એકદમ સત્ય ભૂત વાર્તા – ડરના મના હૈ

“મુકેશ, તમે મને તમારુ જે એપાર્ટમેન્ટ ભાડે આપેલુ છે તેમાં ભુત થાય છે….”

આવી વાત મારો એક નવો ભાડુઆત, જ્યારથી તે રહેવા આવ્યો ત્યારથી લગભગ ઘણીવાર મને ફોનથી અને જ્યારે રુબરુ મળે ત્યારે પણ ઘણી વાર કહેતો… હું તેને સનકી માનીને કે પછી હસીને તે વાત ટાળી દેતો….

પણ તે રહેવા આવ્યાને ત્રણ મહિના થઇ ગયા તોય વારંવાર મને આવી વાત કહેતો… આ વખતે જરા ગુસ્સે થઇને મને કહ્યુ…
“જો તુ મારી વાત પર વિશ્વાસ નહીં કરે તો હું લિગલી એક્શન લઇને કામ કરીશ… ભુત થાય છે… તે ઘણીવાર ગણગણાટ કરતુ હોય છે તે મેં સાંભળેલુ છે….”

“નો વે….. આ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં ચાર યુનિટ છે, બાકીના ત્રણ યુનિટના ભાડુત, મેં આ એપાર્ટમેન્ટ લીધુ તે પહેલાથી તેમાં રહે છે, અને તારા એપાર્ટમેન્ટમાં તારી પહેલા જે રહેતા હતા તેઓ પણ ઘણા સમયથી રહેતા હતા….. મને તો આજ સુધી કોઇએ આવી ભુતની વાત નથી કરી… પ્લીઝ ખોટી વાત કરીને મને કે આજુબાજુ વાળાને ડરાવશો નહીં..”

મારા એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષ માં ચાર યુનિટ છે, તે ભાડે આપેલા છે… ચાર વરસથી તો મારી પાસે તે મકાન છે, અને દરેક ભાડુઆત, બહુ જુના છે, એક ભાડુઆત ચાર મહિના પહેલા એક યુનિટ ખાલી કરી ગયો, તે યુનિટ રિનોવેટ કરાવીને મેં ત્રણ મહિનાથી એક બોલિવિયન કપલને ભાડે આપેલુ છે. તે મિસ્ટર બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માં સ્ટીલ ફ્રેમવર્ક કરે છે, અને તેના વાઇફ કોઇ પ્રાયવેટ ઓફિસમાં જોબ કરે છે.

તે રહેવા આવ્યો તે પછી અઠવાડીયામાંજ આવી ભુતની કંપલેન ચાલુ કરેલી… પણ હવે તેને સિરીયસ સાંભળવાનો સમય આવી ગયો હતો…

હું પોતે ઇન્ડીયામાં એવા બે ત્રણ અનુભવોમાંથી પસાર થયેલો છું તોય બીજા લોકો તેને ભુત પ્રેત સાથે સરખાવવા છતાં હું પોતે તેવી વાતોમાં માનતો નથીજ…

અમેરિકામાંય ભુતમાં માને જ છે, આપણી કાળીચૌદશની જેમ હેલોવિન જેવો તહેવાર પણ મનાવે છે… અને સાઉથ અમેરિકામાં મેક્સિકો, પેરુ, ગ્વાટેમાલ, બોલિવીયા જેવા દેશોમાં તો આપણા દેશની જેમ અંધશ્રધ્ધાનુ પ્રમાણ વધારે હોઇ આવુ ભુત વાળુ વધારે માને છે.

આ ભાડુઆત પણ તે દેશો માંથીજ આવતો હતો…..

હવે હું ના માનવા છતાં, સત્ય શું છે તે જાણવા, સિરીયસ મેટર ગણીને મેં તેને બે વિક પહેલા તેને રવિવારની રજા હતી ત્યારે તેના ઘરે-મારા તે એપાર્ટમેન્ટમાં જઇનેજ બધી વાત જણાવવા કહ્યુ…

“તો…. આ ઘરમાં ભુત છે તેવુ તને કોણે કહ્યુ?”

“કોઇએ નહીં… મેં જાતે અનુભવ્યુ છે…”

“તારા વાઇફને ખબર છે?”

