લાઇફ કા ફન્ડા – જયારે બીજાના આંસુ લૂછવાથી અનેરો આનંદ મળે

કબ્રસ્તાનમાં એક કબર પાસે એક છોકરો પોતાનું દફતર બાજુમાં ફેંકી રડી રહ્યો હતો. કબર પર માથું ઊંધું મૂકી તેણે કેટલી વાર સુધી કબર પર પોતાના આંસુઓનો અભિષેક કયોર્. ન જાણે કેટલો સમય તે રડતો રહ્યો. રડતાં-રડતાં આંખો સૂઝી ગઈ. તૂટક-તૂટક અવાજે તે કંઈક બોલી રહ્યો હતો.

વાત એમ હતી કે એ કબર છોકરાના પિતાની હતી. હજી પંદર દિવસ પહેલાં જ અચાનક તેના પિતાનું મૃત્યુ થયું હતું. પિતા અચાનક મૃત્યુ પામતાં તેના અબોધ મનને સંબંધીઓએ સમજાવ્યું કે તારા પિતા અહીં આ કબર નીચે આરામ કરી રહ્યા છે. થાકી ગયા છે એટલે સૂઈ ગયા છે. છોકરાના નાદાન મનને આ વાત સાચી લાગી હતી.

તેથી આજે છોકરો પોતાના પિતાને ઉઠાડવા આવ્યો હતો. રડતા અવાજે પિતાને ફરિયાદ કરી રહ્યો હતો કે ‘પપ્પા, જલદી ઊઠોને. હજી કેટલા દિવસ સૂતા રહેશો? ટીચરે કહ્યું છે કે કાલે સ્કૂલની ફી લઈને આવજે અથવા નહીં આવતો. પપ્પા ઊઠોને.

કાલે તમારે મારી સાથે સ્કૂલમાં આવવું પડશે, નહીં તો મને સ્કૂલમાં ભણવા નહીં આવવા દે. પપ્પા ઊઠોને… પપ્પા ઊઠોને…’

બસ છોકરો રડતો રહ્યો…

કબ્રસ્તાનમાં બાજુની કબર પર એક બિઝનેસમૅન પોતાના પિતાની કબર પર ચાદર ચડાવવા આવ્યા હતા. બિઝનેસમૅન વહેલા આવી ગયા હતા. તેમણે છોકરાની આ બધી વાત સાંભળી…

તેમણે તરત જ ફૂલવાળાને ફોન કરી હજારો રૂપિયાની તાજા ગુલાબની ચાદર બનાવવાની વાત કરી હતી એની ના પાડી અને કહ્યું, ‘ભાઈ, હવે ફૂલોની ચાદરની જરૂર નથી, ફૂલ ચડાવી દીધાં છે.’

બિઝનેસમૅન છોકરા પાસે ગયા, તેની આંખોનાં આંસુ લૂછ્યાં અને તેના હાથમાં પૈસા આપતાં કહ્યું, ‘બેટા, આ લે. તારા પપ્પાએ તારી સ્કૂલ-ફી મોકલી છે.’

છોકરાના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું.

– લાઇફ કા ફન્ડા – હેતા ભૂષણ

Leave a Reply

error: Content is protected !!