મળી.

માણસ મનથી કંઇક પ્રાપ્ત કરવાનું નક્કી કરે અને એ માટે પોતાની જાતને હોમી દે તો અપ્રાપ્ય લાગતુ હોય એ પણ પ્રાપ્ત કરી શકાય છે એ સુશીલે સાબિત કરી આપ્યું. નાની ઉંમરે મોટી પદવી પ્રાપ્ત કરનાર સુશીલને અભિનંદન

– શૈલેશ સગપરીયા

શૈલેશભાઈ ના લખેલ તમામ ગુજરાતી પુસ્તકો ખરીદવા અહી ક્લિક કરો અથવા વોટ્સએપ કરો 7405479678

Leave a Reply

error: Content is protected !!