“મેં તેને થોડા દિવસ પહેલાજ જાણ કરી.. પણ તે મારી વાત માનવા છતાં ખરાઇ કરવાની ના પાડી, એકલી હોય ત્યારે ઉપરના બેડરુમમાં જ રહે છે…”

તેના બેડરુમમાં જુદા જુદા કલર અને સુગંધની ઢગલો મિણબત્તીઓ તે સળગાવતી હોય તેવુ લાગ્યુ… બાઇબલ જેવી બુક, ક્રોસ, માળા વગેરે પણ ત્યાં પડેલા જોયા…

“ઓકે.. હવે તને ક્યારે અને ક્યાં કેવા અનુભવ થયા તે જણાવ…”

“આ નીચેના બાથરુમમાં….”

ત્યાં બે બાથરુમ છે, નીચે બાથટબ સાથેનુ અને ઉપર સ્ટેન્ડીંગ શાવર વાળુ.
“એ દિવસે હું કામથી થાકીને રાત્રે ઘરે આવીને બાથટબ ભરીને બિયર પીતા પીતા પડયો રહ્યો હતો… તેમાં અડધો કલાક જેવુ પડ્યો રહ્યો હોઇશ… મેં બાથટબ ની દિવાલ પર હાથ મુક્યો તો તેમાંથી કોઇ ગણગણાટ કરતુ હોય તેવુ લાગ્યુ… એ દિવસે તોમેં ગણકાર્યુ નહીં… પણ તે પછી ઘણીવાર એવુ અનુભવ્યુ…. એટલે એક દિવસ હું કાન મુકીને તે શું બોલે છે તે સાંભળવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યો…પણ કાંઇ સમજાતુ નહોતુ….સવારે મેં બાથરુમની તે દિવાલ ની પાછળ તરફ શું છે તે જાણવા જોયુ કે તેની પાછળ તો બેકયાર્ડ જ છે…. તે રાત્રે નહાતા પહેલા મેં બેકયાર્ડમાં પણ રાત્રે જઇને જોયુ…કે કોઇ છે કે નહીં…કોઇ નહોતુ.. મારી હિંમત નહોતી તોય બાથરુમમાં નહાવા ગયો… ન્હાતા પહેલા દિવાલે કાન મુક્યો… કાંઇ સંભળાતુ નહોતુ…. એટલે ગરમ પાણી ચાલુ કરી બાથટબ ભરાય ત્યાં સુધી બાથરુમની બહાર રહ્યો અને બેકયાર્ડમાં પણ નજર રાખી…. પ્રાર્થના કરતા કરતા હું ફટાફટ નાહીને બહાર નીકળી ગયો…”

“ઓકે તારા વાઇફ ને આવુ કાંઇ સંભળાયુ કે અનુભવ્યુ?”

“ના તે પહેલા આ બાથરુમ યુઝ કરતી હતી પણ હવે ઉપરનુ બાથરુમજ તે વાપરે છે…”

“ચાલો મને તે બાથરુમ જોવા દે..”

થોડા ગભરાટ સાથે હું બાથરુમમાં ગયો.. બાથરુમ માં બાથટબ વાળી વોલ પર હાથ મુક્યો…. કાંઇ એવુ લાગ્યુ નહીં… એટલે કાન માંડ્યા…. તોય એવુ કાંઇ સંભળાયુ નહીં…. બેકયાર્ડમાં જઇને તે બાજુની દિવાલ પર જોયુ, હાથ અને કાન પણ મુકી જોયા… પણ મને એવુ કંઇ લાગ્યુ નહીં..

“એમ નહીં…. તારે રાત્રે આવવુ જોઇએ… હું તો ઘણીવાર એવુ અનુભવુ છું..”

“બીજુ કંઇ થાય છે કે અનુભવાય છે?”

મારો હેતુ તો એ જ હતો કે જો બીજા ભાડુત ભલે અનુભવે નહીં પણ આ વાત જાણે તોય ખાલી કરીને જતા રહે… અને કદાચ વાત ફેલાઇ જાય (ખોટી હોય તોય) તો પછી ભાડે આપતા કે વેચતા પણ મુશ્કેલી થાય… એટલે પહેલા તો પેલાને ખોટો બતાવવાનો હતો… અને પછી ખરેખર શું છે તે જાણીને તેનો વહેમ કે જે હોય તે દુર કરવા જરુરી હતા…

“બીજુ તો કાંઇ થયુ નથી પણ મારા વાઇફ હવે ગભરાય છે એટલે કદાચ મારે મકાન ખાલી કરવુ પડે….”

