નાની ઓરડી માં નાસ્તા બનાવીને વેંચતા હતા, આજે ૪૫૦ કરોડની ઓટોમેટિક ફેક્ટરી ના માલિક

આજે ગુજરાતના દરેક ઘરમાં ગોપાલ નમકીનનું નામ ફેમસ છે. ગોપાલનાં ગાંઠિયા, ચણાની દાળ, સેવ, સિંગ, સેવ-મમરા, વિવિધ ફરસાણ વગેરે નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી લોકપ્રિય છે. જોકે આ સફળતા પાછળ ગોપાલ નમકીનનાં માલિક શ્રી બિપીનભાઈ હદવાણીનો સંઘર્ષ અને મહેનત જાણવા જેવા છે.

સફળતા માટે જરૂરી છે શરૂઆત- આ મંત્ર કામ લાગ્યો

મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના વતની એવા બિપીનભાઈ હદવાણી પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા. જેમાં ગ્રાહકની રાહ જોવી પડતી હતી તેથી, ધંધાના વિકાસ માટે બિપીનભાઈએ એક રૂપિયામાં ચવ્વાણુનું પેકેટ બનાવી ગામે-ગામ ફરી વેચાણ શરૂ કર્યું. ત્યારબાદ રાજકોટ આવી પિતરાઈ સાથે રૂ.8500ના રોકાણ સાથે પાર્ટનરશિપમાં ‘ગણેશ’ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો. જેમાં સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા. ધંધો જામી જતા પિતરાઇ ભાઇએ પાર્ટનરશિપ છૂટી કરી ધંધો પોતે સંભાળી લીધો.

બિઝનેસની કરોડરજ્જુ ગણાતા માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ વગર રાજકોટના ઉદ્યોગપતિએ મેળવી સફળતા

ભાગીદારી છૂટી જતા 1994ની સાલમાં પત્ની દક્ષાબેન અને બેન-બનેવીના સપોર્ટથી નાનામવા રોડ પર રાજનગર-4 ખાતે આવેલા રહેણાંકમાં ઝીરો બેલેન્સ સાથે રૂ.12000 નો ચણાનો લોટ (બેસન), તેલ અને મસાલાઓ ઉધાર લાવી ‘ગોપાલ’ બ્રાન્ડ શરૂ કરી. સાઈકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા. માત્ર બે વર્ષમાં ધંધો સેટલ થયો, 4 વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઇ જે સતત ચાલુ રહેતા માત્ર 22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર રૂ.450 કરોડ પર પહોંચાડ્યું.

56 કરોડની મશીનરી માત્ર 6 કરોડમાં ઊભી કરી


ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ સાથે માલની ડિમાન્ડ પણ વધતા મેટોડાની ફેક્ટરીમાં ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ નાખવા નિર્ણય કર્યો હતો અને તેના માટે જાપાનની કંપની પાસે ક્વોટેશન મગાવતા તેમણે રૂ.56 કરોડનું ક્વોટેશન આપ્યું હતું જે મશીનરી બાદમાં જાતે માત્ર રૂ.6 કરોડમાં બનાવી હતી. આજે રોજનું 30 ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતી મશીનરીની સાથે ગોપાલ નમકીનનાં પ્લાન્ટમાં પ્રિન્ટિંગ અને પેકેજીન્ગ યુનિટ પણ છે.

પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ
પુનઃપ્રાપ્ય ઉર્જા માટે ગોપાલ નમકીનનાં પ્લાન્ટમાં સોલાર પેનલ અને બાયોગેસ પ્લાન્ટ દ્રારા પ્રદુષણ રહિત ઉર્જાનું ઉત્પાદન પણ થાય છે. તૈયાર માલનાં સંગ્રહ માટે એક વેરહાઉસ પણ બનાવવામાં આવ્યુ છે.

આજે 1200 કર્મચારીઓનો સ્ટાફ


રાજકોટની મેટોડાની જી.આઈ.ડી.સી.ની ફેક્ટરીમાં આજે 1200 કર્મચારીઓનો સ્ટાફ છે. પ્લાન્ટની સાથે ફરસાણ અને માલ-સામાનની હેરફેર માટે 100 થી વધારે ટ્રક છે અને સાથે એક ઓટોમોબાઇલ વર્કશોપ પણ છે.

પિતાનો સિધ્ધાંત જાળવી રાખ્યો
બિપીનભાઇ કહે છે, મારા પિતા કહેતા ‘આપણે જે ખાઇએ તે ઘરાકને ખવડાવવું’ તે સિધ્ધાંતને વળગી રહેતા આજે સફળતા મળી છે. મારી ફેક્ટરીનો માલ જ મારા ઘરમાં નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે. તેને કારણે 2006 માં જે ટર્નઓવર વાર્ષિક હતું તે આજે રોજનું છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!