દશેરા એટલે દીન, હીન, લાચાર, લાલચી જેવી ભોગ વૃતિને નાથવા માટે કટિબધ્ધ થવાનો દિવસ
ભારતીય સંસ્કૃતિ વૈદિક યુગથી વીરતાની પૂજક રહી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટે તે માટે દશેરા- વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. રાજનીતિ કહે છે કે રાષ્ટ્ર હિત અંગે જો યુધ્ધ અનિવાર્ય જ હોય તો વગર વિલંબે શત્રુઑ પર હુમલો કરવો જોઈએ જેથી શત્રુઓનો પગપેસારો અટકી જાય. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન વિષ્ણુનાં લીધેલા દરેક અવતારોમાં એક એક અસૂરો પર પ્રભુએ વિજય મેળવીને સમાજને દૂષિત થતાં અટકાવ્યો છે. મધ્યકાલીન યુગ પણ પ્રજાપરાયણ અને વીર રાજવીઑ દ્વારા સંસ્કૃતિની રક્ષા કરી વિજય પતાકા ફરકાવવામાં આવી છે.
આ દિવસ અંગે એમ કહી શકાય કે નવ નવ દિવસ શક્તિની ઉપાસના કર્યા બાદ દશમે દિવસે શત્રુનો સંહાર કરવા શક્તિ પ્રેરે છે. પ્રભુ રામચંદ્રના યુગથી જ વિજયા દશમીનો દિવસ એ વિજયનું પ્રતિક બન્યો છે. ભગવાન રામના પૂર્વજ રઘુ રાજાનો ઇતિહાસ શમી વૃક્ષ સાથે સંકળાયેલ છે. ઇતિહાસ કહે છે કે રઘુ રાજાને ત્યાં કૌત્સ નામનો વ્રતસ્નાતક આશ્રમ માટે ગુરુદક્ષિણાનાં રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લેવા માટે આવ્યો ત્યારે રઘુરાજાએ પોતાનો સમગ્ર ભંડાર દક્ષિણામાં આપી દીધો ત્યારે તે વ્રતસ્નાતકે કહ્યું કે આપનો ભંડાર તો ખાલી થયો રાજન પરંતુ અમારે તો હજુ વધુ ધન જોઈએ છે. વ્રતસ્નાતકની વાત સાંભળીને રઘુરાજાને લાગ્યું કે ઋષિવર શિષ્ય શ્રી આમ હતાશ થઈને વળે તે સારું ન કહેવાય આથી રઘુરાજાએ દેવરાજ કુબેરને આજ્ઞાકારી કે આપની પાસે સંસારનું અખૂટ ધન છે તે આપો પ્રથમ તો કુબેરે ના કહી પરંતુ રઘુરાજા લડવા તૈયાર થયાં ત્યારે કુબેરે વિચાર્યું કે આ વંશમાં તો સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લેવાના છે એ કુળને હું ના કેવી રીતે કહી શકું? ત્યારે દેવરાજ કુબેરે રઘુરાજાના બગીચામાં રહેલ શમીવૃક્ષ પર ધનનો વરસાદ વરસાવ્યો. તે દિવસથી આજ દિવસ સુધી શમીનાં વૃક્ષને ધનના વૃક્ષની માન્યતા મળી છે.
મહારાષ્ટ્રમાં વિજયાદશમીને દિવસે શમી વૃક્ષના પાંદડા વહેંચવાનો રિવાજ રહેલો છે. પાંડવોનો પણ શમીવૃક્ષ સાથે સંબંધ રહેલો છે તેમ ઇતિહાસ જણાવે છે. મહાભારતમાં કહ્યું છે કે દશેરાને દિવસે પાંડુપુત્રોએ શમીના વૃક્ષ પર સંતાડેલા પોતાના આયુધો પાછા મેળવી તેનું પૂજન કર્યું તેમજ પોતાના આયુધોને કુશળતાપૂર્વક સંતાડવા બદલ શમીવૃક્ષનો આભાર માનીને તેનું પૂજન કર્યું હતું. રામાયણમાં કહ્યું છે કે ભગવાન રામચંદ્રએ રાવણને મહાત કરવા આજ દિવસે પ્રસ્થાન કર્યું હતું, મધ્યકાલીન યુગમાં શિવાજી મહારાજે પણ ઔરંગઝેબ સામે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે વિજયાદશમીનો દિવસ પસંદ કર્યો હતો.