“ઓકે… જો તને એવુ ફરી લાગે તો મને ત્યારેજ જાણ કરજે… હું કંઇક કરીશ… અને તારે ખાલી કરીને જવુ હશે તો હું લિઝ બ્રેક ના પૈસા પણ નહીં લઉ…”

અને હું ત્યાંથી નીકળીને મારી કાર તરફ ગયો… કારમાં બેસતા વિચાર આવ્યો કે આ મકાન જેની પાસેથી મેં લીધુ હતુ તેને પુછવાથી કંઇ જાણવા મળે… મારા મગજમાં તો મેં જોયેલા હોરર મુવિની બધી સ્ટોરી ચાલુ થઇ ગઇ… જુના મકાનમાલિકને ફોન કરી આડી અવળી વાત કરી.. ડ્રેનેજમાં મોટા રુટ ભરાઇ જતા હતા તેની વાત કરી મળવા જણાવ્યુ… તે ઘરે જ હતો… અને નજીકમાં રહેતો હતો… તેણે એપાર્ટમેન્ટ પર જ આવવાનુ કહી મને રાહ જોવા કહ્યુ… હું કાર ગરમીમાં ગરમ થયેલી હોઇ એસી ચાલુ કરીને ગરમ હવા બહાર નીકળે એટલે વિન્ડો ગ્લાસ ડાઉન કરીને બેઠો…. ત્યાંતો ક્યંાકથી મધમાખીઓ આવવા લાગી એટલે ગ્લાસ ચડાવીને કાર આગળ લઇ આવીને રાહ જોતો બેઠો….
પેલો જુનો મકાનમાલિક આવ્યો… ડ્રેનેજ લાઇનમાં આવતા રુટ માટે એશોશિયેશનના ખર્ચે તે દુર કરાવવા કહ્યુ… મેં વાત જમાવવા તેને કહ્યુ કે “આજુબાજુમાં એવા મોટા ઝાડ પણ નથી… તો પછી આ રુટ-મુળિયા આવ્યા ક્યાંથી?”
“પહેલા અહીં મોટા મેગ્નોલિયા ના ઝાડ હતા… તેના રુટ આમ ડ્રેનેજને નુકશાન કરતા હોઇ તે ઝાડ કાપી નાખ્યા… આ એપાર્ટમેન્ટ તને વેચતા પહેલાજ ઝાડ કાપી નાખ્યા હતા… પણ હજુ રુટ રહી ગયા હશે…”

“ઓહ… તો એના રુટ હેરાન કરે છે… પણ ઝાડ તો સારા કહેવાય… ડ્રેનેજ પાઇપ નવી સ્ટીલની નાખી દેવાની હતી…”

“અરે ફ્રેન્ડ.. એના પર હની બી -મધમાખીઓ પણ બહુ રહેતી હતી… આખો દિવસ ગણગણાટ કર્યા કરીને ઘરમાંય ઘુસી જતી..એટલે બધુ વિચારીને ઝાડ કાપીજ નાખ્યા…”

“તો પછી માખીઓ તો બીજે જતા મધ ખાવા મળ્યુ હશે તને…”
મેં મજાક કરતા કહ્યુ….

“જો તારે મધ ખાવુ હોય તો મધમાખી પાછળજ રહે છે”…

અને એ મને પાછળ લઇ ગયો… પણ મધપુડો ક્યાંય ના દેખાયો… પણ મને પેલી કારમાં આવતી માખીઓ યાદ આવી… એટલે મધપુડો તો ક્યાંક હોવોજ જોઇએ… મેં કાર જ્યાં પહેલા પાર્ક કરેલી તેની આસપાસ જોવા માંડ્યુ…..

મને મધપુડો તો ના દેખાયો પણ પેલુ ભુત દેખાઇ ગયુ!!!!!!!

સખત ગરમીમાં પણ મગજ દોડવા લાગ્યુ… પેલા જુના મકાનમાલિકને કહ્યુ કે તને ક્યાંય ભુત દેખાય છે???? એ તો મારા પર ભડક્યો… મને કહે શું વાત કરે છે? મેં તેને નવા ભાડુઆતની બધી વાત કરી..
જુનો મકાનમાલિક તો જતો રહ્યો… પણ મેં મારા ભાડુઆતને આજે રાત્રે હું આવીશજ કહીને નીકળી ગયો….

