‘માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું’ – કાજલ ઓઝા નો બોલ્ડ પણ બહુ ચર્ચિત ઈન્ટરવ્યુ

આજના મહેમાન કાજલ ઓઝા વૈદ્ય માસિકચક્ર એક એવો શબ્દ છે જે બેઠક રૂમમાં બોલાય તો ઘડિયાળના કાંટા થોભી જાય છે અને ચારેબાજુ મૌન છવાઈ જાય છે. આ મૌનના લીધે ઘણી માન્યતાઓ અને ગેરસમજણો પ્રવર્તે છે. માસિકચક્ર એક કાળી બેગ છે, જે દર મહિને કેમિસ્ટની દુકાનેથી કંઈ લઈને ઘરે આવે છે. આ ચર્ચામાં આજે અમારી સાથે જોડાયાં છે જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય. કમેન્ટ બોક્સમાં આપના વિચારો લખી ચર્ચામાં ભાગ લો. ‘’માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું. મારા શરીરનો ધર્મ મને ઇશ્વરે આપ્યો છે. શા માટે ના જાઉં? જે લોકો માને છે કે માસિકચક્ર દરમિયાન મહિલાઓ અપવિત્ર થઈ જાય છે, એમને મારી સલાહ છે કે તમે સૌથી પહેલાં મંદિરો ચોખ્ખાં કરો.

મને જ્યારે મન થાય, ત્યારે ભગવાન પાસે જાઉં છું. તેમાં મને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ થતો નથી. મારા ઉછેર દરમિયાન મારા ઘરમાં માસિકચક્ર પાળવાની કોઈ જ વ્યવસ્થા મેં જોઈ નથી. મારી મમ્મી, મામી કે ફોઇઓને મેં ક્યારેય માસિકચક્ર વખતે ખૂણામાં બેસતાં જોયા નથી.

બહુ જ યાદ કરું તો મારી એકાદ બહેનપણીનાં મોઢે સાંભળ્યું હતું કે એણે ઘરે જઈને રસોઈ બનાવવી પડે છે કારણ કે એણે એની મમ્મીને અડવાનું નથી. એ વખતે એ વાત બહુ ગંભીરતાથી લીધી નહોતી.

થોડીક મોટી થઈ અને વાંચવાનું શરુ કર્યું ત્યારે આ વિશે ઊંડાણમાં ખબર પડી. એમાં પણ એવું લાગ્યું કે આપણી સમાજ-વ્યવસ્થામાં મહિલાઓને આરામ બહુ ઓછો મળે છે. એવામાં જો એમને 4-5 દિવસ આ બહાને પણ આરામ મળતો હોય તો ખોટું નથી.

હા, કંતાન પર સૂવાનું, ગાદલા વગર ખાટલામાં સૂવાનું કે પછી એ દિવસોમાં તમને ઘરનાં એક ખૂણામાં પટકી દેવામાં આવે, સાવ અજુગતો વ્યવહાર કરાય એ ખોટું છે.

પ્રાચીન સમયથી જ માસિકચક્ર અને ધાર્મિક માન્યતાઓને એક સાથે જોડી દેવામાં આવી છે. એટલે મહિલાઓનાં મગજમાં આ બાબતે દુવિધા રહે છે. પરંતુ ખુલ્લા મન અને મગજથી મહિલાઓએ જાતે જ આ વિશે બોલવું પડશે. તો જ સમાજ બદલાશે.’’

(અર્ચના પુષ્પેન્દ્ર સાથે કરેલી વાતને આધારે)

સોર્સ: BBC Gujarati

 

Leave a Reply

error: Content is protected !!