ફૂટલો ઘડો – જીવનમાં હકાતારત્મ્ક વલણ શીખવતી લઘુકથા

કોઈએ મને લખીને પૂછ્યું હતું કે શું આત્મ-વિકાસ એ અંત વગરની તલાશ છે. તેને લખ્યું હતું, “આપણે શું હંમેશા મહેનત જ કરતુ રહેવાનું?” તેનો સંકેત એ હતો કે આપણે જો કાયમ આપણી અંદર વાંક જ શોધતું રહેવાનું હોય, તો પછી આપણે જિંદગીને માણીશું ક્યારે? શું જીવનનો અર્થ હંમેશા ખેચ્યે જવાનો જ છે? આપણે શું હંમેશા સુધરતાં જ રહેવાનું? આના વિષે વિચાર કરવો એ સુંદર વાત છે.

અંગત રીતે હું નથી માનતો કે તમારે હંમેશા કોઈ બીજાની સંપૂર્ણતાની ફ્રેમમાં જ ફીટ થવું જોઈએ. વધુમાં, પૂર્ણતાનું લક્ષ્ય રાખવું એ અંગત પસંદગીની વાત છે, એક વ્યક્તિગત પ્રાથમિકતા. સંપૂર્ણતા એ વ્યક્તિનિષ્ઠ વાત છે; તમારા માટે જે સર્વ-સંપૂર્ણ હોય તે બીજા માટે કદાચ અડધું પણ ન હોય તેવું બને. અહી હેતુ એ દુનિયાનાં શ્રેષ્ઠતાના માપદંડને પરિપૂર્ણ કરવાનો નથી, હેતુ તો છે ખુદના જીવનને કૃપા, આનંદ અને દયાથી ભરવાનો. તે એક ગુણી-જીવનનાં ઘટકો છે જેનાંથી પૂર્ણતા પામી શકાતી હોય છે.

ઘણાં વખત પહેલાં, એક ગરીબ પરંતુ બહુ જ ઉમદા વ્યક્તિ હતો. તેનાં ઘરની નજીક કોઈ પાણીનો સ્રોત નહોતો. માટે રોજ તે નદીકાંઠે બે ઘડા કાવડ બનાવીને ખભા પર ઉચકીને જતો. આ ઘડા ધાતુનાં બનેલાં હતા અને તેમાંનો એક ઘડો છેલ્લાં ત્રણ વર્ષોથી એટલો ઘસાઈ ગયો હતો કે તેમાં એક કાણું બની ગયું હતું. પરિણામે એ એક ઝારી જેવું લાગતું, જેમાંથી ટીપું ટીપું પાણી સતત ટપક્યાં કરતું. બીજો ઘડો જો કે એકદમ બરાબર હતો. રોજ તે માણસ બન્ને ઘડાને કાંઠા સુધી ભરતો અને રોજ ફૂટલો ઘડો ઘરે પહોચતાં સુધીમાં અડધો ખાલી થઇ જતો. ઘરે પહોચ્યાં પછી તે કાળજીપૂર્વક પાણીને માટીના માટલામાં ભરી લેતો.

ફૂટલાં ઘડાને જો કે દુ:ખ થતું. તેને પોતાનાં માલિકને સારી રીતે સેવા આપવાનું મન થતું પણ તે એકદમ લાચાર હતો કારણ કે તેનાંમાં પડેલું કાણું કોઈ રીતે પૂરી શકાય તેમ ન હતું. જે સંપૂર્ણ ઘડો હતો તે આ ફૂટલાં ઘડા સામે તિરસ્કારની નજરે જોતો હતો કારણ કે પોતે પોતાની ઉત્કૃષ્ટતાથી પરિચિત હતો. ઘણી બધી વાર ફૂટલો ઘડો સંપૂર્ણ ઘડાની ઈર્ષ્યા કરતો હતો પણ મોટાભાગે તો તે લાચારી અને હતાશા જ અનુભવતો. તે ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે તે હંમેશા અડધો-ખાલી જ ઘરે પહોંચતો.

એક દિવસ જયારે તેનો માલિક નદી કાંઠે હતો ત્યારે તેને કહ્યું, “ હું ખુબ જ દયાજનક ઘડો છું. હું ખુબ દિલગીર છું કે હું મારું કામ બરાબર નથી કરી શકતો. તમે મને હંમેશા કાંઠા સુધી છલોછલ ભરીને આટલું બધું વજન ઉચકીને છેક ઘર સુધી લઇ જાઓ છો પણ હું તો બીજા સાજા ઘડાની માફક આખો તો ઘરે પહોંચતો જ નથી. મહેરબાની કરીને મને માફ કરો, હું મારા માટે ખુબ જ શરમીંદગી અનુભવું છું. તમને એક નવા ઘડાની જરૂર છે જેમાં મારી જેમ કોઈ કાણું ન હોય. મહેરબાની કરીને મને કંસારાને વેચી દો. અને તેનાં હાથે મારા દયાજનક અને બિનઉપયોગી જીવનનો અંત આવવા દો. તમને પણ રાહત થશે.”