તે સાંજે લગભગ સાતેક વાગે હું ફરી ત્યાં પંહોચી ગયો… વાતાવરણ ઠંડુ થઇ રહ્યુ હતુ… મેં બાથરુમમાં જઇને ગરમ પાણીનો શાવર ચાલુ કર્યો… પાણી ઉડીને બહાર ના આવે એટલે શાવરહેડને વોલ બાજુ ફેરવ્યો…. અમે બાથરુમ માંથી બહાર આવી ગયા કેમકે પાણીની ગરમી વધી રહી હતી… પાંચેક મિનીટમાં ફરી બાથરુમમાં આવ્યા… પેલો ભાડુઆત તો મારી સામેજ જોઇ રહ્યો હતો… વાતો પણ સામાન્યજ ચાલુ હતી… તેની વાઇફ ક્યાંક બહાર ગયેલી… બાથરુમમાં આવીને મેં બિન્દાસ્ત વોલ પર હાથ મુક્યો …. મને અવાજ ફિલ થયો… મેં કામ માંડ્યા… ભુત બડબડાટ કરતુ હતુ… હું ખુશ થયો…. “હાશ આજે ભુતની વાત સંાંભળી..” પેલો તો હજુય દ્વિધામાં જ હતો કે આ માણસ ભુતથી ગભરાતો નથી…. મેં એક ફોન કર્યો… હિન્દીમાં. પેલો કહે “કોને ફોન કરે છે?” મારા મોઢામાં આવી ગયુ કે “ભુવા ને” પણ પેલાને હવે બહુ ગભરાવવો નહોતો.. એટલે મારી શંકા જણાવી જ દિધી કે ભુત ને કેવી રીતે ભગાડવુ…. તે થોડી શંકા સાથે પણ સહેજ હાસ્ય સાથે મારી સામે જોઇ રહ્યો…..

બીજા દિવસે સાંજે હું અને મારો “ભુવો” ત્યાં ગયા…. ભુવાએ “કંકુ-નાળિયેર” કાઢ્યા…. પેલા ભાડુઆતની નજર સામેજ બધી વિધી કરી… જેથી તેનો વહેમ દુર થાય અને માને કે ભુત ભાગી ગયુ…. વિધી પતતા ભાડુઆતને જરુરી સુચના આપી અમે નીકળી ગયા… મેં પેલા “ભુવા” નો આભાર માન્યો…

બીજા દિવસે લગભગ સવારના નવ વાગે ભાડુઆતનો ફોન આવ્યો, બહુ ખુશ મિજાજી સ્વરમાં… “ભુતડા મરી ગયા છે અને બાકીના ભાગી ગયા છે…. તેમના મૃત શરીર બહાર પડેલા છે….તને તેના ફોટા પાડીને મોકલાવુ છું.”

અને તેણે મને ફોટા મોકલ્યા જેમાં અસંખ્ય મધમાખીઓ મરેલી પડી હતી…..

(પેલા મેગ્નોલીયાના ઝાડ કપાતા, તેના પર રહેતી મધમાખીઓ એપાર્ટમેન્ટના પાછલા ભાગે મધપુડો બનાવીને રહેતી હતી.. જે મને પેલા જુના માલિકે જણાવ્યુ… પણ કોઇ કારણથી તે મધમાખીઓ પાછલી દિવાલમાં રહેલા કાંણા માંથી દિવાલની અંદર રહેવા ગઇ (અહીં દિવાલની વચ્ચે પોલાણ હોય છે, બહારની બાજુ સ્ટકો અને અંદરની બાજુ ડ્રાયવોલ હોય છે, વચ્ચે ઇન્સ્યલેશન ભરેલુ હોય જે પોલુ પણ હોય) તે દિવાલની અંદરની બાજુ બાથરુમ ની વોલ હતી… મધમાખી દિવસે બહાર હોય અને સાંજે અંદર જાય… જે મેં કાર પાર્ક કરેલી ત્યારે અને ફરી પાછળ જુના માલિક સાથે આવ્યો ત્યારે જોયુ કે માખીઓ એક કાંણા માંથી અંદર બહાર થઇ રહી હતી..જે “ભુત” મેં જોયુ…. અને અનુભવે બધુ મગજમાં બેસતુ ગયુ કે રાત્રે ગરમ પાણીથી વોલ ગરમ થતા કે પેલાના હાથ પગ ના વોલ પર પછડાતા માખીઓ દિવાલમાં ઉડતી હશે… જેનો ગણગણાટ પેલાને ભુતનો અવાજ લાગેલો…
મધમાખીજ છે તેટલુ નક્કી થતા મેં મારા “ભુવા” પેસ્ટ કંટ્રોલ વાળા ભાઇ જે પંજાબી છે તેને ફોન કરીને બીજા દિવસે સાંજે દવા છાંટવા બોલાવ્યો…જેની અસરથી બીજા દિવસે સવારે માખીઓ ઢીલી પડીને બહાર આવતાજ મરવા લાગી.. બાકીની બીજે જવા ઉડી ગઇ… હવે તે કાંણા પુરાવી દીધા છે.)

અને આમ એક ભુતવાર્તા બનતા રહી ગઇ…

– મુકેશ રાવલ

Leave a Reply

error: Content is protected !!