દીકરીની પિતાના ઘરમાં છેલ્લી રાત……એક વખત અચૂક વાંચજો…

દરેક પિતા માટે દીકરી એ જીવવા માટેનો શ્વાસ છે. નિરાશા માં પણ આશા છે. પરંતુ એક દીકરી માટે પિતા શું છે, એમાં હું મારી લાગણી વ્યક્ત કરું છુ.

મારા જીવનની ખુબ અગત્યની ક્ષણો, ઘડિયાળ ના કાંટા નો અવાજ કયો અને શ્વાસનો ધબકાર કયો એ કોઈ અલગ કરી શકે એમ ન હતું.

આ રાત હતી મારી લગ્નની આગલી રાત તા.૧૭-૦૫-૨૦૧૭. એ રાત્રે મારા મેરેજના ગરબા હતા. ગરબા પૂરા થયા પછી, અમે રાત્રે ૩ વાગ્યે ઘરે આવ્યા. હું,મમ્મી,પપ્પા અને ભાઈ એક રૂમમાં સુતા હતા. દીકરીએ પોતાના ઘરને છોડવાના કાઉન્ટ ડાઉન શરૂ કરી દીધા હતા. પછી ઊંઘ આવે ખરી?

મારી નજર એ લોકો ઉપરથી ખસતી જ નોહતી. મન માં એવું થાય કે શું ખરેખર એ ઘડી આવી ગઈ છે? મારે આ લોકોને છોડીને જવું પડશે? મનમાં ડર હતો, ભગવાન પણ કેવા, મેં માંગ્યું એ બધું આપી દીધું… એણે મને મોટી કરી દીધી.

સમય વિતી રહ્યો હતો…. પપ્પા સામે જોયું તો એક પછી એક પ્રસંગો આંખો સામે આવતા ગયા. ગમે તે સમય હોય, પપ્પાને ક્યારેય એવું નથી કેહવું પડ્યું કે પપ્પા આ વસ્તુ લાવજો, એ વસ્તુ આવી જ ગઈ હોય, એમને ખબર જ હોય કે મને શું ભાવે, શું ગમે. અને એકાએક પપ્પાની આંખોમાં છલકાતી મમતા યાદ આવી ગઈ. હું એક દિવસ જોબ પરથી ઘરે આવી, માથું દુખી રહ્યું હતું, શરીરમાં ખુબ થાક હતો. પપ્પાને ખબર પડતાજ તેલની બોટલ લઇ માથામાં ચંપી કરી આપી. એમની આંગળીઓ મારા માથામાં ફરી રહી હતી જાણે કે કહી રહી હોય કે મારી દીકરીને બીમારી ના હોય.

પપ્પા અને મારી બોન્ડીંગ એવી કે મનમાંજ બોલાવું એમને અને તરતજ પપ્પા બોલી ઉઠે બોલને બેટા. અને થયું પણ એવું જ… જોયું તો પપ્પા પણ રડી રહ્યા હતા… ચાદર પાછળ નું એ રુદન ચોક્કસ પણે એ જ કહી રહ્યું હતું, હા બોલને બેટા… શું જોઈએ છે.. હું મારા આંસુ રોકી ના શકી.

પછી મારી નજર પડી એક ખુબ સ્ટ્રોંગ વ્યક્તિ પર. એ વ્યક્તિ ન ક્યારે હારે ન ક્યારે મને હારવા દે. સાચી દિશા બતાવનાર અને હંમેશા મદદ કરવા તત્પર. મારી મમ્મી. લગ્નની મારી ખરીદી મમ્મીએ જ કરી, એકપણ વાર મારે કેહવું નથી પડ્યું કે મારે શું જોઈએ છે, એમને ખબરજ હોય… એમની અને મારી પસંદ એકજ હતી, અને હોય પણ કેમ નહિ, છેવટે તો હું મમ્મીનો અંશ જ ને. ખુબ જ રડી રહી હતી.

પછી મારી નજર પડી મારા નાના ભાઈ પર. એ કેહવાનો નાનો, બાકી બધી જ વાત ખુબ જ મેચ્યોરીટી થી કરે. એ આપણને સમજાવે એટલે એવું લાગે કે સમજણ અને ઉમરની વચ્ચે કોઈ જ સંબંધ નથી. ભાઈ એ ભાઈ નથી, પણ ભગવાન છે. મનમાં આટલું જ બોલી કે જવ છુ ભાઈ…

સવારે કોઈ જ કઈ બોલ્યા વગર એકબીજાની સામે જોઈ રહ્યા હતા.. કોઈજ બોલી રહ્યું ન હતું છતાં બધા જાણે આખી રાત બેસીને વાતો કરી હોય એવું લાગ્યું.

કેહવાય છે ને…
આંસુ અને દીકરી સરખા જ ને…
આંખ આવે છે આંસુ વહી જવા માટે…
તો દીકરી પણ ક્યાં આવે છે રહી જવા માટે…

By – Nirali Harshit Trived

Leave a Reply

error: Content is protected !!