“બિનઉપયોગી?” માણસ એકદમ દયાપૂર્વક બોલ્યો, “કાશ તું જાણતો હોત કે મને તારા માટે કેટલું ગૌરવ છે. દોષ કે ત્રુટી તો કોનામાં નથી હોતી? મારામાં પણ છે. જો મારી પાસે સગવડ હોત તો મેં તને ક્યારનોય સરખો કર્યો હોત જેથી તું આજે જે અનુભવે છે તે ન અનુભવેત. પાછું આપણા દોષોમાં એક દિવ્યતા પણ રહેલી હોય છે. સંપૂર્ણતા એ એક અભિપ્રાયથી વધુ બીજું કશું નથી, મોટાભાગે તો એ અભિમાનથી ભરેલી હોય છે. તને ખબર છે કે તે મને આ સ્થળને સુંદર બનાવવામાં કેટલી મદદ કરી છે? ”
“મેં? મદદ?” ફૂટેલો ઘડો વિસ્મય પામતાં બોલ્યો, “સુંદર બનાવવામાં?”
“હા! આજે ઘેર જઈએ ત્યારે તારી બાજુનાં રસ્તાનું અવલોકન કરજે.”

માણસે ઘર તરફ ચાલવાનું શરુ કર્યું અને ફૂટલાં ઘડાએ જોયું કે રસ્તાની એક તરફ, જે તરફ એ પોતે હતો, ત્યાં ખુબ સુંદર ફૂલો છેક આખા રસ્તે ખીલેલાં હતાં. પતંગિયા તેનાં ઉપર મંડરાયા કરતાં હતા, ભમરા ગુંજી રહ્યા હતાં, અને હવામાં એક ખુશ્બુ ફેલાયેલી હતી.

“થોડા વખત પહેલાં, મેં એક નવી જાતનાં ફૂલનાં બીજ વાવ્યા હતાં. તારી અંદરથી ટપકતાં પાણીમાંથી તે સહેલાઇથી પોષણ મેળવી શકતા હતાં. અને હવે જો! આપણી પાસે જ ખાલી સુંદર ફૂલો નથી, પરંતુ ભમરા તેની પરાગરજને દુર-દુર સુધી લઇ ગયા છે અને આજે ઠેર-ઠેર આવા વધુ ને વધુ ફૂલો ખીલી ગયાં છે. આ ફૂલ મધમાખીને પણ ખુબ આકર્ષે છે અને આજે ગામમાં પહેલાં ક્યારેય નહોતાં એટલાં મધપુડા છે. તારા કહેવાતાં દોષનાં લીધે આજે જે આ સુંદરતા, સુગંધતા અને ઉપયોગીતા અમારી પાસે છે તે શક્ય બની છે.”

આશા રાખું છું કે આ વાર્તા મેં જયારે પહેલી વખત સાંભળી ત્યારે મને જેટલી પસંદ આવી હતી તેટલી જ તમને પણ પસંદ આવી હશે. આપણા દોષોમાં જ સંપૂર્ણતાનાં બીજ રહેલાં હોય છે. કોઈ બીજા જેવા બનવાનું લક્ષ્ય કે કોઈ બીજો કહેવાતો સંપૂર્ણ ઘડો બનવાનું પસંદ કરવા કરતાં તો આપણે આપણી શક્તિઓ અને મર્યાદાઓને કેમ ઉપયોગમાં લેવી તે વધુ મહત્વનું છે. જો તમે તમારી ત્રુટીઓ પ્રત્યે પ્રામાણિક હશો અને તે કઈ રીતે તમારા જીવનમાં એક અર્થનો ઉમેરો કરી શકે તેનાં માટે જો તમે જાગૃત હશો, તો સંભાવનાની એક નવી જ દુનિયા તમારી સામે ખુલી જશે.

એક સંપૂર્ણ ખામી કે સંપૂર્ણ શક્તિ જેવું કશું હોતું નથી, તે હંમેશા સંદર્ભ અને જરૂરિયાતનાં આધારે પોતાનું પાત્ર બદલ્યાં કરે છે. એક મજબુત લાકડી ચાલવા માટેનાં જરૂરી ટેકા માટે ખુબ સારી હોય છે, પણ ધનુષ્ય બનાવવા માટે તમને એક વાંકી લાકડીની જરૂર પડતી હોય છે. એક બાજુનો વિચાર કરતાં જે શક્તિ છે તે જ બીજી બાજુનો વિચાર કરતા એક નબળાઈ પણ હોઈ શકે છે. ગમે તેવું કાણું કેમ ન હોય, તેને પણ એક ભાગ ભજવવાનો હોય છે.

જે છો તે બની રહો.

Leave a Reply

error: Content is protected !!