દમ લગા કે હઈશાની જાડીપાડી ભૂમિ પેડણેકર થઈ ગઈ પાતળી – ૨૮ કિલો વજન ઉતાર્યું

ભૂમિ પેડણેકરે ‘દમ લગા કે હઈશા’માં પ્લસ સાઇઝ યુવતીનું પાત્ર ભજવ્યું હતું અને તેણે કેવી રીતે વજન ઉતારવું એ માટે સોશ્યલ નેટવર્ક પર કેટલીક માહિતી શૅર કરી છે. આ વિશે ભૂમિએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા વજન ઉતારવા વિશેની મારી પહેલી પોસ્ટ. હું એવી આશા રાખું છું કે તમને એ ગમશે અને તમારા ઉપયોગમાં પણ આવશે.’

‘દમ લગા કે હઈશા’ પહેલાં ભૂમિએ છ વર્ષ સુધી યશરાજ ફિલ્મ્સમાં અસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને તેણે તેના વજન ઉતારવાના સીક્રેટને ફોટો શૅરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતાં લખ્યું હતું કે ‘જ્યારથી મારી ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી લોકો મને એક જ સવાલ કરે છે કે તેં વજન કઈ રીતે ઉતાર્યું? મેં આ વિશે ઘણી વાર જણાવ્યું છે, પરંતુ મને ખબર નહોતી કે તમને આ વિશે વધુ સારી સારી રીતે કેવી રીતે જણાવી શકું. એથી ઘણું વિચાર્યા બાદ મને થયું કે મેં જે રીતે વજન ઉતાર્યું છે એના વિશે થોડી વાતો તમારી સાથે શૅર કરું.’

શરીર માટે વધુ પાણી પીવું એ ખૂબ જ સારી વાત છે એ વિશે ભૂમિએ ઘણું વાંચ્યું છે અને એ વિશે જણાવતાં તે કહે છે, ‘આ એકદમ સાચી વાત છે. પરંતુ આપણે રોજના છથી સાત લીટર પાણી પીવું કેવી રીતે મૅનેજ કરી શકીએ? હું આ મૅનેજ કરી શકું છું અને મારો વિશ્વાસ કરો, પાણી તમારા શરીર માટે જ બન્યું છે. મારે આ હૅબિટને વધુ સારી રીતે બનાવવી હતી અને એ જ સમયે મેં ડિટૉક્સ વૉટર વિશે સાંભળ્યું. એ તમારા શરીરને એકદમ સાફ કરી નાખે છે. લીંબુ તમારા શરીરને ફક્ત સાફ નથી કરતું, ક્ષારયુક્ત પણ બનાવે છે અને એ તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. મિન્ટ તમારી પાચનશક્તિમાં પણ મદદ કરે છે અને એ ખાંડ વગર પણ તમારા પાણીને મીઠું બનાવી દે છે.’

ભૂમિએ કાકડીના ફાયદા વિશે જણાવતાં કહ્યું હતું, ‘કાકડી તમારી ચામડી માટે ખૂબ જ સારી છે. એ તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે અને એનાથી તમને બળતરા સામે પણ રક્ષણ મળે છે. સો વાતની એક વાત કે કાકડી તમારા શરીર માટે સારી છે. મેં ટ્રાય કરેલી ઘણી વસ્તુઓમાંની આ એક છે.’

ડિટૉક્સ વૉટર કઈ રીતે બનાવશો?


એક લીટર પાણીમાં ત્રણ કાકડી, મિન્ટનાં પાંદડાં, ચાર લીંબુ નાખી એને થોડા કલાક માટે ઠંડું કરવા મૂકી દો એટલે તમારું ડિટૉક્સ વૉટર પીવા માટે તૈયાર થઈ જશે.

સૌજન્ય: ગુજરાતી મીડ ડે

Leave a Reply

error: Content is protected !!