બ્રહ્મચારિણી નું પૂજન – બીજે નોરતે નવદુર્ગાનું આ સ્વરૂપ આપશે ઈચ્છિત ફળ

નવરાત્રિ પર્વના આ નવ દિવસ દરમિયાન શક્તિપૂજાનુ ખૂબ જ મહત્વ રહેલું છે. નવરાત્રિમાં જો યોગ્ય વિધિવિધાન અનુસાર શક્તિની આરાધના કરવામાં આવે તો ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આજે નવરાત્રિનો બીજો દિવસ એટલે કે બીજુ નોરતું છે. બીજા નોરતે માતાજીએ બ્રહ્મચારિણી સ્વરૂપ ધારણ કર્યું હતું.

નવરાત્રિના બીજા દિવસે જગત જનની મા જગદંબાએ બ્રહ્મચારિણીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરવાવાળાં. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે. બ્રહ્મનું આચરણ કરીને બુદ્ધિશક્તિ તીવ્ર બનાવવા માટે માતા બ્રહ્મચારિણીની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આંતરીક શક્તિને જાગૃત કરીને માનસીક શાંતિ પ્રાપ્ત કરવી હોય તો સાધકે માતા બ્રહ્મચારિણી દેવીની આરાધના કરવી જોઈએ.

માતાજીનું આ સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. માતાજીના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ છે. બ્રહ્મચારિણી દેવી તેમના પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ્યાં હતા. દેવર્ષિ નારદજીના ઉપદેશથી માતાજીએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યા કરવાથી માતાજી તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખાયાં. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે.

માતાજીની ઉપાસના કરવા માટે શાસ્ત્રોમાં ચંડીપાઠ, મહિષાસુર મર્દિની સ્તોત્રમ્, સહિતના ઘણા મંત્રો અને પાઠ છે, કે જેના દ્વારા આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતાજીના નવ સ્વરૂપો માટે પણ અલગઅલગ મંત્રો બતાવવામાં આવ્યાં છે. આસોની નવરાત્રિને મોટી નવરાત્રિ માનવામાં આવે છે, શક્તિ ઉપાસના માટે આ નવરાત્રિને ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન જો યોગ્ય રીતે માતાજીની પૂજાઅર્ચના કરવામાં આવે તો સાધકને ઈચ્છીત ફળની પ્રાપ્તિ થાય છે.

માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટેનો મંત્ર

દધ્યાના કરપદ્માભ્યાં અક્ષમાલા કમંડલુ |

દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ||

નવરાત્રિના બીજા દિવસે આ મંત્રથી જો માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે તો સાધકના જીવનમાં તપ, ત્યાગ, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં આવતા ગમે તેવા સંઘર્ષના સમયમાં મન વિચલિત થતું નથી.

Leave a Reply

error: Content is protected !!