આપણે ત્યાં વિજયા દશમીનાં દિવસે ગલગોટાનાં ફૂલોનું તોરણ અને લીંબુ તથા મરચાંનો જૂડો બાંધવામાં આવે છે અને વાહનોનું પૂજન કરવામાં આવે છે. ગલગોટાનું ફૂલ એ એક સમાજનું પ્રતિક છે. ગલગોટામાં અનેક પાંદડીઓ એક જૂથ થઈને ફૂલ સાથે બંધાયેલી છે આ પાંદડીઓ તે વિવિધ સ્વભાવ અને ભાવ ધરાવતી વ્યક્તિઓનું સ્વરૂપ છે. જે એક જૂથ થઈ સમાજને ફૂલ સ્વરૂપે બનાવવામાં મદદ રૂપ થાય છે. આમ ગલગોટાનું ફૂલ એ સમાજ અને સમાજની પ્રત્યેક વ્યક્તિઑ અને તેના કાર્ય રૂપી સુગંધનું પ્રતિક છે. જ્યારે મરચાં અને લીંબુએ બહારથી આવતી નકારાત્મક શક્તિનું દમન કરે છે આથી પોતાના ઘર તરફ આવતી નેગેટિવ એનર્જી ઘરની બહાર રહે તે હેતુથી આપણે ત્યાં ઘરનાં બારણે મરચાં અને લીંબુ પણ બાંધવામાં આવે છે.
જેમ પાંડવોએ પોતાના આયુદ્ધો રૂપી ધનનું પૂજન કર્યું હતું તેમ તેમ સમયાંતરે આયુધો યુગ સાથે બદલાતા રહ્યાં છે. મધ્યકાલીન યુગમાં કોઈ ખેડૂતનું આયુધ બળદ, બળદ ગાડું અને તેના ખેતી કરવાનાં સાધનો હતાં, વણિક લોકોનું સાધન ત્રાજવા અને લક્ષ્મી હતાં તેથી તેઓ તેનું પૂજન કરતાં, લુહાર લોકોનું સાધન એરણ હતું તેથી તેઓ તેનું પૂજન કરતાં, ક્ષત્રિય લોકોનું આયુધ શસ્ત્ર છે તેથી તેઓ તેની પૂજા કરતાં આમ સમાજમાં બદલાતા યુગ સાથે આયુધો બદલાતા રહ્યાં છે. આજનાં યાંત્રિક યુગમાં લોકોનું આયુધ પોતાના ગૃહમાં રહેતા વાહનો છે તેથી તેનું પૂજન થાય છે આને આજ કારણસર વિજયાદશમીને દિવસે નવા વાહનોની ખરીદી પણ કરવામાં આવે છે.
વિજયા દશમી વિષે ઉપનિષદમાં કહ્યું છે કે જેમ દેશ, રાજ્ય, નગર વગેરે પર બાહ્ય શત્રુઓના વિનાશ માટે શારીરિક અને માનસિક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ મનુષ્ય મનની અંદર પણ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, રૂપી ઘણા આંતર શત્રુઑ રહેલા છે. વિજયા દશમીનાં દિવસે તે આંતર શત્રુઓની મનુષ્ય મન પર હાવી થવાની ચાલને સમજી લઈને તેને અટકાવવા જોઈએ અને પોતાના મન પર સદગુણો રૂપી સેના દ્વારા વિજય મેળવવો જોઈએ.
ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સમાજમાં વ્યક્તિઑ રૂપે રહેલ દીન, હીન, લાચાર, લાલચી એવી આપની ભોગ વૃતિને નાથવા માટે મનની સદગુણોરૂપી શક્તિથી કટિબધ્ધ થવાનો દિવસ, એક જૂથ થઈ યોગ્ય સમાજ બનાવવાનો તેમજ તે સમાજને પોતાના કાર્ય રૂપી સુગંધથી મહેંકાવવાનો દિવસ, પરાક્રમને પૂજવાનો દિવસ, મન રૂપી શૌર્યનો શૃંગાર કરવાનો દિવસ અને ભક્તિ શક્તિનું મિલન કરાવતો દિવસ તે વિજયા દશમીનો દિવસ છે.
સૌજન્ય : સાભાર : પૂર્વી મોદી મલકાણ – યુ એસ એ